12 ઓગષ્ટના મહત્વના સમાચાર : ઉત્તર ગુજરાતના 4, સૌરાષ્ટ્રના 7 જિલ્લાને નર્મદાનું પાણી આપવા ભૂપેન્દ્ર પટેલ સરકારનો નિર્ણય
Gujarat Live Updates : આજે 12 ઓગષ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
11 ઓગષ્ટના મહત્વના સમાચારો પર નજર કરીએ તો કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબની રેપ બાદ હત્યા મુદ્દે દેશભરમાં રેસિડેન્ટ તબીબો No Safety No Dutyની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. જેને લઈને દેશભરમાં OPD સેવાઓ પ્રભાવિત થઈ શકે છે. આ મુદ્દે રાજનીતિ પણ ગરમાઈ છે. તબીબોને પશ્ચિમ બંગાળ સરકાર ભરોસો ન હોવાથી કેન્દ્ર સરકાર પાસે કાર્યવાહીની માગ કરી રહ્યા છે.
રાજ્યના મોટા સમાચારોની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં પણ 8 શિક્ષકો ગુલ્લીબાજ હોવાનુ સામે આવ્યુ છે. છેલ્લા 9 મહિનાથી ગેરહાજર હોવાથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ નોટિસ ફટકારી ખૂલાસો માગ્યો છે. રાજ્યના હવામાનની વાત કરીએ તો આજે તમામ ઝોનમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છએ. રાજ્યમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. આ તરફ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર પહોંચી ગઈ છે. ડેમ છલોછલ થવામાં હવે 3 મીટર જ બાકી રહ્યા છે.
રાજ્યમાં આજે શ્રાવણના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. હર હર મહાદેવના નાદથી સમગ્ર મંદિરનું પરિસર ગૂંજી ઉઠ્યુ છે. સોમનાથ દાદાને અત્યંત દિવ્ય શણગાર કરવામાં આવ્યા છે. આતરફ બિહારના જહાનાબાદમાં શ્રાવણના બીજા સોમવારે સિદ્ધેશ્વર મંદિરમા જળાભિષેક દરમિયાન ભાગદોડ મચી જતા 7 લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
LIVE NEWS & UPDATES
-
સૌરાષ્ટ્રના 7 જિલ્લાને નર્મદાનું પાણી આપવા ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય, જો વરસાદ ખેચાશે તો 600 ચેકડેમ કે તળાવો ભરાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો અને નાગરિકોને નર્મદાનું પાણી આપવાનો નિર્ણય કર્યો છે.
• નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે.
• સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે.
• હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.
• ક્રમશ: તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદવહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.
• વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ કે તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં કરવામાં આવ્યું છે.
• હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.
-
સરદાર સરોવર નર્મદા બંધમાં જળસપાટી પહોચી 135.88 મીટરે, ઓવરફ્લો થવાથી માત્ર 2.83 મીટર દૂર
ઉપરવાસમાંથી થઈ રહેલા પાણીની સતત આવકને પગલે, સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વર્તમાન ચોમાસામાં પહેલી વાર સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 135.88 મીટરે પહોચી છે. હાલમાં ઉપરવાસમાંથી 2,93,389 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે સરદાર સરોવર નર્મદા ડેમના 9 દરવાજા 2.1 મીટર ખોલીને કુલ 1,79,444 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
-
-
ઉકાઈ ડેમના 9 દરવાજા 4 ફુટ ખોલી 82263 ક્યુસેક પાણી છોડાયું, હેઠવાસના ગામોને કરાયા એલર્ટ
તાપી નદી ઉપર ઉકાઈ ડેમના વધુ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉકાઈ ડેમના 22 દરવાજાઓ પૈકી 9 દરવાજા ચાર ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી પાણીની થઈ રહેલ વિપુલ આવકને ધ્યાને લઈને તંત્ર દ્વારા વધુ દરવાજા ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી 62 હજાર ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે, જ્યારે ડેમના 9 દરવાજા ખોલીને તાપી નદીમાં 82 હજાર 263 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે તાપી કિનારાના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.
-
પાકિસ્તાનમાં ISIના પૂર્વ વડાની પાક. આર્મીએ કરી અટકાયત
પાકિસ્તાનના પૂર્વ ISI ચીફ ફૈઝ હમીદને સેનાએ કસ્ટડીમાં લીધા છે. ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ આ જાણકારી આપી છે. ISPRએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, ISI ના પૂર્વ ચીફ લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ફૈઝ હમીદને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
-
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર લાંચ લેતા ઝડપાયા
રાજકોટ મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર એ. બી. મારૂ લાંચ લેતા ઝડપાયા છે. ફાયર NOC મેળવવા માટે ફરિયાદી પાસે 3 લાખની લાંચની માંગ કરી હતી. જેમાંથી 1.80 લાખ રૂપિયા સ્વીકારતા ACB એ ઝડપી પાડ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાની કચેરી ખાતે જ લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યા છે.
-
-
વડોદરાના વાઘોડિયામાં તિરંગા યાત્રામાં જોડાયેલા વિદ્યાર્થીને રખડતી ગાયે લીધા અડફેટે
વડોદરાના વાઘોડિયામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત રહ્યો છે. આજે ત્રિરંગા યાત્રા દરમિયાન રોડ પર રખડતી ગાયે વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા. બે વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનીને માથાના ભાગે નાની ઈજાઓ પહોચી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
-
વલસાડના વાપીમાં જમીન વિવાદમાં ભાજપના નેતાએ કર્યું બે રાઉન્ડ ફાયરિંગ
વલસાડના વાપીમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. વાપીના મોરાઈ ખાતે આવેલ રંગોલી હોટલની બાજુમાં શાંતિ કોમ્પલેક્ષમાં ફાયરીંગનો બનાવ બન્યો છે. શાંતિ કોમ્પલેક્ષની દુકાન નંબર 102 માં ફાયરીંગની ઘટના ઘટી હતી. જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ફાયરીંગની ઘટનાની જાણ થતા જ વાપી DYSP સહિત પોલીસનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો.
પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા, ભાજપના નેતા દ્રારા બે રાઉન્ડ ફાયરીંગ કરાયું હોવાનું સામે આવ્યું છે. ગિરિરાજ જાડેજા દ્રારા જમીન વિવાદમાં ફાયરિંગ કરાયું છે. જમીન વિવાદને લઈને, લોકો એકઠા થયા હતા, જેમાં મામલો બીચકાતા ભાજપના નેતા દ્રારા બે રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું.
-
કચ્છમાં લાંબા સમયથી ગેરહાજર રહેતા 11 શિક્ષકોને ફટકારાઈ નોટીસ
રાજ્યભરમાં ગેરહાજર શિક્ષકો પર શિક્ષણ વિભાગ દ્વારા તવાઇ બોલાવાઈ છે. કચ્છમા પણ શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ તપાસમાં 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહજાર રહેતા હોવાનું સામે આવ્યું છે. કચ્છ જિલ્લાની અલગ-અલગ શાળામા 11 શિક્ષકો લાંબા સમયથી ગેરહાજર હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. જ્યારે 4 શિક્ષકોને વિદેશ પ્રવાસ મુદ્દે પણ નોટીસ ફટકારાઈ છે. પ્રાથમીક શિક્ષણ અધિકારીએ તમામને નોટીસ ફટકારી જવાબ રજૂ કરવા તાકીદ કરી છે. શિરવા ગામના 1 શિક્ષક લાંબા સમયથી ગેરહાજર રહેતા સસ્પેન્ડ કરાયા છે. 11 શિક્ષકો લાંબા સમયથી અનિયમીત રહેતા, નિયમ મુજબ નોટીસ ફટકારાઇ છે.
-
રાજકોટને અપાશે નર્મદાના 750 MCFT નીર, RMCની માગ સંતોષાઈ
રાજકોટ શહેરમાં પાણી વિતરણ અંગે રાહતના સમાચાર સામે આવ્યા છે. આજી 1 ડેમમાં નર્મદાના નીર આપવાની શરૂઆત કરાઈ છે. વરસાદ ખેંચાતા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નર્મદાના નીરની માંગણી કરી હતી. આજી અને ન્યારી ડેમમાંથી પાણીની માંગ કરાઈ હતી. આજી 1 ડેમમાં 400 MCFT અને ન્યારી 1 ડેમમાં 350 MCFT પાણીનો જથ્થો ઠાલવવામાં આવશે.
-
સુરેન્દ્રનગરમાં 2 ભૂતિયા શિક્ષકો હોવાનું શિક્ષણ વિભાગના સર્વેમાં સામે આવ્યું
સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂતિયા શિક્ષકોને શોધવાનો સર્વે શરૂ કરાયો છે. સુરેન્દ્રનગરમાં 2 ભૂતિયા શિક્ષકો હોવાનું સર્વેમાં સામે આવ્યું છે. 300 શાળાઓના કરાયેલા સર્વેમાં 2 શિક્ષકો રજા મુક્યા વગર અને 30 દિવસથી છે ગેરહાજર હોવાનું જણાયું છે. આ શિક્ષકો વિદેશ જતા રહ્યા હોવાની શિક્ષણ વિભાગને શંકા છે. સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગે રાજ્ય સરકારને બન્ને શિક્ષકોનો રિપોર્ટ રજૂ કર્યો છે. સરકારનો પગાર લે છે પણ શાળાએ આવતા ના હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાની પાટડીની અંતરિયાળ ગામોની શાળાના બન્ને શિક્ષકો છે. હાલ બન્નેના રિપોર્ટ શિક્ષણ વિભાગમાં રજૂ કરાયા છે.
-
રાજકોટમાં બે શખ્સ પર છરીથી કરાયો હુમલો
રાજકોટઃ અસામાજિક તત્વોના બેફામ બની રહ્યા છે. શહેરના ત્રિશુલ ચોક પાસે બે શખ્સ પર છરીથી હુમલો કરવામાં આવ્યો છે. રવિ ચાવડીયા નામના શખ્સે જૂની અદાવતમાં હુમલો હોવાનુ તપાસમાં સામે આવ્યુ છે.
-
20 મીએ વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની મળશે બેઠક
વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળશે. 21મીથી શરૂ થતાં ચોમાસુ સત્ર પહેલાં 20મીએ બેઠક મળશે. તા.20 એ બપોરે 12.30 વાગ્યે કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળવાની છે. જેમા વિધાનસભાના ચોમાસું સત્રમાં ગૃહમાં થનાર કામગીરી અંગે ચર્ચા થશે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની બેઠકની અધ્યક્ષતા કરશે.
-
વડોદરા: એક દિવસના વિરામ બાદ ડભોઇમાં ફરી વરસાદ
વડોદરા: એક દિવસના વિરામ બાદ ડભોઇમાં ફરી વરસાદનું આગમન થયુ છે. ST ડેપો, રેલવે મથક, આંબાવાડી, નવીનગરીમાં વરસાદ વરસ્યો. મહેતા પાર્ક, સોમેશ્વર પાર્ક, વિમલ સોસાયટી, ગણેશનગર, આશીર્વાદ સોસાયટી વિસ્તારમાં મેઘ મહેર થઈ છે. વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. ડભોઇ તાલુકાના વડજ, ધરમપુરી, તનવડા, શંકરપુરામાં પણ વરસાદ વરસ્યો છે. તો વઢવાણા, શમશેરપુરા, ઠાલનગર, અંબાવ, કુંઢેલામાં પણ વિરામ બાદ વરસાદ વરસ્યો છે. સારો વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
-
વડોદરામાં માર્બલ પાઉડરની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ
વડોદરામાં માર્બલ પાઉડરની આડમાં દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. એલસીબીએ દારુ ભરેલી ટ્રક ઝડપી પાડી. જેમા માર્બલ પાઉડરની આડમાં દારૂ છૂપાવ્યો હતો. પોલીસે 18.24 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. વડોદરાથી ભરૂચ જતા હાઇવે પર પોલીસે દારૂ ઝડપી પાડ્યો છે.
-
વડોદરામાં શ્રાવણના એકટાણા કરી રહેલા યુવકને એકાએક ચક્કર આવ્યા બાદ મોત
વડોદરામાં નોકરી પરથી પરત ફરેલો યુવક એકાએક ચક્કર ખાઈને પડી ગયો હતો અને ત્યારબાદ મોતને ભેટ્યો હતો. મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર. 27 વર્ષીય મૃતક રાહુલ વસાવા. નંદેસરી GIDCમાં કામ કરતો હતો. તે આઠ ઓગસ્ટે રાત્રે નોકરીએ ગયો હતો. જ્યાં ઓવર ટાઈમ કર્યા બાદ. તે પૂરાં 24 કલાક બાદ તેના ઘરે પરત ફર્યો હતો. મૃતકને શ્રાવણ મહિનાના ઉપવાસ પણ ચાલી રહ્યા હતા. અને ઉપરથી ઓવર શિફ્ટ કરીને આવ્યા બાદ તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત નિપજ્યું છે. ત્યારે મૃત્યુનું સાચું કારણ શું છે તે તો PM રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. પરંતુ, ઉપવાસ કરનારા અને ઓવર ટાઈમ કરનારા બન્ને લોકો માટે હાલ તો આ ઘટના લાલબત્તી સમાન છે.
-
વડોદરામાં વિરામ બાદ મેઘરાજા મન મુકીને વરસ્યા
વડોદરા શહેરમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા. શહેરમાં વરસાદ બંધ થઈ ગયા બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. વડસર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીના પાણી રસ્તા પર ફરી વળતા. કોટેશ્વર મહાદેવ મંદિરે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રસ્તા પર વરસાદી પાણી સાથે મગર પણ આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. લોકો મંદિરે જવા માટે મોતના મુખમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
-
ભાવનગરઃ સિહોરમાં ઓરડાઓના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી
ભાવનગરઃ સિહોરમાં ઓરડાઓના અભાવે શિક્ષણની સ્થિતિ કથળી છે. ઓરડાઓના અભાવે વિદ્યાર્થીઓને ખુલ્લામાં બેસાડવામાં આવી રહ્યા છે. સિહોરના કાટોડીયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી રહ્યા છે. વિદ્યાર્થીઓને મંદિરમાં બેસાડી અભ્યાસ કરાવવા શિક્ષકો મજબૂર બન્યા છે. કાટોડીયા પ્રાથમિક શાળામાં માત્ર એક ક્લાસરૂમ અને એ પણ જર્જરીત હાલતમાં છે. ક્લાસરૂમમાં અભ્યાસ કરવામાં બાળકોને જીવનું જોખમ રહેલુ છે. 76 વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સુવિધાના અભાવે બે પાળીમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 2021માં શાળાના ઓરડા મંજૂર કરાયા અને 2024 આવી ગયુ છતા બનાવાયા નથી.
-
TET-TATમાં મુદ્દે MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને લખ્યો પત્ર
TET-TATમાં મુદ્દે MLA કિરીટ પટેલે શિક્ષણપ્રધાનને પત્ર લખી TET-TATમાં અંગ્રેજી વિષયનું મેરીટ અલગ બનાવવા માગ કરી છે. અનુસ્નાતક ઉમેદવારોની વય મર્યાદા વધારવા પણ રજૂઆત કરી છે. ગુજરાતી-સંસ્કૃતના કારણે અંગ્રેજી ભાષાના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો છે. અલગ મેરીટ બનાવાશે તો, અંગ્રેજી વિષયના ઉમેદવારોને લાભ થશે.
-
અમદાવાદમાં 3 માસથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પર તવાઈ
અમદાવાદમાં 3 માસથી વધુ સમયથી ગેરહાજર શિક્ષકો પર તવાઈ બોલાવાઈ છે. અમદાવાદમાં 3 શિક્ષકો રજા લઈ વિદેશ જતા રહ્યાનો ખુલાસો થયો છે. 3 3 શિક્ષકો 3 માસથી વધુ સમયથી ગેરહાજર છે. તપાસ દરમિયાન ત્રણેય શિક્ષકો રજા લઈને જ ગયા હોવાનો પણ ખુલાસો થયો છે. DEOએ ગેરહાજર શિક્ષકો અંગે માહિતી આપી છે.
-
રાજકોટમાં કોંગ્રેસની ન્યાયયાત્રા પર ભાજપે ફરી સાધ્યું નિશાન
રાજકોટમાં કોંગ્રેસની ન્યાયયાત્રા પર ભાજપે ફરી સાધ્યું નિશાન સાધ્યુ છે. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા કોંગ્રેસ સામે આક્ષેપ કર્યા કે કોંગ્રેસ ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે, કોંગ્રેસે રાખેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજકોટના 5 લોકો પણ હાજર નહોતા. ભાડુતી લોકોને લાવીને કોંગ્રેસ શાંતિ ડહોળવાનો પ્રયાસ કરે છે. બોઘરાએ સવાલ કર્યો કે કોંગ્રેસના શાસનમાં બનેલી ઘટનામાં કોંગ્રેસ ન્યાય નથી અપાવી શકી તો અત્યારે શું ન્યાય અપાવશે? બોઘરાએ આશ્વાસન આપ્યુ કે ભાજપ પીડિતોની સાથે છે. રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતૃત્વ દ્વારા ગુજરાતનો વિકાસ રૂંધવાના પ્રયત્નો કરી રહ્યુ છે.
-
સુરેન્દ્રનગર: 44 કરોડના ખર્ચે બનાવેલો ઓવરબ્રિજ પર ફરી પડ્યા ગાબડાં
સુરેન્દ્રનગર: જૂના જંક્શન પાસેના ઓવરબ્રિજમાં ફરી ગાબડાં પડ્યા છે. 44 કરોડના ખર્ચે બનાવેલો બ્રિજ ફરીથી વાહનો માટે બંધ કરાયો છે. વારંવાર ગાબડાં પડતા ઓવરબ્રિજની ફિટનેસ સામે સવાલ ઉઠ્યા છે. કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને તપાસ માટે 3 દિવસની મુદ્દત લીધી છે. ઓવરબ્રિજના ફિટનેસની તપાસ માટે એન્જિનીયરોને કામે લગાડ્યા છે. છેલ્લા 5 વર્ષમાં ઓવરબ્રિજમાં 10થી વધુ વખત ગાબડા પડ્યા છે. 2019માં લોકાર્પણ થયું છતાં વારંવાર ગાબડાં પડતા સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. ઓવરબ્રિજની કામગીરીમાં તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ભ્રષ્ટ અધિકારીઓ-કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા લોકમાગ ઉઠી છે.
-
સુરત: નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ
સુરત: RTOમાં એજન્ટની મિલીભગતથી નકલી RC બુક બનાવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સ્માર્ટ કાર્ડવાળી 370 RC બુક, 100 કોરા સ્માર્ટ કાર્ડ અને 15 સ્ટેમ્પ જપ્ત કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે ડભોલીની સર્જન વાટિકા સોસાયટીમાં દરોડા પાડ્યા હતા. આપઘાત કરનાર યુવકની તપાસમાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે. 10 દિવસ પહેલા કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી યુવકે આપઘાત કર્યો હતો. બાઇકની લોન અંગે ફાઇનાન્સ કંપની ત્રાસ આપતી હોવાથી આપઘાત કર્યો હતો. ફાઇનાન્સ કંપનીની ત્રાસ આપતી હોવાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ હતો. લોન બાકી હોવા છતાં અન્યના નામે RC બુક ટ્રાન્સફર થઇ ગઈ હતી. પોલીસ અને RTOએ તપાસ કરતા RC બુકનું ભોપાળુ બહાર આવ્યું
-
નર્મદા: સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.63 મીટરે પહોંચી
નર્મદા: સરદાર સરોવર ડેમની જળ સપાટી 135.63 મીટરે પહોંચી છે. આ સિઝનમાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. હાલ ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. રિવરબેડ પાવર હાઉસમાંથી 43,861 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યુ છે. કેનાલ હેડ પાવર હાઉસમાંથી 8,433 ક્યુસેક પાણીની જાવક છે. 9 ગેટ દ્વારા 90 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું નર્મદા ડેમમાંથી કુલ 1.52 લાખ ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. મહત્તમ સપાટી પર પહોંચવાથી ડેમ માત્ર 3 મીટર દૂર છે.
-
ભરૂચ: નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડાયું
ભરૂચ: નર્મદા નદીના ડાઉન સ્ટ્રિમમાં દોઢ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. પાણી છોડાતા નર્મદા નદી બેકાંઠે વહી રહી છે. નર્મદા નદીનું જળસ્તર વધતા મોટી સંખ્યામાં લોકો પાણી જોવા ઉમટ્યા છે. નદી કિનારે જવા પર પ્રતિબંધ હોવાછતા લોકોના ટોળેટોળા ઉમટ્યા છે. લોકોની વધતી ભીડને રોકવા પોલીસ બંદોબસ્ત ગોઠવવાની ફરજ પડી છે. સતર્કતાના ભાગરૂપે કાંઠા વિસ્તારોમાં એલર્ટ અપાયુ છે.
-
પાદરાના પાવડા ગામે ગ્રામજનોના પાણી માટે વલખા
‘ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો’ આ કહેવત તો તમે આવી જ સ્થિતી વડોદરાના પાદકા તાલુકામાં આવેલા પાવડા ગામની છે. આ ગામ મહિસાગર નદીને કિનારે આવ્યું હોવા છતા ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે.ગામમાં 255 પરિવારોના 1200 લોકો વસવાટ કરે છે. અને ગામમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પાણી આવવાની છેલ્લા આઠ વર્ષથી રાહ જોઈ રહ્યા છે. કે આ ટાંકીનું પાણી ક્યારે આવે અને અમને પાણીની સમસ્યાથી છુટકારો મળે પણ તંત્રની બેદકરાથી ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.લોકો પાણી ભરવામાટે દોઢ કિલોમીટર ચાલીને જાય છે.ગામમાં એક જ હેંડ પંપ છે અને એમાં પણ દુષિત પાણી આવતું હોય છે.
-
બનાસકાંઠા: શાળામાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વધુ એક ઘટસ્ફોટ
બનાસકાંઠા: શાળામાં ગેરહાજર શિક્ષકો મુદ્દે વધુ એક ઘટસ્ફોટ થયો છે. મગવાસ ગામની શાળામાં શિક્ષક 12 મહિનાથી ગેરહાજર હોવાનુ સામે આવ્યુ છે. ગણિત અને વિજ્ઞાન વિષયનો મુખ્ય શિક્ષક જ શાળામાં 1 વર્ષથી ગેરહાજર છે. ધોરણ 6 થી 8 નો શિક્ષક છેલ્લા 1 વર્ષથી ગેરહાજર છે. ગ્રામજનોએ તાલુકા અને જિલ્લા શિક્ષણ કચેરીએ કરી છે અનેક રજૂઆત કરી ચુક્યા છે. દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીને પણ રજૂઆત કરી ચૂક્યા છે. અનેક રજૂઆત છતાં નિરાકરણ ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ શાળાએ સુત્રોચાર કરી વિરોધ નોંધાવ્યો
-
કોલકાતામાં મહિલા તબીબ પર રેપ બાદ હત્યા, વડોદરાના SSGના ડૉક્ટર્સે યોજી કેન્ડલ માર્ચ
પશ્ચિમ બંગાળના કોલકાતામાં રેસિડેન્ટ મહિલા તબીબ પર દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાખવામાં આવી છે. તેના જ સિનિયર અધિકારીએ તેના પર દુષ્કર્મ આચર્યુ જે બાદ તેની હત્યા કરી નાખી છે. ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં સિનિયર તબીબે આ દુષ્કર્મ અને હત્યાને અંજામ આપ્યો છે. જે બાદ તેણે ગુનો કબુલી લીધો છે. દેશભરમાં આ ઘટનાના પડઘા પડ્યા છે અને દેશભરના રેસિડેન્ટસ તબીબો NO SAFETY NO DUTYની માગ સાથે હડતાળ પર ઉતર્યા છે. વડોદરાના SSG હોસ્પિટલના ડૉક્ટર્સે કેન્ડલ માર્ચ યોજી ડૉક્ટર્સની સુરક્ષા વધારવાની માગ કરી છે.
-
શ્રાવણના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો
ગીરસોમનાથ: શ્રાવણના બીજા સોમવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો, પ્રથમ જ્યોતિર્લિંગના દર્શને દેશભરમાંથી ભાવિકો ઉમટ્યા છે. બીજા સોમવારે સોમનાથ દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓએ સોમેશ્વર દાદાની આરતીના દર્શનનો લાભ લ્હાવો લીધો હતો.
-
રાજ્યમાં સરેરાશ 70.81 ટકા વરસાદ, સૌથી વધુ કચ્છમાં 87.34% વરસાદ
રાજ્યમાં ચોમાસુ જામ્યું છે એવામાં રાજ્યમાં સરેરાશ અત્યાર સુધીમાં 70.81 ટકા વરસાદ વરસાદ વરસી ચુક્યો છે જેમાં ઝોન પ્રમાણે સૌથી વધુ વરસાદ કચ્છમાં થયો છે કચ્છમાં ચાલુ સિઝનનો સૌથી વધુ 87.34 ટકા વરસાદ વરસ્યો તો દક્ષિણ ગુજરાતમાં 84.96 સૌરાષ્ટ્રમાં 78.96 એમાંય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત હજુ તરસ્યુ જ છે અને વરસાદની રાહ જોઈ રહ્યું છે. મધ્ય ગુજરાતમાં 54.51 ટકા વરસાદ પડ્યો તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 53.27 ટકા વરસાદ પડ્યો છે.
વરસાદના કારણે રાજ્યના અનેક ડેમ ભરાયા છે જેમાં રાજ્યના 48 ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાયા છે તો 41 જેટલા ડેમ 70થી 90 ટકા ભરાયા છે. 56 ડેમ હજૂ પણ એવા છે જે 25 ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યના 62 ડેમમાં પાણીના પ્રવાહ અને સ્થિતિને લઈને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે તો 12 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
-
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 135.63 મીટરે પહોંચી
રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી 135.63 મીટરે પહોંચી છે. આ સિઝનમાં નર્મદા ડેમ 90 ટકા ભરાયો છે. હાલ ડેમમાં 2.13 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર થઈ છે. મહત્તમ સપાટી પર પહોંચવાથી માત્ર 13 મીટર દૂર છે.
Published On - Aug 12,2024 8:40 AM