સૌથી મોટો સવાલ એ છે કે, નવસારી, ગાંધીધામ, મોરબી સુરેન્દ્રનગર, વઢવાણ ,વાપી આણંદ અને મહેસાણાને શું શું નવા ફાયદા મહાનગરપાલિકા દરજ્જો મળવાને લઈ થશે. હાલમાં નગરપાલિકા કાર્યરત છે, ત્યાં હવે આ શહેરોને મહાનગરપાલિકા એટલે કે કોર્પોરેશનનો દરજ્જો મળ્યો છે.
મહાનગરપાલિકા થયા બાદ હવે ચીફ ઓફિસરને બદલે હવે આ શહેરોમાં મ્યુનિસિપલ કમિશ્નરની નિમણૂંક થશે. સાથે જ શહેરમાં હવે પ્રમુખ નહીં મેયર અને ઉપપ્રમુખને બદલે ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના હોદ્દાઓ અસ્તિત્વમાં આવશે.
અત્યાર સુધી પ્રમુખ અને ચીફ ઓફિસર પાલિકાનું સંચાલન કરતા હતા. જોકે ચીફ ઓફિસરની પાસે સત્તાઓની કેટલીક મર્યાદા હોય છે. ખાસ કરીને ટેક્નીકલ સ્ટાફને લઈને. પરંતુ હવે કમિશ્નર પદ હોવાને લઈ સત્તાઓ વધશે, જેથી શહેરનું સંચાલન વધારે સારુ થઈ શકશે અને જેનો ફરક શહેરમાં જોવા મળશે.
હવે વર્ગ-1 ના અધિકારીને બદલે IAS અને GAS સ્તરના અધિકારીઓની નિમણૂંક થશે. એટલે કે મહાનગરપાલિકાઓમાં ઉચ્ચ અધિકારીઓની નિમણૂંક થશે. જેનાથી શહેરના વિકાસ માટેના કેટલાક પડકારોને પહોંચી વળવામાં સરળતા રહશે. સાથે જ વિકાસ અને સંચાલન વધારે સારુ બનશે. ઉચ્ચ અધિકારીઓ હોવાને લઈ તેઓ સરકારમાં પ્રોજેક્ટ મંજૂર કરાવવામાં સરળતા કરી શકે છે.
કોર્પોરેશન અમલમાં આવવાને લઈ શહેરમાં પ્રાથમિક સુવિધાઓ વધુ સારી મળી શકશે. જેમકે ગટર, પાણી, રસ્તાની સુવિધાઓ વધારે સારી થશે. જોકે શહેરીજનોએ પાલિકાના પ્રમાણમાં વેરા વધુ ચુકવવા પડશે.
મહાનગરપાલિકાને સ્થાનિક વેરાની આવક ઉપરાંત હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસથી વધુ ગ્રાન્ટ મળી શકશે. જેમકે હવે મનપા થતા હવે 30 ટકા રકમ રોકીને 100નું કામ કરી શકાશે. આ સીવાય કેટલાક 100 ટકા ગ્રાન્ટના પ્રોજેક્ટનો પણ લાભ મળી શકે છે.
1 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરો અ વર્ગની પાલીકા હોય છે, જ્યારે 3 લાખ કરતા વધારે વસ્તી ધરાવતા શહેરોને મહાનગરપાલિકાનો દરજ્જો મળતો હોય છે. જોકે નવી મહાનગર પાલિકાઓ જાહેર થઈ છે, તેમાં અન્ય આસપાસના ગ્રામ્ય વિસ્તારો ભેળવવામાં આવનાર છે. આમ આ શહેરોની વસ્તી પણ વધારે થશે અને આસપાસના ગામડાઓનો વિકાસ પણ થશે.
Published On - 8:23 am, Tue, 6 February 24