23 મેના મહત્વના સમાચાર : મહેસાણાઃ ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ, અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું હોવાનો કર્યો દાવો
આજે 23 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આજે 23 મેને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
મહેસાણાઃ ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ
મહેસાણાઃ ભાજપના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. વાયરલ ઓડિયો ક્લિપમાં ભાજપના કોર્પોરેટર બફાટ કરી રહ્યા છે. જેમા અનામત આંદોલન નીતિન પટેલે ઉભુ કર્યું હોવાનો દાવો કરાયો છે. કોર્પોરેટરે નીતિન પટેલ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો.
જો કે વાયરલ ઓડિયો ક્લિપ અંગે નીતિન પટેલની પણ પ્રતિક્રિયા સામે આવી છે. 10 દિવસ પહેલા મને આ વાત ધ્યાનમાં આવી છે. કારણ વગર મારા વિશે ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો. મારા વિશે અપશબ્દો પણ બોલવામાં આવ્યા. જિલ્લા ભાજપ પ્રમુખને ઓડિયો મોકલી કાર્યવાહી કરવા કહ્યું છે.
વાયરલ ઓડિયો મામલે ભાજપ જિલ્લા પ્રમુખે કહ્યું કે ઓડિયોમાં વોર્ડ નંબર 8ના કોર્પોરેટર ચંદ્રકાંત પટેલનું નામ ખુલ્યું છે. ચંદ્રકાંત પટેલને પાર્ટી તરફથી કોઈ પણ હોદ્દો આપવામાં નહીં આવે અને હાઈકમાન્ડના માર્ગદર્શન મુજબ આગળની કડક કાર્યવાહી કરવામાં આવશે.
-
ગાંધીનગરમાં 400 કરોડના કૌભાંડનો ભાંડાફોડ
ગાંધીનગરમાં 400 કરોડના કૌભાંડનો ભાંડાફોડ કરાયો છે. પેરાબાઈટ સ્પેસના નામે રોકાણકારો સાથે કરોડોની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. ડભોડા પોલીસ સ્ટેશનમાં જીપીઆઇડી કાયદા હેઠળ ફરિયાદ નોંધાઈ છે. આરોપી અરુણ પટેલ અને સચિન પટેલની ધરપકડ કરાઈ હતી. બન્ને આરોપીના 2 જૂન સુધીના રિમાન્ડ મંજૂર મુખ્ય આરોપી ઉત્પલ પટેલ હજુ પોલીસ પકડથી દૂર છે.
-
-
રાજકોટ : કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂની બોટલો સાથે ઝડપાયો
રાજકોટ : કોંગ્રેસના મહિલા કોર્પોરેટરનો પુત્ર દારૂની બોટલો સાથે ઝડપાયો. વોર્ડ 16ના કોંગ્રેસના કોર્પોરેટર દિપ્તી સોલંકીનો પુત્ર દારૂના જથ્થા સાથે ઝડપાયો. સ્વીફ્ટ કારમાંથી મળી વિદેશી દારૂની 132 બોટલો. શહેર PCBએ 1.85 લાખની કિંમતની દારૂની બોટલો સાથે ઝડપ્યો.
-
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા- પંપ સંચાલકો
રાજ્યમાં કેટલાક સ્થળો પર પેટ્રોલ પંપ પર લાગતી કતારો અંગે વડોદરા પેટ્રોલ પંપ એસોસિયેશનના પ્રમુખે પતિક્રિયા આપતા કહ્યું કે એક તો યુદ્ધના કારણે સપ્લાય ચેઈનને અસર થઈ છે. આ ઉપરાંત કંપનીઓ દ્વારા લિમિટેશન નક્કી કરવામાં આવી છે. જેના કારણે બ્લેક માર્કેટિંગ ના થાય. આ ઉપરાંત ડીઝલ-પેટ્રોલ નહીં મળે તેવી અફવાને કારણે પણ પંપ પર લાઈનો લાગે છે. તેમણે કહ્યું કે સપ્લાઈ મોકલતા સમય લાગવાના કારણે કેટલાક પંપ થોડા સમય માટે બંધ રહેતા હોય છે.
-
સુરતમાં થયેલી ભાજપ કાર્યકરની હત્યાનો ભેદ ઉકેલાયો
થોડા દિવસ પહેલા 18 મેના રોજ ઉધના વિસ્તારમાં ભાજપ કાર્યકર જય દલાલની ઘાતકી હત્યા થઈ હતી. આ કેસનો ભેદ ઉકેલી હત્યાકાંડના ચોથા દિવસે પોલીસે મહારાષ્ટ્રના જલગાંવથી 3 આરોપીને ઝડપી પાડ્યા છે.. હત્યા બાદ આરોપીઓએ સુરતથી ફરાર થવા ‘બાય રોડ’નો વિકલ્પ પસંદ કર્યો હતો અને બચતા બચતા મહારાષ્ટ્રના જલગાંવ પહોંચ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે, મૃતક જય અને આરોપી કિશન પરમાર, પંકજ પાટીલ અને મિલિંદ કોળી વચ્ચે અગાઉ 3 મહિના પહેલા ઝઘડો થયો હતો. ત્યારબાદ કિશન, પંકજ અને મિલિંદ સામે પાસાની કાર્યવાહી થઈ હતી. આ કાર્યવાહીની અદાવત રાખી આરોપીઓ જયને ટાર્ગેટ કરતા હતા. સમગ્ર હત્યાકાંડમાં મુખ્ય આરોપી તરીકે કિશન અને પંકજ પાટીલના નામ ખૂલ્યા છે. પોલીસ રેકર્ડ મુજબ, આરોપી કિશન રીઢો અને માથાભારે ગુનેગાર છે.. તેની ઉપર ભૂતકાળમાં મારામારી, ધાકધમકી સહિતના 18 જેટલા ગંભીર કેસો નોંધાયેલા છે તો કિશન વિરુદ્ધ અગાઉ પાસા હેઠળ કાર્યવાહી પણ કરાઈ હતી.
-
-
અમદાવાદઃ મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો યુવક ગુમ
અમદાવાદઃ મેડિકલ અભ્યાસ માટે જ્યોર્જિયા ગયેલો યુવક ગુમ થયો છે. વિદેશમાં અભ્યાસ માટે ગયેલો યુવક પરિવારથી સંપર્કવિહોણો થયો છે. 9 દિવસથી કોઈ સંપર્ક નહીં થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. યુરોપમાં PGમાં રહેતા ધ્વનિતને હેરાનગતિ થતી હોવાનો આક્ષેપ માતાપિતાએ કર્યો છે. PG સંચાલકો દ્વારા બંધક બનાવી પૈસાની માંગણી કરાઈ હોવાનો આરોપ લગાવાયો છે. માનસિક ત્રાસ અપાતો હોવાનો પરિવારનો દાવો છે. જ્યોર્જિયા પોલીસે યોગ્ય તપાસ ન કર્યાના આક્ષેપ સાથે ભારત સરકાર અને વિદેશ મંત્રાલય પાસે પરિવારે મદદ માગી છે.
-
રાજકોટ: ગોંડલના યુવકની હત્યા કેસમાં આરોપી સકંજામાં
રાજકોટ: ગોંડલના યુવકની હત્યા કેસમાં આરોપી સકંજામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યુ. 20 મેએ છરી, લાકડાના ફટકા મારી યુવાનની હત્યા કરી હતી . આરોપીઓને જોઈ મૃતક યુવકના પરિવારજનો રોષે ભરાયા છે. પોલીસની હાજરીમાં જ મહિલાઓએ હોબાળો મચાવ્યો આરોપીઓને સોંપો અથવા નજર સામે મારવા માગ કરી હતી. વાતાવરણ વધુ તંગ બનતા પોલીસ આરોપીઓને લઈ રવાના થઈ હતી.
-
રાજકોટ: ગોંડલના યુવકની હત્યા કેસમાં આરોપી સકંજામાં
રાજકોટ: ગોંડલના યુવકની હત્યા કેસમાં આરોપી સકંજામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયુ. 20 મેએ છરી, લાકડાના ફટકા મારી યુવાનની હત્યા કરી હતી. આરોપીઓને જોઈ મૃતક યુવકના પરિવારજનો રોષે ભરાયા. પોલીસની હાજરીમાં જ મહિલાઓએ હોબાળો મચાવ્યો. આરોપીઓને સોંપો અથવા નજર સામે મારવા માગ કરી. વાતાવરણ વધુ તંગ બનતા પોલીસ આરોપીઓને લઈ રવાના.
-
ભરૂચ: સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કારનો અકસ્માત
ભરૂચ: સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા કારનો અકસ્માત થયો છે. બેકાબૂ બનેલી કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ. નગરપાલિકા કચેરી પાસે સર્જાયેલા અકસ્માતના CCTV સામે આવ્યા છે. વળાંક લીધા બાદ ડ્રાઈવરે સ્ટિયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો. મહિલા ડ્રાઈવર અને અન્ય એક મહિલાનો આબાદ બચાવ થયો છે. અકસ્માતમાં કારની એરબેગ ખુલી જતા આબાદ બચાવ થયો છે.
-
અરવલ્લી: સ્પાની આડમાં ચાલતા કૂટણખાના વિરૂદ્ધ કાર્યવાહી
અરવલ્લી: સ્પાની આડમાં ચાલતા કૂટણખાના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. મોડાસામાં સ્પા સેન્ટરમાં ચાલતા ગોરખધંધાને લઈ દરોડા કરવામાં આવ્યા. બહારથી યુવતીઓ લાવી સ્પાની આડમાં દેહવ્યાપાર ચાલતો હતો. સ્પા સંચાલક અને માલીક વિરૂદ્ધ ગુનો તપાસ હાથ ધરાઈ છે. સ્પા સેન્ટરોમાં ચાલતી અનૈતિક પ્રવૃતિઓને પોલીસ એક્શનમાં આવી છે.
-
જુનાગઢ: કે. જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલને ₹12.50 લાખનો દંડ
કે. જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગંભીર ગેરરીતિ આચર્યાનો ખુલાસો થયો છે. ત્યારે ગાંધીનગર આરોગ્ય કમિશનર કચેરી દ્વારા હોસ્પિટલને 12.50 લાખથી વધુનો દંડ ફટકારાયો છે. મેડિકલ માપદંડોનો ભંગ કરવા બદલ શો-કોઝ નોટિસ પાઠવી સાત દિવસમાં દંડની રકમ ભરવા જણાવાયું છે. હોસ્પિટલના ઓડિટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં મંજૂરી વગરના અને અનધિકૃત ડૉક્ટરો પાસે સર્જરી કરાવ્યાનો ખુલાસો થયો છે. તો હોસ્પિટલમાં નિયમ વિરુદ્ધ આડેધડ સર્જરી કરાયાનો પણ ખુલાસો થયો છે. નિયમ મુજબ એક ઓર્થોપેડિક સર્જન 1 દિવસમાં ઘૂંટણ બદલવાના 3થી વધુ ઑપરેશન ન કરી શકે. પરંતુ, તે નિયમનો પણ ઉલાળિયો કરાયો. ત્યારે સવાલ ઊઠી રહ્યા છે કે આરોગ્ય વિભાગ માત્ર દંડ ફટકારીને કેમ સંતોષ માની રહ્યું છે. PMJAY યોજનામાં હોસ્પિટલનું જોડાણ રદ થાય તેવી માગ ઊઠી છે.
-
જુનાગઢમાં કૌભાંડ, 76 દર્દીઓના મંજૂરી વગર ઓપરેશન કરી નાખ્યા
જુનાગઢમાં એક ખાનગી હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. જુનાગઢની કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ પર ગંભીર બેદરકારી અને નિયમોના ભંગનો આરોપ લાગ્યો છે, જ્યાં મંજૂરી વગરના તબીબો દ્વારા ગરીબ દર્દીઓના 76 જેટલા ઓપરેશન્સ કરાવવામાં આવ્યા હતા. આ ઘટનાએ રાજ્યના આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં કે.જી. મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં PMJAY યોજનામાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને ઓર્થોપેડિક સર્જરીમાં એક મોટું કૌભાંડ ઝડપાયું છે. તપાસ દરમિયાન ખુલાસો થયો કે એક જ દિવસમાં કાયદા અને તબીબી માપદંડો વિરુદ્ધ ત્રણથી વધુ ઘૂંટણ રિપ્લેસમેન્ટના ઓપરેશન્સ કરવામાં આવ્યા હતા. તબીબી નિયમો મુજબ, એક ઓર્થોપેડિક સર્જન એક દિવસમાં ત્રણથી વધુ ઘૂંટણ બદલવાના ઓપરેશન્સ કરી શકતો નથી, પરંતુ હોસ્પિટલે આ નિયમનો પણ ઉલાળિયો કર્યો હતો.
-
જમ્મુ-કાશ્મીર: અમરનાથ યાત્રા પહેલાં સામે આવી ‘બાબા બર્ફાની’ની તસવીર
જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા શરૂ થવા પહેલાં જ ‘બાબા બર્ફાની’ના પવિત્ર હિમશિવલિંગની પ્રથમ તસવીરો સામે આવી છે. અમરનાથ ગુફામાં અંદાજે 5થી 6 ફૂટ ઊંચાઈ ધરાવતું વિશાળ શિવલિંગ જોવા મળ્યું છે, જેના પ્રથમ દર્શન સુરક્ષા માટે તૈનાત જવાનોએ કર્યા હતા. યાત્રાના માર્ગ પર અનેક સ્થળોએ હજુ પણ 10થી 12 ફૂટ સુધી બરફના થર જોવા મળી રહ્યા છે. આવનારી 3 જુલાઈથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થવાનો છે અને બાબા બર્ફાનીના દર્શન માટે અત્યાર સુધીમાં 3.6 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. યાત્રાને લઈને પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ તેજ કરવામાં આવી છે.
-
વડોદરા: એક્સપ્રેસ હાઈવે પર અખાદ્ય સમોસાને લઈને બબાલ
વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર આવેલા ફૂડ આઉટલેટમાં અખાદ્ય સમોસાને લઈને વિવાદ સર્જાયો છે. જગદીશ ફરસાણ પ્રા. લિ.ના સમોસામાં સડેલા બટાકા નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ગ્રાહકે સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. વીડિયોમાં ગ્રાહક અને કર્મચારી વચ્ચે બોલાચાલી થતી પણ જોવા મળી રહી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે જૂનું ફૂડ ગરમ કરીને પીરસવામાં આવી રહ્યું છે. ઘટનાને પગલે હાઈવે પરના ફૂડ આઉટલેટની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
-
વડોદરા: ગોત્રી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં લિફ્ટ તૂટી
વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી દેવદીપ ખાનગી હોસ્પિટલમાં લિફ્ટ તૂટી પડવાની ગંભીર ઘટના સામે આવી છે. હોસ્પિટલના બીજા માળેથી લિફ્ટ અચાનક નીચે પટકાતાં અંદર રહેલા એક ડૉક્ટરને ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી ડૉક્ટરને બહાર કાઢી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સદનસીબે ઘટનાસમયે લિફ્ટમાં કોઈ દર્દી કે અન્ય મેડિકલ સ્ટાફ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે હોસ્પિટલમાં લિફ્ટના મેઈન્ટેનન્સ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
-
અમદાવાદઃ નિકોલમાં સેલ્સગર્લ દ્વારા કરોડની ચોરી કેસમાં નવો વળાંક
અમદાવાદના નિકોલ વિસ્તારમાં સેલ્સગર્લ દ્વારા કરોડોની સોના ચોરીના કેસમાં નવો વળાંક આવ્યો છે. કેસની આરોપી સેલ્સગર્લ હર્ષિદાએ ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. હર્ષિદાનો આરોપ છે કે તેની ધરપકડ દરમિયાન યોગ્ય નિયમોનું પાલન કરવામાં આવ્યું નહોતું તેમજ મહિલા પોલીસ વિના તેની ચેકિંગ કરવામાં આવી હતી. સાથે જ તેણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સોનુ અને 1 લાખ રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે કોર્ટે ક્રાઈમ બ્રાન્ચ અને નિકોલ પોલીસને નોટિસ ફટકારી છે. આ કેસની વધુ સુનાવણી હવે સોમવારે હાથ ધરાશે.
-
દેશમાં OBCના અલગ મંત્રાલય બનાવવાની ઉઠી માગ
દેશમાં OBC માટે અલગ મંત્રાલય બનાવવાની માંગ ઉઠી છે. OBC આગેવાન અને ભાજપ નેતા હરી ચૌધરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી આ મુદ્દે રજૂઆત કરી છે. પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે 146 OBC જ્ઞાતિઓને બજેટનો યોગ્ય હિસ્સો મળતો નથી. સાથે જ તેમણે જ્ઞાતિ આધારિત વસતી ગણતરી કરવાની પણ માંગ કરી છે. હરી ચૌધરીએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે અલગથી OBC મંત્રાલય સ્થાપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેથી 50 ટકાથી વધુ વસતી ધરાવતા આ વર્ગને પૂરતો ન્યાય મળી શકે. હાલમાં OBC વર્ગ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ આવે છે.
-
સુરતઃ ઘોડદોડ રોડ રખડતા શ્વાનનો આતંક
સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં રખડતા શ્વાનના આતંકની ઘટના સામે આવી છે. ઘંટીવાલા ગાર્ડનમાં 8 વર્ષની બાળકી પર શ્વાને અચાનક હુમલો કર્યો હતો. માહિતી મુજબ, બાળકી પાસે આઈસ્ક્રીમ જોઈને શ્વાને તેના પર હુમલો કરી દીધો હતો, જેમાં તે ઘાયલ થઈ હતી. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બાળકીનું રક્ષણ કર્યું હતું. ઇજાગ્રસ્ત બાળકી ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. રખડતા શ્વાનની વધતી સમસ્યાને લઈને સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને તંત્ર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.
-
ગાંધીનગરઃ સાંતેજમાં પ્લાસ્ટિક કંપનીમાં આગની ચપેટમાં આવેલા એક વ્યક્તિનું મોત
-
સુરતઃ ઉધનામાં ભાજપના યુવા નેતાની હત્યાનો ઉકેલાયો ભેદ
સુરતમાં ઉધના વિસ્તારમાં ભાજપના યુવા નેતાની થયેલી હત્યાના મામલાનો ભેદ ઉકેલાઈ ગયો છે. ઉધના પોલીસે મહારાષ્ટ્રના જલગાવમાંથી મુખ્ય આરોપી મિલિદ કોળીની ધરપકડ કરી છે, જ્યારે તેને ઝડપી પાડવામાં ઉધના પોલીસ અને LCBની સંયુક્ત ટીમે કામગીરી કરી હતી. આરોપીને પકડવા માટે પોલીસે બે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ કિસન પરમાર અને પંકજ પાટીલ નામના અન્ય બે આરોપીઓ હજુ પણ પોલીસની પકડથી દૂર હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની તપાસ આગળ વધી રહી છે અને વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
-
આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
-
ગીરસોમનાથઃ ઉનાના ભડિયાદર ગામે દિપડાનો આતંક
ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભડિયાદર ગામમાં દીપડાનો આતંક વધતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. છેલ્લા ત્રણ દિવસમાં એક જ યુવક પર દીપડાએ બીજી વખત હુમલો કરતા લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે. તાજી ઘટનામાં યુવક પોતાના ઘરના ફળિયામાં હતો ત્યારે દીપડાએ અચાનક હુમલો કર્યો હતો, જેમાં યુવક ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. નોંધનીય છે કે બે દિવસ પહેલા પણ આ જ યુવક અગાશી પર સૂતો હતો ત્યારે દીપડાએ હુમલો કર્યો હતો. વારંવાર થઈ રહેલા હુમલાઓને કારણે ગ્રામજનોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
-
રાજકોટઃ જસદણમાં ડીઝલ માટે ખેડૂતોની લાંબી કતાર
રાજકોટ જિલ્લાના જસદણ વિસ્તારમાં ડીઝલની અછતને કારણે ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ડીઝલ મેળવવા માટે ખેડૂતો મોડીરાત્રથી જ પેટ્રોલ પંપ પર લાંબી લાઈનમાં ઉભા રહી રહ્યા છે, છતાં 12 કલાકથી વધુ સમય પસાર થયા બાદ પણ પૂરતો ડીઝલ મળતો નથી. ડીઝલનો જથ્થો મર્યાદિત હોવાથી ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. બીજી તરફ ડીઝલ વગર ટ્રેક્ટર અને કૃષિ સાધનો બંધ પડી જતા વાવણીની કામગીરી પર પણ ગંભીર અસર પડી રહી છે, જેના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે.
-
મહીસાગરઃ 123 કરોડના ‘નલ સે જળ’ કૌભાંડમાં વધુ 2ની ધરપકડ
મહીસાગરમાં 123 કરોડના ‘નલ સે જળ’ કૌભાંડ મામલે CID ક્રાઇમ બ્રાન્ચે વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં વાળીનાથ ગામના કોન્ટ્રાકટર કમ સરપંચ તેમજ સિગ્નલી ગામના સરપંચના પતિ બાબુસિંહ રાઠોડનો સમાવેશ થાય છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે સરપંચ પતિએ પાણી સમિતિના ખાતામાંથી 35.85 લાખ રૂપિયાની રકમ ઉપાડી હતી, જ્યારે કોન્ટ્રાકટર કમ સરપંચ પાસે હજુ 1.11 કરોડ રૂપિયાની વસૂલાત બાકી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં આ કૌભાંડમાં કુલ 31 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં આરોપી સરપંચ ભાજપનો સભ્ય હોવાનો પણ ખુલાસો થયો છે. પાણી સમિતિ બનાવી ગેરરીતિ આચરનારા અન્ય સરપંચોમાં પણ હવે ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
બનાસકાંઠાઃ અમીરગઢના આવલ ગામમાં ઘૂસ્યું રીંછ
-
વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાં 97 ભારતના
-
હરિયાણા: ટ્રાન્સફોર્મરમાં આગ લાગવાથી વીજ પુરવઠો ખોરવાયો
હરિયાણાના સેક્ટર 72 ખાતે આવેલા 220KW પાવર સબસ્ટેશનના ટ્રાન્સફોર્મરમાં આગ લાગતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. આગની અસરથી રેપિડ મેટ્રો સેવા પણ અચાનક બંધ થઈ જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક મુસાફરો ટ્રેક પરથી ચાલીને સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા. સેક્ટર 38થી 57 સુધીના વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો, જ્યારે ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.
-
મુખ્યમંત્રી ફડણવીસ ટ્રેન દ્વારા શિરડી જશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવવાની અપીલને પગલે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વંદે ભારત ટ્રેન દ્વારા શિરડી જશે.
-
CNGના ભાવમાં પણ થયો વધારો
પેટ્રોલ-ડીઝલ બાદ હવે CNGના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિ કિલો CNGના ભાવમાં એક રૂપિયાનો વધારો થતાં નવો ભાવ 81 રૂપિયાને પાર પહોંચી ગયો છે. વધતા ઇંધણના ભાવનો સીધો અસર સામાન્ય જનતા પર પડશે. ખાસ કરીને ટેક્સી અને ઓટો-રીક્ષા ચાલકો માટે ખર્ચ વધતા ભાડામાં વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જેના કારણે રોજિંદા મુસાફરી કરતા લોકોના ખિસ્સા પર વધુ ભાર પડશે.
-
પેટ્રોલ-ડીઝલમાં ઝીંકાયો ભાવ વધારો
કેન્દ્ર સરકારે રાતા રાત પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો કર્યો છે. પેટ્રોલમાં પ્રતિ લીટરે ૮૭ પૈસા અને ડીઝલમાં પ્રતિ લીટરે ૯૧ પૈસા વધારો ઝીંકવામાં આવ્યો છે. એટલે કે હવે પેટ્રોલ-ડીઝલ પહેલા કરતા એક રૂપિયા સુધી મોંઘુ થયું છે.. એક તરફ ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો સર્જાયો છે, તો બીજી તરફ કંપનીઓ પર પડી રહેલા આર્થિક બોઝનું ભારણ ઘટાડવા સરકારે આ નિર્ણય લીધો છે. આપને જણાવી દઇએ કે માત્ર 10 દિવસના ટૂંકાગાળામાં કેન્દ્રએ આ ત્રીજીવાર સામાન્ય જનતાને મોંઘવારીનો ડોઝ આપ્યો છે.. જેના કારણે આમ જનતાના ખિસ્સા પર અસર થવાની છે.. ત્યારે સતત વધતા ભાવે સામાન્ય જનતાની ચિંતા વધારી દીધી છે.
-
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનો ભારત પ્રવાસ આજથી શરૂ
અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો આજથી 4 દિવસની મુલાકાતે ભારત આવશે. જેનો ઉદ્દેશ્ય ગયા વર્ષના મધ્યભાગથી તણાવપૂર્ણ બનેલા દ્વિપક્ષીય સંબંધોને સુધારવાનો છે. તેમની મુલાકાત દરમિયાન, રુબિયો વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વ્યાપક વાટાઘાટો કરશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. રુબિયો દિલ્હીમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં પણ હાજરી આપશે.
Published On - May 23,2026 7:29 AM
