રાજકોટમાં ઈનકમટેક્સ વિભાગનું મેગા ઓપરેશન, બિલ્ડર લોબી પર ITની ઈન્વેસ્ટીગેશન વિંગની કાર્યવાહી, 35 સ્થળો પર 200 અધિકારીઓ દ્વારા તપાસ
રાજકોટમાં ઈન્કમટેક્સ વિભાગે મેગા ઓપરેશન હાથ ધરતા સવારથી બિલ્ડર લોબીમાં સર્ચ કાર્યવાહી હાથ ધરી છે. બિલ્ડર લોબી પર ITની ઈન્વેસ્ટીગેશન વિંગ કાર્યવાહી કરી છે. જેમા 35 સ્થળોએ 200 અધિકારીઓ તપાસમાં જોડાયા છે.
ઈન્કમટેક્સ વિભાગે રાજકોટમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યુ છે. આજે સવારથી ફરી બિલ્ડર લોબી પર ઈન્કમટેક્સ વિભાગે સર્ચ કાર્યવાહી હાથ ધરી છે. જેમા બિલ્ડર દિલીપ લાડાણી, વિનેશ પટેલ, અને ઓરબીટ ગૃપના સ્થળોએ ઈન્કમટેક્સ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. આ ઉપરાંત બાંધકામ સાઈટ, ઓફિસ સહિત 35 જેટલા સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે. રાજકોટ ઈન્વેસ્ટીગેશન વિંગના 200 જેટલા અધિકારીઓની ટીમ તપાસમાં સામેલ છે. ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીથી બિલ્ડર લોબીમાં ફફડાટ ફેલાયો છે.
એકસાથે 35 સ્થળોએ આવકવેરા વિભાગની ટીમે શરૂ કર્યો તપાસનો ધમધમાટ
આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડર્સ, તેમના ફાઈનાન્સર્સ, તેમના સીએ સહિતના તમામ ભાગીદારોની પૂછપરછ અને તપાસ કરવામાં આવી છે. બિલ્ડર્સની કન્સ્ટ્રક્શન સાઈટ, ઓફિસ, મકાનો સહિત 35 સ્થળોએ તપાસ હાથ ધરાઈ છે. આપને જણાવી દઈએ કે રાજકોટનુ લાડાણી ગૃપ બિઝનેસ સાથે જોડાયેલુ છે સાથોસાથ કન્સ્ટ્રક્શન લાઈન સાથે પણ જોડાયેલુ છે.
વહેલી સવારથી રાજકોટના મોટા પ્રોજેક્ટ ટ્વીન ટાવરમાં ઈનકમટેક્સની ટીમ ત્રાટકી
ટાવર પ્રોજેક્ટ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલો છે, જે ઘણો મોટો અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે. ત્યાં પણ ઈનકમટેક્સ વિભાગની ટીમ પહોંચી હતી. મહત્વપૂર્ણ છે કે દિવાળી પહેલા રાજકોટના જ્વેલર્સને ત્યાં મોટુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. એક જ વર્ષમાં આવકવેરા વિભાગનું રાજકોટમાં આ બીજુ મોટુ ઓપરેશન હાથ ધરાયુ છે.
હજુ બે દિવસ સુધી ચાલશે આઈટીનું ઓપરેશન- સૂત્ર
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આવકવેરા વિભાગ દ્વારા બે થી ત્રણ દિવસ સુધી આ ઓપરેશન ચાલે તેવી પુરી શક્યતા છે. ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓને ગત રાત્રે જ અમદાવાદ લઈ જવાયા હતા અને ત્યાંથી વહેલી સવારે 6 વાગ્યે ફરી રાજકોટ લવાયા હતા.
આજ સવારે વહેલી સવારથી એકી સાથે 30 થી 35 સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને તપાસ હાથ ધરાઈ હતી. બે દિવસ બાદ મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ અને કાળુ નાણું સામે આવે તેવી પણ પૂરી શક્યતા જોવાઈ રહી છે. સ્વાભાવિક રીતે બિલ્ડર લોબીને ત્યાં ઈન્કમટેક્સ વિભાગની આ કાર્યવાહીને કારણે અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટ ફેલાયો છે. હવે જોવાનુ રહેશે આ તપાસ દરમિયાન કેટલા બિનહિસાબી વ્યવહારો સામે આવે છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો