12 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગુજરાતના ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ. 300 માંથી વધારીને હવે રૂ.450 કરાયું
આજે 12 જાન્યુઆરીના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 12 જાન્યુઆરીના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ગુજરાતના ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ. 300 માંથી વધારીને હવે રૂ.450 કરાયું
ગુજરાતના TRB જવાનો માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે TRB જવાનોના દૈનિક વેતન ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ, સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરીને ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું હોવાની જાહેરાત કરી છે.
રાજ્યના TRB જવાનો માટે એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય
મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના દિશાનિર્દેશ હેઠળ ટ્રાફિક બ્રિગેડ જવાનોનું દૈનિક માનદ વેતન રૂ.300 માંથી વધારીને હવે રૂ.450 કરવામાં આવ્યું છે, જે આજથી અમલી બનશે.
આ નિર્ણયથી 10,000થી વધુ TRB પરિવારોને સીધો લાભ મળશે.
— Harsh Sanghavi (@sanghaviharsh) January 12, 2026
-
ભાગેડુ નીરવ મોદીની સચિન SEZમાં આવેલી કંપનીમાં આગ લાગી હતી કે લગાવી હતી, ED એ નોંધાવી પોલીસ ફરિયાદ, FSL કરશે તપાસ
ભાગેડુ નીરવ મોદી ની, સચિન SEZમાં આવેલી કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો છે. ED દ્વારા સચિન GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. GIDC પોલીસે જાણવાજોગ ગુનો દાખલ કરી તપાસ શરુ કરી છે. ફાયર સ્ટાર કંપનીના દસ્તાવેજ વિભાગમાં ભેદી રીતે આગ લાગી હતી. ED દ્વારા ભાગેડુ નીરવ મોદીની કંપનીને ટાંચમાં લઇ તપાસ કરી રહી હતી. આગ લગાવી હતી કે લાગી હતી તે દિશામાં તપાસ કરવા માટે FSLની મદદ લેવામાં આવી છે.
-
-
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ 17મી જાન્યુઆરી સુધી માણી શકાશે
પતંગ મહોત્સવને બહોળો પ્રતિસાદ મળતા કાર્યક્રમનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે. હવે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026’ તા. 17મી જાન્યુઆરી સુધી માણી શકાશે. પહેલા 14 જાન્યુઆરી સુધીનો હતો આતંરરાષ્ટ્રીય પતંગોત્સવ. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2026માં 50 દેશોના 135 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, અને ગુજરાત સહિત ભારતના 14 રાજ્યોમાંથી 871 પતંગબાજો એમ કુલ મળીને 1,071 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે. આ વખતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ હેરિટેજ થીમ છે. યુનેસ્કો દ્વારા અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટી જાહેર કરાયું છે. પતંગ મહોત્સવમાં સૌ પ્રથમ વખત અમદાવાદની હેરિટેજની થીમ પર અમદાવાદ હેરિટેજ તથા કાઇટ મ્યુઝિયમ એક્સપીરિયન્સલ ઝોનનું નિર્માણ કરવામાં આવ્યું છે.
-
સુરતમાંથી ઝડપાઈ હાઈટેક ચોરોની ગેંગ, ગૂગલ ઉપર સર્ચ કરીને કરતા હતા ચોરી
ગૂગલ પર મની એક્સચેન્જ દુકાનો સર્ચ કરીને ઘરફોડ ચોરી કરનાર આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ચાર મુખ્ય આરોપીઓને ઝડપ્યા છે. પોલીસની તપાસમાં 7 ઘરફોડ ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. શહેરમાં ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા માટે ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. માત્ર મની એક્સચેન્જ ઓફિસ કે પછી દુકાનોને ગૂગલ પર સર્ચ કરી ટાર્ગેટ કરતા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન નંગ-3 મળી મુદ્દામાલ જપ્ત કરાયો છે. મોબાઈલ સ્નેચિંગ સ્કોડે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડ્યા છે. આરોપીઓ અલથાણ સ્થિત “રૂમ્સ હોટલ”માં રોકાયેલા હોવાની માહિતી મળી હતી. જેના આધારે રેડ કરી ચારેયને ઝડપી પાડવામાં આવ્યા.
-
બગદાણાના યુવાન નવનીત બાલધીયાને માર મારનારા આરોપીઓ જેલમાં ધકેલાયા
બગદાણાના યુવાન નવનીત બાલધીયાને માર મારનારા આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. એસઆઇટીની ટીમ દ્વારા સમગ્ર કેસની તપાસ ચલાવવામાં આવી રહી છે. મહુવા કોર્ટ દ્વારા તમામ આઠ આરોપીઓના આપેલા 3 દિવસના રિમાન્ડ પુરા થતા, તમામ આરોપીઓને જેલમાં મોકલી આપ્યા છે. એસઆઇટીની ટિમ એ રિમાન્ડ પુરા થતા તમામ આરોપીઓને કોર્ટ માં રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા તમામ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
-
-
ધાબા પર પતંગ ચગાવતા ધ્યાન રાખજો, વાંદરો બચકુ ભરીને ભાગી જાય છે
અમદાવાદ શહેરમાં વાંદરાઓનો ત્રાસ બહુ વધી ગયો છે. અમદાવાદના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં વાનરના આતંકની ઘટના સામે આવી છે. છેલ્લા બે અઠવાડિયામાં પાંચ લોકો પર વાનરોએ હુમલો કર્યો છે. ધાબા પર પતંગ ઉડાવી રહેલ નાની બાળકીના ખભાના પાછળના ભાગે બચકું ભરીને વાંદરો ભાગી ગયો. ઘરની બહાર બેઠેલા એક આધેડના પગ ઉપર કપિરાજે બચકું ભર્યું હતું. વાનર લોકો પર હુમલો કર્યા બાદ ભાગી જતો હોવાની લોકોએ વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફરિયાદ કરી છે.
-
વડોદરાથી રાજકોટ પહોંચી ભારતીય વન ડે ક્રિકેટ ટીમ
ભારતીય ક્રિકેટ ટીમ વડોદરાથી રાજકોટ પહોંચી છે. આગામી 14 જાન્યુઆરીએ રાજકોટમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે વન ડે સિરીઝની બીજી મેચ રમાશે. વિરાટ કોહલી, રોહિત શર્મા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, શુભમન ગિલ, ધ્રુવ જુરેલ, શ્રેયસ અય્યર, કે એલ રાહુલ, હર્ષિત રાણા, યશસ્વી જયસ્વાલ સહિતના ખિલાડીઓ રાજકોટ આવી પહોચ્યાં છે. ભારતીય ટીમનો સ્ટે રાજકોટની સયાજી હોટલમાં રાખવામાં આવ્યો છે, જ્યારે ન્યુઝીલેન્ડ ટીમને ફોર્ચ્યુન હોટલમાં ઉતારો આપવાાં આવ્યો છે. વડોદરામાં ગઈકાલ 11મીએ રમાયેલ પહેલી વન ડે મેચ ભારત જીતી ચૂક્યું છે, ત્યારે રાજકોટમાં બીજી વન ડે જીતી ભારત સિરીઝ પર કબજો કરવાના ઈરાદે મેદાનમાં ઉતરશે.
-
સુરત જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા વાહને બાઈકને ઉડાડતા એકનુ મોત, બીજો ગંભીર
સુરત જિલ્લામાં વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે. અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ પાસે અજાણ્યા વાહને બાઈકને ઉડાડીને ફરાર થઈ ગઈ છે. બાઇક લઈ સવાર બન્ને યુવાનો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજાઓને કારણે બે પૈકી એકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અન્યને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરાઈ છે. માંડવી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ભાગી ગયો હતો.
-
કચ્છના મુન્દ્રામાં પત્નીની હત્યા કરી ફરાર થઈ ગયો પતિ
કચ્છના મુન્દ્રાના ભદ્રેશ્વર વિસ્તારમાં પતિએ પત્ની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. 48 વર્ષીય મહિલા હવાબાઈ અભૂ ગોધાની તેના પતિ અભૂ આમદએ ઘાતક હુમલો કરી હત્યા કરી નાખી હતી. હત્યા નીપજવ્યા બાદ આરોપી પતિ ફરાર થયો હતો. હત્યાની જાણ થતા મુન્દ્રા મરિન પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. હત્યાને લઈ ભદ્રેશ્વરમાં શોક અને ભયનો માહોલ છવાયો છે.
-
અમદાવાદના નરોડામાં પોલીસ પર પથ્થરમારો, વાહનોને થયુ નુકસાન
અમદાવાદના નરોડા વિસ્તારમાં કુખ્યાત આરોપીએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. નરોડા વિસ્તારમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર પથ્થરમારો કરાયો હતો. જીગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. પ્રોહિબિશન સાથે જોડાયેલા અનિલ ઉર્ફે કાલીને પકડવા પોલીસ પહોંચી હતી. નરોડા પોલીસે બંને કુખ્યાત આરોપી વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે. પથ્થરમારામાં સ્થાનિક વાહનોને નુકશાન થયું છે. પોલીસે આરોપીને સાથે રાખી સ્થળ પર પંચનામું કર્યું છે. બંને આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે.
-
રાજપીપળાના ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમમાંથી મળેલ પ્રાણીના ચામડા અને નખ નકલી હોવાનું વન વિભાગના અધિકારીનું તારણ, જો કે FSL રિપોર્ટમાં સાચુ સામે આવશે
રાજપીપળા નજીક ધર્મેશ્વર મહાદેવ મંદિરના પૂજારીના રૂમના ઉપલા માળ પરથી વન્ય પ્રાણીના ચામડા અને નખ મળી આવ્યા હતા.ત્યારે આ ચામડા અને નખ વાઘના હોવાનું ચર્ચાઈ રહ્યું છે તો બીજી આ ચામડા અને નખ પ્રાથમિક દૃષ્ટિએ નકલી હોવાનો દાવો નર્મદા વન વિભાગના ડીએફઓ અભય સિંહે કર્યો હતો.
-
સુરત ઓલપાડના નાયબ મામલતદાર હિનીષા પટેલે ગળાફાંસો ખાઈ કર્યો આપઘાત
સુરત ઓલપાડના 36 વર્ષીય નાયબ મામલતદાર હિનીષા પટેલનો આપઘાત મામલો. સવારે 10 વાગ્યે આસપાસ પોતાના ઘરે આપધાત કર્યો. સુરતના રાંદેર સ્થિત ધરે ગળે ફાસો ખાઈ કર્યો આપઘાત. મામલતદાર વિરુદ્ધ અગાઉ અપ્રમાણસર મિલકતની થઈ હતી ACB માં ફરિયાદ. આ ફરિયાદમાં તપાસ કરતા ફરિયાદ ખોટી સાબિત થઈ હતી. પતિ પત્ની વચ્ચે અણબનાવ હોવાની કોઈ વાત હજુ સુધી સામે આવી નથી.
-
બગદાણાના નવનીત બાલધિયા પર હુમલાના પડઘા અમદાવાદના વિરમગામમાં પડ્યા
બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના પડઘા અમદાવાદ જિલ્લાના વિરમગામમાં પડ્યા છે. વિરમગામમા સમસ્ત કોળી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ. મહુવા તાલુકાના બગદાણા ગામની ચકચારી ઘટનાને લઈને નળકાંઠા કોળી યુવા સંગઠન અને તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા, આરોપી તરીકે જયરાજ આહિરનું નામ ઉમેરવા ઉગ્ર માંગ કરાઇ છે. બગદાણા ગામમાં નવનીત બાલદીયા પર હુમલામાં ગંભીર ગુનામા મુખ્ય સૂત્રધાર જયરાજ આહિર મુખ્ય આરોપી તરીકે FIR મા નામ ઉમેરો કરવા માંગ કરાઇ. બગદાણા હુમલા ની સમગ્ર ઘટના ની સંપૂર્ણ તપાસ ગુજરાત પોલીસ વિભાગના નિષ્ઠાવાન ઈમાનદાર આઈપીએસ નીલિપ્તરાયને સોંપવામાં આવે તેવી માંગ કરાઈ. બગદાણા નવનીત બાલધિયા વહેલી તકે ન્યાય માટે મોટી સંખ્યામા સમાજના લોકોએ વિરમગામ મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યુ.
-
પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની પરીક્ષા પાસ કરનારા ધ્યાન આપે, આ તારીખથી શરૂ થશે શારીરિક પરીક્ષા
ગુજરાતમાં પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા, આગામી 21 જાન્યુઆરીથી શરૂ થનાર છે. પોલીસ સબ ઈન્સ્પેકટર અને લોકરક્ષક કેડરની શારીરિક પરીક્ષા માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા, Ojas વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર શરૂ થયેલ છે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ, દિલ્હી જવા કાફલો પહોચ્યો અમદાવાદ એરપોર્ટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો અમદાવાદ એરપોર્ટ પહોચ્યો છૈે. જ્યાથી તેઓ દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી. ગુજરાત મુલાકાતના 3 દિવસ દરમિયાન સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરના પ્રવાસે હતા.
-
અમદાવાદઃ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં અણઘડ આયોજનની ખૂલી પોલ
અમદાવાદઃ ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં અણઘડ આયોજન હોવાનું સામે આવ્યુ છે. વિદેશી પતંગબાજો એન્ટ્રીમાં લાંબી કતારોમાં ઉભા રહેવુ પડ્યુ હોવાથી નારાજ થયા છે. સિક્યુરિટી ચેકિંગના નામે વિદેશી મહેમાનો મુશ્કેલીમાં મુકાયા છે. સ્કેનર મશીન નાનું હોવાના કારણે મોટા લગેજના સ્કેનમાં મુશ્કેલી આવી રહી છે. એક જ સ્કેનર મશીન હોવાને કારણે પતંગબાજોની લાંબી કતારો લાગી છે. વિદેશી મહેમાનોને 3 વખત ચેકિંગ માટે ઉભા રખાયા છે. એક સ્કેનર મશીન પણ ખરાબ થઈ જતા મેન્યુલી ચેકિંગ કરવું પડ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી હોવા છતાં સિક્યુરિટી ચેકિંગમાં અયોગ્ય વ્યવસ્થા સર્જાઈ છે. સિક્યુરિટી ચેકિંગ માટે VIP માટે અપૂર્તિ વ્યવસ્થાની પોલ ખૂલી છે.
-
અમદાવાદ: ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક
અમદાવાદ: ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ જેમા બન્ને દેશો વચ્ચે અનેક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.જેમા સેમિકન્ડક્ટર, ક્રિટિકલ મિનરલ, રક્ષા ઉદ્યોગ પર હસ્તાક્ષર કરાયા. સાથોસાથ રાષ્ટ્રીય સમુદ્રી વિરાસતના વિકાસ માટે કરાર કરાયા. આ તકે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે ભારત-જર્મનીનો ગાઢ સંબંધ સમગ્ર માનવતા માટે મહત્વપૂર્ણ છે. બન્ને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર 50 બિલિયન ડોલરને પાર પહોંચ્યો છે. વધતા વેપાર અને રોકાણે વ્યૂહાત્મક ભાગીદારીને નવી ઊર્જા આપી છે.
-
ઉત્તરાયણમાં પતંગબાજો માટે સારા સમાચાર
ઉત્તરાયણમાં પતંગબાજો માટે હવામાન વિભાગે સારા સમચાર આપ્યા છે. ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેવાની આગાહી કરી છે. 14 અને 15 જાન્યુઆરીએ સારો પવન રહેવાની શક્યતા છે. 5 થી 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે પવન. ઉત્તર દિશાના પવન ફૂંકાવવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ સારો પવન રહેવાની આગાહી કરી છે.
-
મોરબી: બેફામ કારે ફિલ્મી દ્રશ્યોની જેમ મારી પલટી
મોરબી: બેફામ કારે ફિલ્મી દ્રશ્યોની જેમ પલટી મારી. હળવદના ચરાડવા પાસે કાર ચાલકને અકસ્માત નડ્યો. કાર ડિવાઈડરને અથડાઈને લાઈટના થાંભલા સાથે અથડાઈ હતી. અકસ્માતની ઘટનામાં કાર ચાલક ઈજાગ્રસ્ત થયો. અકસ્માતની ઘટના પેટ્રોલ પંપના CCTVમાં કેદ થઈ છે.
-
વડોદરાઃ ઉત્તરાયણ પૂર્વે આરોગ્ય વિભાગની કામગીરી
વડોદરાઃ ઉત્તરાયણ પૂર્વે આરોગ્ય વિભાગે વિવિધ વિસ્તારમાં આવેલી ફરસાણની દુકાનના ચેકીંગ હાથ ધર્યુ. ચિક્કી, તલના લાડુ, ઊંધિયું અને તેના રો મટીરિયલની તપાસ હાથ ધરી. શહેરના કડક બજારમાં મીઠાઈની દુકાનમાં હાથ ધરાયું ચેકીંગ. આરોગ્ય વિભાગ દ્વારા જલેબી અને અન્ય વસ્તુઓના લેવાયા સેમ્પલ
-
સુરત: સરથાણા વિસ્તારમાં મહિલાએ ક્રૂરતાની હદ વટાવી
સુરત: સરથાણા વિસ્તારમાં મહિલાએ ક્રૂરતાની હદ વટાવી. ડોરબેલ વગાડવા જેવી નજીવી બાબતે બાળકને માર્યો ઢોર માર. વરાછાના યોગી ચોકમાં આવેલી સિલિકોન રેસીડેન્સીમાં ઘટના બની હતી. જ્યાં 7 વર્ષના બાળકને પાડોશમાં રહેતી મહિલાએ માર માર્યો. મહિલાએ માનવતા નેવે મૂકીને બાળકને ઢસડી ઢસડીને માર માર્યો. ઢોર મારને કારણે બાળક ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયો. બાળકના માતા-પિતાએ મહિલા વિરૂદ્ધ કરી અરજી
-
ત્યજી દેવાયેલી બાળકીનો પરિવાર બની સુરત પોલીસ
સુરતમાં એક પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ત્યજી દેવાયેલી નવજાત દિકરીની પોલીસ રખેવાળ બની છે. તરછોડી દેવાયેલી બાળકીને સુરત પોલીસે અપનાવીને તેનું નામકરણ પણ કર્યું. મહત્વનું છે કે એક દિવસની બાળકીને દેલાડવા તળાવ પાસે ત્યજી દેવામાં આવી હતી. જે બાદ પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસને બાળકી હસતી હાલતમાં જોવા મળી હતી.બાળકીના ચહેરા પરનું સ્મિત જોઈને સુરત પોલીસની ટીમ પણ લાગણીમાં વહી ગઈ અને છેવટે આ બાળકીને પોલીસે અપનાવી લીધી.. તેને સારવાર માટે હોસ્પિટલ પણ ખસેડવામાં આવી હતી. જો કે બાળકી સ્વસ્થ જણાતાં પોલીસે જ બાળકીના જન્મના છઠ્ઠા દિવસે તેનું નામકરણ કરવા માટે વિશેષ છઠ્ઠી કાર્યક્રમનું આયોજન કર્યું. ડિંડોલી પોલીસને બાળકી હસતી હાલતમાં મળતાં તેને ‘હસતી’ નામ આપવામાં આવ્યું… નામકરણ કાર્યક્રમમાં હ્રદય સ્પર્થી દ્રશ્યો સર્જાયા. ત્યારે હાલ તો તરછોડી દેવાયેલી બાળકીનો પોલીસકર્મીઓ પરિવાર બન્યા છે અને ડીંડોલી પોલીસ મથકના PI આર.જે. ચુડાસમા બાળકીની દેખરેખ રાખી રહ્યા છે.. સાથે જ મહિલા પોલીસકર્મીઓ પણ 24 કલાક દિકરીની સાર સંભાળ લઈ રહ્યા છે. બાળકીના માતા-પિતાની શોધખોળ ચાલુ કરાઈ છે. બીજી તરફ ડિંડોલી પોલીસકર્મીઓ દ્વારા બાળકી માટે બેંક એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યું છે.. જેમાં પોલીસકર્મીઓ બાળકીના નામ પર ભેટ રૂપે પૈસા જમા કરશે.
-
ફ્રેડરિક મેર્ઝે મહાત્મા ગાંધી વિશે લખી આ ખાસ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મહાત્મા ગાંધીના સાબરમતી આશ્રમની મુલાકાત લીધા પછી, જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે મુલાકાતીઓની પુસ્તિકામાં એક નોંધ લખી. તેમણે ગાંધીજીના ઘર, હૃદય કુંજ, આશ્રમમાં રેંટીઓના વણાટનું પણ નિરીક્ષણ કર્યું. મુલાકાતીઓની પુસ્તિકામાં તેમના સંદેશમાં, જર્મન ચાન્સેલરે કહ્યું કે મહાત્મા ગાંધીની સ્વતંત્રતાની શક્તિ અને દરેક માનવીના મનમાં મહાત્મા ગાંધી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા આપણને પ્રેરણા આપે છે. આ માનવીય વિરાસત ભારત અને જર્મનીના લોકોને મિત્રતા દ્વારા જોડે છે. ગાંધીજીના ઉપદેશો આજે પણ વિશ્વમાં એટલા જ સુસંગત છે.
-
સાબરકાંઠા: હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર
સાબરકાંઠા: હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. ચૂંટણીમાં ફરી જુના જોગીઓએ બાજી મારી છે. 13 ડિરેક્ટર માટેની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયુ છે. પરિવર્તનના નામે પેનલ રચી ચૂંટણી લડનારાઓની કારમી હાર થઈ છે. પરિવર્તન પેનલના તમામ ઉમેદવાર ચૂંટણીમાં હાર્યા છે. હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ કાંકણોલવના પૂર્વ સરપંચની કારમી હાર થઈ છે. APMCના પૂર્વ વાઈસ ચેરમેન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય પણ હાર્યા છે. 13 માંથી 12 જૂના ડિરેક્ટર ફરી નવા બોર્ડમાં પરત ચૂંટાયા છે.
-
અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન
અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનું આયોજન કરાયુ છે. PM મોદી અને જર્મનીના ચાન્સેલર પતંગ મહોત્સવની મુલાકાત લેશે. રિવરફ્રન્ટ પર આયોજિત ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે. પતંગ મહોત્સવમાં 50 દેશના 135 પતંગબાજો લેશે ભાગ. દેશના 13 રાજ્યોમાંથી 65 પતંગબાજો અમદાવાદ પહોંચ્યા છે. ગુજરાતના 16 જિલ્લાના 871 પતંગ રસિયાઓ આ કાઈટ ફેસ્ટીવલમાં સામેલ થયા છે. દેશી-વિદેશી રંગબેરંગી પતંગોથી અમદાવાદનું આકાશ સજશે.
-
વડાપ્રધાન મોદી અને જર્મન ચાન્સેલરે ગાંધી આશ્રમની લીધી મુલાકાત
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી અને જર્મનીના ચાન્સેલર મેઝેએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બંને મહાનુભાવોએ આશ્રમમાં બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી. આ સાથે આશ્રમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની PM મોદીએ બેઠક યોજી હતી.
-
અંબાજીમાં મકરસંક્રાંતિ પર્વ નિમિતે 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ
મકરસંક્રાંતિ પર પવિત્ર નદીઓમાં સ્નાન પૂજા કરવાનો વિશેષ મહિમા હોય છે. જેને લઇને કરોડો લોકોની આસ્થાના કેન્દ્ર સમા અંબાજીમાં પણ છેલ્લા 3 વર્ષથી મકરસંક્રાંતિનું શાહી સ્નાન આયોજિત કરવામાં આવે છે. ત્યારે આ વખતે પણ 5 દિવસીય સાધુ-સંતોના સંગમનો ભવ્ય પ્રારંભ થયો છે. અંબાજીના 51 શક્તિપીઠ સર્કલ પર સાધુ-સંતોના નગર પ્રવેશ સમયે વાતાવરણ ‘જય અંબે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું. સરપંચ દ્વારા સંતોનું ફૂલહાર અને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું. જે બાદ ઢોલ-નગારાના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ શોભાયાત્રા રાધા-કૃષ્ણ મંદિર પહોંચી હતી, જ્યાં વિધિવત ધર્મ ધજા ફરકાવ્યા બાદ દીપ પ્રાગટ્ય સાથે મહોત્સવ ખુલ્લો મુકાયો.
-
ઇસરો અંતરિક્ષમાં ફરી રચશે ઇતિહાસ
ઇસરો અંતરિક્ષમાં ફરી ઇતિહાસ રચવા જઈ રહ્યુ છે. આજે વર્ષ 2026નું ઇસરોનું પ્રથમ મિશન છે. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી PSLV-C-62 રોકેટ ઉડાન ભરશે. સવારે 10:17 વાગ્યે PSLV-C-62 રોકેટનું લોન્ચિંગ થશે. અન્વેષા સેટેલાઇટ અને 18 બીજા સેટેલાઇટ લઈને ઉડાન ભરશે રોકેટ. મિશનનું મુખ્ય આકર્ષણ અન્વેષા સેટેલાઈટ છે. જેને ‘દિવ્ય દ્રષ્ટિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. અન્વેષા સેટેલાઇટ મિશન ભારતની સંરક્ષણ ક્ષમતાઓમાં ક્રાંતિકારી ફેરફાર લાવશે. અન્વેષા ‘દિવ્ય દ્રષ્ટિ’ સેટેલાઈટથી પાકિસ્તાન-ચીન પર બાજ નજર રાખી શકાશે. આ સેટેલાઈટની મદદથી પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ અને ચીન સરહદ પરની હિલચાલને સચોટ રીતે ટ્રેક કરી શકાશે. વનસ્પતિ કે અન્ય અવરોધો પાછળ છુપાયેલા હથિયારો કે વાહનો પણ આ સેટેલાઈટની નજરથી બચી શકશે નહીં. આથી જ ‘અન્વેષા’ને ભારતની ‘સુપર વિઝન’વાળી આંખ કહેવામાં આવી રહી છે. તે સ્પેસમાં 600 કિમી દૂરથી ઝીણામાં ઝીણી વસ્તુની તસવીર ખેંચી શકે છે. પછી ભલે તે બોર્ડર પર ઝાડીમાં છુપાયેલો દુશ્મન સેનાનો કોઈ જવાન હોય, અથવા આર્મીના ટેન્કના રસ્તામાં છુપાયેલી લેન્ડમાઇન્સ. આ માટે અન્વેષા 100 પ્રકારના પ્રકાશને ડિટેક્ટ કરનારી HRS ટેકનોલોજી પર કામ કરશે.
-
વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક ર્મર્ઝનું સાબરમતી આશ્રમ ખાતે ઉષ્માસભર સ્વાગત કરશે. અહીં બન્ને મહાનુભાવો મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લેશે. મહાત્મા ગાંધીને શ્રદ્ધાસૂમન અર્પણ કરી બન્ને મહાનુભાવો ચરખો કાંતશે. ત્યાંથી PM મોદી અને જર્મન ચાન્સેલર રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદઘાટન માટે પહોંચશે. પતંગોત્સવની શરૂઆત કરાવ્યા બાદ બંને મહાનુભાવો મેટ્રો ટ્રેનમાં બેસીને ગાંધીનગર પહોંચશે. ઓલ્ડ હાઈકોર્ટ મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેન મારફતે ગાંધીનગરમાં મહાત્મા મંદિર પહોંચશે. જ્યાં બંને દેશના વડાઓની દ્વિપક્ષીય બેઠક યોજાશે.
-
સુરેન્દ્રનગરની પતંગ બજારોમાં મંદીનો માહોલ
ઉત્તરાયણનના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરની બજારોમાં પતંગ અને દોરાની ખરીદીમાં હાલ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે..હોલસેલ તેમજ રિટેલ પતંગ ખરીદવા અને વેચાણ કરતા વેપારીઓને ત્યાં ગ્રાહકોની ભીડ ઓછી છે. GST અને કાગળના ભાવ વધતા ગત વર્ષની સરખામણીએ પતંગ અને દોરાના ભાવોમાં 20થી 30 ટકાનો વધારો થયો છે. વેપારીઓએ પહેલાથી જ પતંગ અને દોરાનો સ્ટોક ભરીને રાખ્યો છે. આ વર્ષે PM મોદી, સરદાર પટેલ, બુલેટ ટ્રેન સહિત અવનવી પતંગો અને દોરાનો ક્રેઝ જોવા છે. ત્યારે છેલ્લા ઘડીએ ગ્રાહકો ખરીદી કરશે અને લોકોને રોજગારી મળી રહેશે તેવી આશા વેપારીઓએ વ્યક્ત કરી છે.
Published On - Jan 12,2026 7:39 AM