14 જુલાઈના મહત્વના સમાચાર : ગોધાવી તથા નિધરાડની 116 હેકટર, ઘુમા પછીના વિસ્તારની 80 હેકટર જમીનના ઝોન ફેરને ઔડાની મંજૂરી, રોડ પહોળા થતા ટ્રાફિકનું ભારણ ઘટશેનો દાવો
આજે 14 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 14 જુલાઈને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગોધાવી તથા નિધરાડની 116 હેકટર, ઘુમા પછીના વિસ્તારની 80 હેકટર જમીનના ઝોન ફેરને ઔડાની મંજૂરી, રોડ પહોળા થતા ટ્રાફિકનું ભારણ ઘટશેનો દાવો
ઔડાની આજે મળેલ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવાયા છે. જે પૈકી, ગોધાવી તથા નિધરાડની 116 હેકટર, ઘુમા પછીના વિસ્તારની 80 હેકટર જમીનને એગ્રીકલ્ચર ઝોનમાંથી અન્ય ઝોનમાં ફેરવવામાં આવ્યા છે. આના માટે બોર્ડે એવુ જણાવ્યું છે કે, એગ્રીકલ્ચર ઝોનની જમીન હોવાથી ડી.પી. રોડનું અમલીકરણ થઈ શકતું નથી. પરંતુ જાણકારોનું કહેવું છે કે બિલ્ડરોના લાભાર્થે આ ઝોન ફેર કરવામાં આવ્યો છે. આ વિસ્તારની જમીનના ભાવ હવે આસમાને પહોચશે. અને ઝોનફેર કરાયેલ જમીન ઉપર ગંગનચુંબી ઈમારતો જોવા મળશે.
એસ. જી. હાઇવેના કણાર્વતી કલબથી સાણંદ-વિરમગામ હાઈવેને જોડતો મોજે ગોધાવી, કાણેટી, નિધરાડ, વિગેરેમાંથી પસાર થતો 45 મી. પહોળાઈનો અંદાજિત 15 કી.મી. લંબાઈનો રસ્તાનો મોજે ગોધાવી તથા નિધરાડમાંથી પસાર થતો અંદાજિત 550 મી. લંબાઈનો ભાગ એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત છે. આ કારણસર સદર રસ્તાના તે ભાગ પૂરતું અમલીકરણ શકય થતું નથી તેમજ કનેક્ટિવિટી જળવાતી નથી.
આ જ રીતે મોજે. ઘુમા થી લઈને મોજે. મણીપુર, પલોડીયા, શીલજ, રાચરડા, વિગેરે ગામોને જોડતો 45 મી.નો સુચિત અગત્યનો ડી.પી. રસ્તો છે. રેલવે દ્વારા સદરહુ સસ્તા ઉપર 4-લેન બ્રીજ બનાવવામાં આવેલ છે. મોજે. ઘુમા પછીનો વિસ્તાર એગ્રીકલ્ચર ઝોનમાં સ્થિત હોઈ, 45 મી. સુચિત ડી.પી. રોડનું અમલીકરણ થઈ શકતું નથી તેમજ સદર રસ્તાની કનેક્ટિવિટી જળવાતી નથી.
આ બંને રસ્તાઓનું અમલીકરણ ટી. પી. સ્કીમ મારફતે થઇ શકે તે હેતુથી મોજે ગોધાવી તથા નિધરાડના રસ્તાની આજુબાજુની અંદાજિત 116 હેક્ટર જમીનોને અને મોજે. ઘુમા પછીના વિસ્તારની અંદાજીત 80 હેકટર જમીનોને ઝોન-ફેર કરવા આજરોજ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે. સરકાર દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બંને રસ્તાઓની કામગીરી હાથ પર લેવામાં આવશે. આ પગલાંથી એસ. જી. હાઇવે થી સાણંદ સુધી તથા મોજે. ઘુમા થી રાંચરડા સુધીની નવી કનેક્ટિવિટી બનશે તથા આ બંને માર્ગ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે અને નાગરિકોની સુવિધામાં વધારો થશે.
-
ગુજરાતમાં ભાજપ નહીં ભ્રષ્ટાચારની સરકાર, વગર ટેન્ડરે 35 કરોડ ચૂકવાયા, સરકાર ચોખ્ખી હોય તો તપાસ કરાવવા કોંગ્રેસનો પડકાર
ગુજારાતમાં ભાજપની નહીં પણ ભ્રષ્ટાચારની સરકાર ચાલી રહી હોવાનો આક્ષેપ અમિત ચાવડાએ કર્યો છે. તેમણે કહ્યું કે, GIDC ના ઓડિટ રિપોર્ટમાં ભ્રષ્ટાચાર છતો થયો છે. GIDC માં 35 કરોડ વિના ટેન્ડરથી ચૂકવણું કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જાણે ભ્રષ્ટાચારનો કોન્ટ્રાક્ટ ચાલતો હોય તેવો ઘાટ છે. ચોક્ક્સ કંપનીને લાભ આપવાનું ષડયંત્ર કરવામાં આવે છે. દહેજ અને વાપી GIDCમાં ગેરરીતિ આચરી 6.50 કરોડ બારોબાર ચૂકવી દેવાયા છે. GIDC માં ખાનગી માનીતી એજન્સીઓને સીધો ફાયદો કરાવવામાં આવે છે. કેટલાક અધિકારીઓની સિંડીકેટથી એજન્સીઓ સાથે લેતીદેતી થાય છે. રમેશ ભગોરાને લાયકાત નથી છતાંય GIDCમાં ચીફ ઇજનેર આ સરકારે બનાવ્યા છે. રમેશ ભગોરા એ એક્સ્ટ્રા એક્સેસના બોલીના 150 કરોડ ચૂકવાઈ ગયા હોવાનો આક્ષેપ કર્યો છે. જો સરકાર ચોખ્ખી અને દૂધે ધોયેલી હોય તો તપાસ માટે કમિટી બનાવે અને તપાસ કરાવે.
-
-
બગોદરા-ફેદરા થઈને ધંધૂકા-પાળીયાદ તરફ નહીં જઈ શકે ભારે વાહનો, વૈકલ્પિક માર્ગની કરાઈ જાહેરાત
સરદાર સરોવર નર્મદા નિગમની વલ્લભીપુર બ્રાંચ નર્મદા કેનાલ ઉપરનો પુલ જર્જરિત થયો હોવાથી, નવો બ્રિજ ના બને ત્યાં સુધી ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. આના કારણે અમદાવાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટે જાહેરનામુ બહાર પાડીને આગામી 11 ઓક્ટોબર 2025 સુધી વૈકલ્પિક માર્ગ જાહેર કર્યો છે. જે મુજબ બગોદરા ફેદરાથી ધંધુકા તરફ આવવા માંગતા ભારે વાહનોએ ફેદરાથી પીપળી થઈ ધોલેરા થઈ ધંધુકા તરફ આવી શકશે. લીંબડી તરફથી આવતા અને ધંધુકા થઈ ફેદરા પીપળી તરફ જવા માંગતા ભારે વાહનોએ લીંબડી ત્રણ રસ્તા થઈ રાણપુર સર્કલ થઈ ધોલેરા ત્રણ રસ્તા થઈ ધોલેરા થઈ પીપળીથી ફેદરા-અમદાવાદ જઈ શકશે.
પાળીયાદ રાણપુરથી ધંધુકા થઈ બગોદરા, અમદાવાદ, પીપળી વટામણ તરફ જવા માંગતા વાહનો, ધંધુકા રાણપુર સર્કલથી ધોલેરા ત્રણ રસ્તા થઈ પીપળી થઈ અમદાવાદ તથા વટામણ તરફ જઈ શકશે તેમજ પાળીયાદ રાણપુર તરફથી લીંબડી થઈ અમદાવાદ વટામણ તરફ જઈ શકશે.
વલ્લભીપુર બરવાળા તરફથી આવતા અને ધંધુકા થઈ બગોદરા અમદાવાદ, પીપળી વટામણ તરફ જવા માંગતા વાહનો, ધંધુકા ધોલેરા ત્રણ રસ્તા થઈને ધોલેરા થઈને પીપળી થઈને અમદાવાદ-વટામણ તરફ જઈ શકશે.
-
અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની ધરતી પર પાછા આવવાની યાત્રા શરૂ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ અવકાશથી પૃથ્વી પર પાછા આવવા માટેની યાત્રા શરૂ કરી છે. જે દેશના અવકાશ કાર્યક્રમ માટે એક મહત્વપૂર્ણ તબક્કો છે. રાકેશ શર્મા પછી અવકાશમાં મુસાફરી કરનાર શુભાંશુ શુક્લા બીજા ભારતીય છે. એક્સિઓમ-૪ મિશનના ભાગ રૂપે શુક્લા અને ત્રણ અન્ય અવકાશયાત્રીઓને લઈને સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનને આજે સોમવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ના હાર્મની મોડ્યુલમાંથી સફળતાપૂર્વક અનડોક કરવામાં આવ્યું છે. મંગળવારે અમેરિકાના કેલિફોર્નિયા ખાતે શુભાંશુ શુક્લા પરત ફરશે.
-
ભાવનગરના પાલિતાણા તાલુકાના જામવાળી ગામે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ, 7 ઘાયલ, 2 ગંભીર
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના જામવાળી ગામે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ છે. એક જ કોમના બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થવા પામી છે. મારામારીમાં સાત થી વધુ લોકોને ઇજાઓ પહોંચી છે. ધોકા પાઇપ વડે લોહિયાળ મારા મારી સર્જાઈ હતી. ફોન માં મેસેજ કરવા જેવી બાબતે એક જ કોમ બે જૂથ સામસામે આવી ગયા હતા. છ થી સાત ઇજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે બે લોકોની હાલત ગંભીર હોવાથી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ પાલીતાણા ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
-
-
રાજીનામું આપવાના ન હોય, માત્ર વટ માટે જ વિધાનસભા જવાનું હોય, કાંતિ અમૃતિયાનો ઓડિયો વાયરલ !
મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની એક ઓડિયો કલીપ વાયરલ થઈ છે. કાંતિભાઈ વટ માટે જ વિધાનસભા જતા હોવાનો ઓડિયો વાયરલ થયો છે. આ વાયરલ થયેલ વીડિયો ક્લિપમાં એવુ કહેવામાં આવ્યું હોવાનો દાવો કરાઈ રહ્યો છે કે, રાજીનામું આપવાના ન હોય, માત્ર વટ માટે જ જતા હોય તેવો ઓડિયો વાયરલ થયો છે. ટીવી9 આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતુ નથી.
-
અમૂલે પશુપાલકો ઉપર નહીં, દૂઘનો વપરાશ કરતા ગ્રાહકો ઉપર ભાવ વધારો કર્યોઃ ચેરમેન કિરીટ પટેલ
અમુલના હાલના સત્તાધીશોએ ચૂંટણી પૂર્વે તેમના શાસનકાળનો હિસાબ કિતાબ રજૂ કર્યો હતો. અમૂલના વર્તમાન સત્તાધીશોએ, દૂધનો ઉપયોગ કરતા ગ્રાહકોના માથે અઢી વર્ષમાં 4 વાર ભાવ વધારો માર્યો છે. જ્યારે પશુપાલકોને અઢી વર્ષમાં રૂપિયા 35નો ફાયદો કરી આપ્યો હોવાનું જણાવ્યું હતું.
-
નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય-પદ્ધતિને સરકારે આપી મંજૂરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે, નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવાની કાર્ય-પદ્ધતિને મંજૂરી આપી. સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી હસ્તકની વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવાના નિયમોને આખરી ઓપ અપાયો. આના કારણે રાજ્યના 8 જિલ્લાના 26 તાલુકાની 127 નર્મદા વસાહતોને માળખાગત સુવિધાઓનો લાભ મળશે. વસાહતોમાં પીવાના પાણી-રોડ રસ્તા-સ્ટ્રીટ લાઈટ-વીજળી બીલ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા તથા વસાહતોની જાહેર સુવિધાઓની મરામત અને નિભાવણી સંબંધીત ગ્રામ પંચાયતો કરશે.
-
અમદાવાદમાં 11 ટ્યુશનિયા શિક્ષકોને કરાયા ઘર ભેગા
અમદાવાદ ગ્રામ્ય DEO એ, રજૂઆતોના આધારે કાર્યવાહી હાથ ધરતા અમદાવાદમાં 11 ટ્યુશનિયા શિક્ષકોને ઘર ભેગા કર્યાં છે. શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને ટ્યુશન કરતા શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અમદાવાદ ગ્રામ્યની ખાનગી શાળામાં ફરજ બજાવતા 11 શિક્ષકોને ઘર ભેગા કરવામાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય ડીઓએ જે શાળાના શિક્ષકો ફરિયાદ આવી હતી ત્યાં ટીમ મોકલીને કાર્યવાહી કરી હતી. સુપર સ્કૂલ, સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ, કે આર રાવલ હાઇસ્કુલ, એસ એસ ડિવાઇન હાઇસ્કુલ, તિરુપતિ સ્કૂલ, અંબિકા સ્કૂલ, મંગલદીપ સ્કૂલના શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયમ મુજબ શાળામાં ફરજ બજાવતા કોઈપણ શિક્ષક ટ્યુશન ના કરી શકે. ફરિયાદો બાદ DEO શાળાઓને અનુલક્ષીને પરિપત્ર કરાયો હતો.
-
સવારના 6થી બપોરના 2 વાગ્યા સુધીમાં 65 તાલુકામાં વરસાદ, સૌથી વઘુ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2 ઈંચ
સુરતના બારડોલીમાં દોઢ, તાપીના વ્યારામાં સવા ઈંચ, વલસાડના પારડીમાં એક ઈંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીમાં પણ એક ઈંચ વરસાદ નોંધાયો છે.
-
આગામી 48 કલાક ગુજરાત માટે ભારે
આગામી 48 કલાક ગુજરાત માટે ભારે છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 2 દિવસ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 3 સિસ્ટમને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ વરસશે.
-
અસીમ ઘોષ હરિયાણાના નવા રાજ્યપાલ, કવિંદર ગુપ્તાને લદ્દાખની જવાબદારી સોંપાઇ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સોમવારે બે રાજ્યોના રાજ્યપાલ અને એક કેન્દ્રશાસિત પ્રદેશના ઉપરાજ્યપાલોની નિમણૂક કરી છે. અસીમ કુમાર ઘોષને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુને ગોવાના રાજ્યપાલનું પદ સોંપવામાં આવ્યું છે. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરના ભાજપ નેતા કવિંદર ગુપ્તાને લદ્દાખના ઉપરાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
-
રાજકોટ: ફી વધારા મુદ્દે NSUIનું વિરોધ પ્રદર્શન
રાજકોટ: ફી વધારા મુદ્દે NSUIએ વિરોધ પ્રદર્શન કર્યુ. રેલનગરમાં આવેલી કર્ણાવતી સ્કૂલમાં NSUIએ દેખાવો કર્યા. પોસ્ટરો સાથે શાળામાં કાર્યકર્તાઓએ ઉગ્ર રજૂઆત કરી. શાળા સંચાલકો પર NSUIએ ગંભીર આક્ષેપ લગાવ્યા છે. નિયમો નેવે મુકી વધારે ફી વસૂલાતી હોવાના આક્ષેપ છે.
-
દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજની સમાંતર મહી નદી ઉપર બનશે નવો બ્રિજ
વડોદરાઃ મહીસાગર નદી પર નવો બ્રિજ બનશે. દુર્ઘટનાગ્રસ્ત ગંભીરા બ્રિજની સમાંતર મહી નદી ઉપર નવો બ્રિજ બનશે. CM ભૂપેન્દ્ર પટેલે 212 કરોડના ખર્ચે નવો બ્રિજ બનાવવાની મંજૂરી આપી. 18 માસમાં નવો બ્રિજ તૈયાર કરવા ટેન્ડરિંગ પ્રક્રિયાનો પ્રારંભ કરવા આદેશ અપાયો. પાદરા અને આંકલાવને નવો બ્રિજ જોડશે.
-
ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઑવરફ્લો
ભાવનગરનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ ઑવરફ્લો થયો છે. ચાલુ સિઝનમાં ત્રીજી વાર ડેમ ઑવરફ્લો થયો. ડેમના 20 દરવાજા એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા. નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરાયા. શેત્રુંજી ડેમમાં હાલ 1800 ક્યુસેક પાણીની આવક શરૂ છે.
-
સાબરકાંઠા : પોલીસ દ્વારા 50 કરતાં વધુ લોકોની અટકાયત કરાઈ
પોલીસ દ્વારા 50 કરતાં વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. 50 ઉપરાંત ગેસ છોડી સ્થિતિ કંટ્રોલ કરવાનો પ્રયાસ હાથ ધરાયો. સાબર ડેરી આસપાસ હજુ પોલીસનું કોમ્બિંગ યથાવત છે.
-
સાબરકાંઠા: સાબરડેરીના ભાવફેર સામે પશુપાલકોનો વિરોધ
સાબરકાંઠા: સાબરડેરીના ભાવફેર સામે પશુપાલકોનો વિરોધ જોવા મળી રહ્યો છે. સાબર ડેરીમાં પ્રવેશ ન અપાતા પશુપાલકો આક્રમક બન્યા. પશુપાલકોએ સાબર ડેરીના ગેટને નુકસાન પહોંચાડ્યું, કેટલાક શખ્સોએ પથ્થરમારો કરતા એક વ્યક્તિને ઈજા પહોંચી છે. કેટલાક શખ્સોએ પથ્થરમારો કરતા પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા. ટોળાને ઉશ્કેરતા શખ્શો પર પોલીસે લાઠીચાર્જ કર્યો. રજૂઆત કરવા આવેલા પશુપાલકોને ગેટ પર જ અટકાવાયા. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી.
-
મહેસાણા : વડનગર બનશે સ્લમ ફ્રી સિટી
મહેસાણાનું વડનગર બનશે સ્લમ ફ્રી સિટી. ગુજરાતમાં સૌ પ્રથમવાર સ્લમ ફ્રી સિટી બનશે. ઐતિહાસિક નગર વડનગરને વૈશ્વિક સ્તરે લઈ જવા પ્રયાસ કરવામાં આવશે. સ્લમમાં રહેનાર પરિવારોને આવાસ ફાળવાશે. ચોમાસા બાદ કામગીરી શરૂ કરાશે. 300 જેટલા પરિવારોની યાદી પાલિકાને અપાઈ. 15 વિસ્તારમાં 7 કરોડની જમીન ખુલ્લી કરાશે. 300 દબાણ દૂર કરી બગીચા, પ્લે ગ્રાઉન્ડ , પાથરણા બજાર જેવી સુવિધાઓ બનશે. ઝૂંપડપટ્ટી દૂર કરી તેવા પરિવારોને પાકા મકાન મળશે.
-
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ જાગ્યુ તંત્ર
વડોદરાઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યુ છે. માર્ગ મકાન વિભાગ સફાળું જાગી કામે લાગ્યું. ઉમેટા પાસેથી પસાર થતી મહી નદી પરના બ્રિજને લઈને ફરમાન જાહેર કર્યુ. બ્રિજ પર બંને તરફ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો. નદી પરના પુલના બન્ને છેડે હાઈટ રિસ્ટ્રીક્ટર લગાવાયા. રાતોરાત હાઈટ રિસ્ટ્રીક્ટર ઈન્સ્ટોલ કરી દેવામાં આવ્યા.
-
વડોદરામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મોત
વડોદરામાં ચાંદીપુરાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વધુ એક બાળકીનું મોત થયુ છે. વાયરલ એન્ફેલાઇટીસના કારણે બે દિવસમાં બે બાળકીના મોત થયા. સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી કુલ 12 બાળકોના મોત થયા છે. 19 પૈકી એક પણ બાળકનો ચાંદીપુરાનો રિપોર્ટ પોઝિટિવ નોંધાયો નથી.
-
રાજસ્થાનમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ
રાજસ્થાનમાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. બૂંદી શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પૂરના દ્રશ્યો જોવા મળ્યા. રસ્તા પર નદીની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. પાણીના પ્રવાહમાં રમકડાંની જેમ ટુવ્હીલર તણાયા હતા. ભારે વરસાદના કારણે પરિવહન સેવા ખોરવાઈ હતી. પાણીનો પ્રવાહ એટલે જોરદાર હતો કે વાહનો તણાઈ રહ્યા હતા. રસ્તો પાણીમાં ડૂબ્યો હોવાથી ચાલવુ પણ મુશ્કેલ બન્યું છે.
-
કાનપુરના ચૌબેપુરમાં મોડી રાત્રે તસ્કરોનો તરખાટ
કાનપુરના ચૌબેપુરમાં મોડી રાત્રે તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે. કન્હૈયા જ્વેલર્સમાં રાખેલા તમામ દાગીનાની ચોરી થઇ છે. જ્વેલર્સમાં ચોરીની ઘટનાના CCTV સામે આવ્યા છે. અત્યાર સુધી થયેલી ચોરીના ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહી છે. ચોરીની ઘટનાઓ વધતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે.
-
આંધ્ર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત
આંધ્ર પ્રદેશમાં ગમખ્વાર અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. અન્નમય્યા જિલ્લામાં અચાનક ટ્રક પલટી જતા અકસ્માત થયો. ટ્રકચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો. ટ્રકમાં કેરીના બોક્સ સાથે 22 શ્રમિક સવાર હતા. રેલવેકોડુરુ તરફ જતી ટ્રકને અકસ્માત નડ્યો. 7 લોકોના કમકમાટીભર્યા મોત, અનેક લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખસેડાયા છે.
-
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની વાપસીનું કાઉન્ટડાઉન શરૂ
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાની વાપસીનું કાઉન્ટડાઉન શરૂ થયુ છે. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર શુભાંશુની ઐતિહાસિક યાત્રા પૂરી થઇ છે. ISSમાં શુભાંશુ અને તેના સાથીઓનો વિદાય સમારોહ યોજાયો. સ્પેસ સ્ટેશનમાંથી શુભાંશુએ દેશવાસીઓને સંદેશ આપ્યો. શુભાંશુએ ફરી પ્રથમ અંતરિક્ષયાત્રી રાકેશ શર્માને યાદ કર્યા.
Published On - Jul 14,2025 7:26 AM