જામનગરમાં રિલાયન્સના સહયોગથી બનનારા વિશ્વના સૌથી મોટા પ્રાણી સંગ્રહાલયને હાઈકોર્ટ તરફથી મળી લીલી ઝંડી, પ્રાણીઓના પુનર્વસનને લઈને કરાઈ હતી PIL
Jamnagar: રિલાયન્સ ગૃપના સહયોગથી બનનારા પ્રાણી સંગ્રહાલયને હાઈકોર્ટે લીલી ઝંડી આપી છે. જામનગરમાં બનનારા આ ઝુની મંજૂરીને પડકારતી અરજી કોર્ટે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકાર અને સેન્ટ્રલ ઝુ ઓથોરિટી તરફથી રજૂ કરાયેલા જવાબ બાદ કોર્ટે મંજૂરીને પડકારતી અરજીનો નિકાલ કર્યો છે.
જામનગર(Jamnagar)માં રિલાયન્સ (Reliance) ગૃપના સહયોગથી વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનવા જઈ રહ્યુ છે. જેને હવે હાઈકોર્ટ (High court) તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ છે. આ પ્રાણી સંગ્રહાલયમાં લવાયેલા પ્રાણીઓના જીવને જોખમ હોવાની અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. અરજીકર્તાએ આક્ષેપ કર્યો હતો કે ઝુમાં રાખવા માટે જે દેશ-વિદેશમાંથી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે તેમને જામનગરનું વાતાવરણ અનુકૂળ નહીં હોવાથી તેમના જીવનુ જોખમ ઉભુ થશે. જો કે સેન્ટ્રલ ઝુ ઓથોરિટી તરફથી આ પ્રાણીઓના જીવ અને આરોગ્યની ખાતરી આપી હતી અને વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટની તમામ ધારાઓને અનુસરી તેમનુ સખ્તાઈથી પાલન કરવામાં આવશે. તેમજ પ્રાણીઓના યોગ્ય પુનર્વસન અને તેમને અનુકૂળ વાતાવરણ પુરુ પાડવાની ખાતરી અપાઈ હતી. જે બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે અને જામનગરમાં વિશ્વનું સૌથી મોટુ પ્રાણી સંગ્રહાલય બનવાનો માર્ગ મોકળો થયો છે.
સુપ્રીમ કોર્ટમાં પણ ઝુની મંજૂરીને પડકારતી અરજી કરાઈ હતી
આપને જણાવી દઈએ આ ઝુને લઈને સુપ્રીમ કોર્ટમાં પણ અરજી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં કરાયેલી PILમાં સેન્ટ્રલ ઝુ ઓથોરિટી (CZA) દ્વારા ખાનગી પ્રાણી સંગ્રહાલયને આપવામાં આવેલી માન્યતા રદ કરવાની અને પ્રાણીઓના સ્થળાંતર અંગે વિશેષ તપાસ ટીમ દ્વારા તપાસની માગણી કરવામાં આવી હતી. ઉપરાંત મદ્રાસ હાઈકોર્ટમાં પણ જામનગરમાં બનનારા આ ઝુની સામે PIL દાખલ કરવામાં આવી હતી. જેમા ઝુમાં લાવવામાં આવેલા 1000 મગરના સ્થળાંતરના મુદ્દે વાંધો રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જામનગરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રી સંચાલિત ગ્રીન્સ ઝુઓલોજિકલ, રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટીમાં અન્ય સરકારી પ્રાણી સંગ્રહાલયો અને વિદેશથી પ્રાણીઓના ટ્રાન્સફરને પડકારતી PIL પોસ્ટ કરી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે એક સમાન આ PILને ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી PIL સુપ્રીમમાં કરાયેલી PILથી અલગ હતી
ગુજરાત હાઈકોર્ટમાં કરાયેલી PIL મદ્રાસ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કરાયેલી PIL કરતા અલગ હતી. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેંચે જણાવ્યુ કે આ PILમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972ની ધારાઓનું સંપૂર્ણપણે પાલન થાય તે સુનિશ્ચત કરવા માટે કરવામાં આવી હતી. વન્યજીવ સંરક્ષણ અધિનિયમની જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેમજ ઝુના પ્રાણીઓની યોગ્ય કાળજી લેવામાં આવે તે અંગે કરાઈ હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે પ્રાણી સંગ્રહાલય પર હાથ ધરાયેલા નિરીક્ષણ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો. તેમજ કેન્દ્રએ પણ PILનો જવાબ દાખલ કર્યો હતો, જેમાં વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 (WLPA)ના તમામ નિયમોને અનુસરવાની ખાતરી આપવામાં આવતા હાઈકોર્ટે જામનગરમાં રિલાયન્સના સહયોગથી બનનારા ઝુને લીલી ઝંડી આપી છે.