Breaking News : ગુજરાતના 106 તાલુકામાં વરસાદની ધબધબાટી, વિવિધ ગામોના કોઝવે પાણીમાં ડૂબ્યાં, સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં, જુઓ Video
ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જૂનાગઢમાં સૌથી વધુ 3.50 ઇંચ વરસાદ નોંધાયો. 106 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.

રાજ્યમાં ચોમાસાની ગતિ ફરી એકવાર ઝડપ પકડી છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના કુલ 106 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લામાં 3.50 ઇંચ જેટલો થયો છે.
મુખ્ય વરસાદી અહેવાલ:
-
જૂનાગઢ શહેર જિલ્લામાં: 2.75 ઇંચ વરસાદ
-
જામનગર (જોડીયા): 2.80 ઇંચ
-
ભાવનગર (સિહોર): 1.50 ઇંચ
-
કચ્છ (ભચાઉ): 1.50 ઇંચ
-
રાજ્યના 15થી વધુ તાલુકાઓમાં: 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાલ
સૌરાષ્ટ્રમાં વરસાદથી ઠેર ઠેર ધમાલ મચી છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. મજેઠી, લાઠ, ભીમોરા અને કુંઢેચ ગામોમાં પાણીની જળધારાઓ વહેતી થઈ હતી. મજેઠી અને લાઠ ગામ વચ્ચેનો કોઝવે પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે સ્થાનિક પરિવહન પર અસર પડી હતી.
ખેડૂતોમાં ખુશીનો માહોલ
આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. લાંબા સમયથી રાહ જોઇ રહેલા વાવણીની તક હવે મળી રહી છે. વરસાદી મોસમ શરુ થવાથી ખેતીકારોમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.
શહેરોમાં વરસાદથી મુશ્કેલીઓ
બીજી તરફ શહેરો ખાસ કરીને, ભાવનગરના સિહોર વિસ્તારમાં માત્ર એક ઇંચ વરસાદમાં જ હાઈવે અને ગલીઓમાં પાણી ભરાઈ ગયા. પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલતી દેખાઈ છે. વાહનચાલકો અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
જૂનાગઢ અને જામનગરમાં ભારે ઝાપટાં
જૂનાગઢ શહેરમાં મોતીબાગ અને ભવનાથ તળેટી વિસ્તારમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા. રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા.
જામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદે ધમધમાટી કરી. લાલપુર, કાલાવડ અને જોડીયામાં વરસાદી ઝાપટાં નોંધાયા. જોડીયામાં સૌથી વધુ 2.80 ઇંચ વરસાદ થયો, જ્યારે જામજોધપુર અને ધ્રોલમાં સામાન્ય વરસાદથી લોકો ગરમીથી છુટકારો મેળવી શક્યા.