ચાઈનીઝ લસણના વિરોધમાં આજે દેશભરના વેપારીઓ બંધ પાળશે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનો વેપાર ઠપ થશે. સુરતમાં ગણેશ પંડાલમાં કાંકરીચાળો કરીને શાંતિ ડહોળનારા આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરાશે. તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે. અમદાવાદ મનપામાં આજે નેતા વિપક્ષની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે. મનપામાં કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ હોવાથી જંગ રસપ્રદ બનશે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ વરસાદની હવામાન વિભાગની આગાહી. આજે દાહોદ, અરવલ્લી અને મહીસાગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
અમદાવાદ: ટેકનિકલ કોલેજોમાં ફી વધારાને લઇ NSUIએ ફરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. ટેકનિકલ કોલેજ અને FRC કચેરી ખાતે NSUIએ દેખાવો કર્યા હતા. FRC એ રાજ્યની 611 ટેકનિકલ કોલેજમાં ફી વધારો મંજૂર કર્યો હતો. 510 કોલેજમાં ગત વર્ષની ફી કરતા 5 ટકા સુધીનો વધારો કરાયો છે. 101 કોલેજમાં 5 ટકાથી વધુનો ફી વધારો કરાયો છે. ત્યારે ટેકનિકલ કોલેજોમાં અપાયેલ ફી વધારો પરત ખેંચવા NSUI દ્વારા માગ કરવામાં આવી છે, ફી વધારા બાદ અમુક કોલેજો પાછલા વર્ષની ફી માંગતી હોવાનો દાવો કરાયો છે.
નશાની હાલતમાં થતા અકસ્માત મુદ્દે હાઈકોર્ટનો ચુકાદો આપ્યો છે. નશાની હાલતમાં થતા અકસ્માતમાં વળતરના ચુકવણા માટે ખુદ વાહનચાલક જવાબદાર રહેશે. માત્ર ઈન્શ્યોરન્સ કંપની પર વળતરની જવાબદારી નહીં થોપી શકાય. વધુમાં કોર્ટે ઉમેર્યુ કે ઈન્સ્યોરન્સ કંપની ઈચ્છે તો વાહનચાલક પાસે ચૂકવેલુ વળતર વસૂલ કરી શકે છે. બનાસકાંઠામાં 2016માં થયેલા અકસ્માતના કિસ્સામાં હાઇકોર્ટનું અવલોકન છે કે શરીરમાં 30 MG દારૂનું પ્રમાણ મળી આવે તો પણ ગુજરાત રાજ્યમાં તે કાયદેસર નથી.
અમદવાદ મનપામાં વિપક્ષના નેતાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મનપામાં વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણની ફરી વરણી થઈ છે. સતત બીજી વખત વિપક્ષના નેતા તરીકે શહેઝાદ ખાન પઠાણ ચૂંટાયા છે. કોંગ્રેસે ચૂંટણી પંચના સભ્યોએ પરિણામની જાહેરાત કરી છે. કોંગ્રેસના 23 પૈકી 18 કોર્પોરેટરોએ મતદાન કર્યુ હતુ. જેમા શહેઝાદ ખાન પઠાણના સમર્થનમાં તમામ મત પડ્યા હતા. કોંગ્રેસના 5 કોર્પોરેટરોએ ચૂંટણી પ્રક્રિયાનો બહિષ્કાર કર્યો હતો.
રાજશ્રી કેસર, નિરવ બક્ષી, કામીની ઝા, માધુરી કલાપી, કમળાબેન ચાવડાએ મતદાન કર્યુ ન હતુ. ચૂંટણીમાં શહેઝાદ ખાન પઠાણ અને નિરવ બક્ષીના જૂથે કરી દાવેદારી કરી હતી.
મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. આજે રાતે 9 કલાકે 2 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડાશે. ડેમના દરવાજા મારફતે 1,79,600 ક્યુસેક પાણી છોડાશે. પાવર હાઉસ દ્વારા 20,400 ક્યુસેક પાણી નદીમાં છોડાશે. તંત્રએ નદી કાંઠાના 128 ગામોને એલર્ટ કર્યા છે. મહીસાગરના 110 અને પંચમહાલના 18 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નીચાણવાળા વિસ્તારોમાં નહીં જવા અપાઇ સૂચના અપાઈ છે. હાલ કડાણા ડેમની સપાટી 417 ફૂટ 5 ઇંચ પર મુકાઈ છે. હાલમાં ડેમમાં 1,47,546 ક્યુસેક પાણીની આવક થઈ છે.
મહીસાગરમાં વરસાદના કારણે ખાનપુરના પાદેડી ગામે બસ સ્ટેન્ડ પર ભરાયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો તેમજ યાત્રીઓ પરેશાન. દાહોદમાં પણ વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો. લીમખેડા, ઝાલોદ, દેવગઢ બારિયામાં પણ ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પાણી પાણી થયા.
ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. પાટણ શહેર સહિત, સિદ્ધપુર અને સરસ્વતી પંથકમાં ફરી વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી મુજબ 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો. તો યાત્રાધામ અંબાજીમાં પણ ધોધમાર વરસાદ. વરસતા વરસાદ વચ્ચે પણ પદયાત્રીઓનો ઉત્સાહ યથાવત. બનાસકાંઠાનાં પાલનપુર, વડગામ, અમીરગઢ, ધાનેરા સહિતના તાલુકાઓમાં વરસાદ. ધાનેરામાં બાજરી, જુવાર, મગફળી જેવા પાકોને નુકસાનીની ભીતિ.
દક્ષિણ ગુજરાતમાં સુરતના ઉમરપાડામાં ફરી મુશળધાર વરસાદ પડ્યો. 6 કલાકમાં 10 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ. વીરા નદીમાં પાણીની આવક થતા નદી ગાંડીતૂર બની છે, પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. બીજી તરફ સુરતના બારડોલી અને પલસાણા, કામરેજ, અને કડોદરા તાલુકામાં પણ વરસાદ નોંધાયો. નવસારી જિલ્લા ગણદેવી, બીલીમોરા અને ચીખલી સહિતના વિસ્તારમાં વરસાદ નોંધાયો.
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છેતરપિંડીનો કેસમાં રાજકોટ પોલીસની આર્થિક નિવારણ શાખા દ્રારા બે કૌંભાડીઓની ધરપકડ કરાઈ છે. ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણની ધરપકડ કરાઈ છે. ગોવાથી પોલીસે બંન્નેની ધરપકડ કરી છે. જો કે હજુ ચાર સંતો ફરાર છે. રાજકોટની એસ્ટેટ બ્રોકર સાથે જમીન ખરીદીના બહાને 3.40 કરોડની છેતરપિંડી કરી હતી.
અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો, બપોર બાદ ખાંભા ગીર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો. હનુમાનપુર, તાલડા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. ગીરના ગામડાઓમાં વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી.
બનાસકાંઠાના કાંકરેજમાં શિહોરી દેવપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક ફરજ પર અનિયમિત આવતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ લગાવ્યો છે. શાળાના સમયથી શિક્ષક મોડા આવતા વિદ્યાર્થીઓને ગેટ બહાર ઉભા રહેવાનો વારો આવ્યો. મોડા આવતા શિક્ષકના લીધે શાળાના વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે. ગ્રામજનોએ મોડા આવતા શિક્ષકનો વીડિયો બનાવી ઊધડો લીધો. ગ્રામજનોએ શિક્ષકને ઊધડો લેતા શિક્ષક લાજવાને બદલે ગાજ્યો અને કહ્યું કે વરસાદની ઋતુ છે તો મોડું તો થશે.
ગાંધીનગર : શહેરીજનો માટે CM ભૂપેન્દ્ર પટેલે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને રસ્તાના કામો માટે વધારાની ગ્રાન્ટ મળશે. ધારાસભ્ય દીઠ 2 કરોડની વધારાની ગ્રાન્ટ મંજૂર કરાઇ છે. મનપા વિસ્તારોના 43 ધારાસભ્યોને કુલ 86 કરોડ રૂપિયા મળશે. ક્રોંક્રીટ, કોંક્રિટ, ડામર રોડ, રિસરફેસિંગ, પેવર બ્લોકની કામગીરી વધુ ઝડપી થશે. મહાનગરોમાં ચોમાસામાં રસ્તાને થયેલા નુકસાનનું ઝડપથી સમારકામ થઈ શકશે.
રાજકોટમાં RMCના ફૂડ વિભાગે નાનામૌવા રોડના પટેલ પેંડાવાલામાંથી અખાદ્ય મીઠાઇનો નાશ કર્યો છે. 2600 કિલો જેટલો મીઠાઇનો નાશ કરાયો. કોલ્ડસ્ટોરેજમાં વાસી જથ્થો પડ્યો હોવાનું તપાસમાં સામે આવ્યુ છે. ફૂડ શાખાએ નોટિસ આપી નમૂના પરિક્ષણ અર્થે મોકલ્યા છે.
કચ્છઃ ગાંધીધામ નજીક ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. ઈલેકટ્રોનિકસ સામાન બનાવતી કંપનીમા આગ લાગી છે. ફાયર ફાયટર ઘટનાસ્થળે પહોંચ્યા છે.
અંજાર ગાંધીધામના ફાયર ટીમ પહોંચી છે. ખાનગી કંપનીઓના ફાયર ટેન્ડર પણ બોલાવાયા છે.
6 કલાકમાં રાજ્યના 65 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. 12 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ઉમરપાડામાં સૌથી વધુ 10 ઈંચ વરસાદ વરસ્યો છે. સાગબારા અને ખેરગામમાં પોણા 3 ઈંચ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. બારડોલી અને કુકરમુંડામાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે.
વડોદરા: વરસાદ અને પૂર બાદ રોગચાળામાં વધારો થયો છે. 24 કલાકમાં મેલેરિયાના 3 અને ડેન્ગ્યુના વધુ 5 કેસ નોંધાયા છે. શંકાસ્પદ ચિકનગુનિયાના પણ 6 કેસ નોંધાયા છે. વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે. ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના 36 કેસ, SSGમાં 23 કેસ નોંધાયા છે. પાલિકાના ચોપડે મેલેરિયાના 15, SSGમાં 5 દર્દી નોંધાયા છે.
ગુજરાતમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ મહિનામાં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ મહિનામાં કુલ ઉત્પાદન 891 MU થયું છે. રાજ્યના અન્ય હાઇડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.
સુરતના ઉમરાપાડા તાલુકામાં આભ ફાટ્યું છે. વહાર ગામેથી પસાર થતી નદીમાં પાણીની ભારે આવક થઇ રહી છે. નદી પર આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.
2 કલાકમાં 6.7 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ છે. તાલુકાની વીરા નદીમાં પાણીની આવક થતા નદી ગાંડીતૂર બની છે. પિનપુરથી દેવઘાટ જતા રસ્તા પર પાણી ફરી વળ્યા છે. કોતરના પાણી રસ્તા પર ભરાતા લોકોને હાલાકી થઇ રહી છે.
સુપ્રીમ કોર્ટે ગુરુવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, હવે નિર્ણય 10 સપ્ટેમ્બર એટલે કે આજે આવશે.
પંચમહાલ: નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના ષડયંત્ર મામલે વધુ ખુલાસા થયા છે. CBIની તપાસમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ વર્ષથી કૌભાંડ ચાલતું હોવાની શક્યતા છે. જિલ્લા કલેક્ટરને વધુ ચાર અરજી મળી છે. સારા સ્કોર માટે કરોડો રૂપિયા મેળવાતા હોવાની શક્યતા છે. રાજ્ય બહારના 16 સહિત 30 વિદ્યાર્થીઓને પાસ કરાવવાનું કાવતરું હતું. 3200 પેજની ચાર્જશીટમાં અનેક ખુલાસા થયા છે.
સુરત: જિલ્લામાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કામરેજ, કડોદરા, પલસાણા સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો. ધોધમાર વરસાદ શરૂ થતાં રસ્તા પાણી પાણી થયા છે.
સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારાની ઘટના બાદ હવે શાંતિના પ્રયાસો તેજ બન્યા છે. શહેરમાં શાંતિ અને કોમી એખલાસ જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનરની કચેરી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસે બન્ને સમાજના આગેવાનોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી. શાંતિ પ્રયાસો માટે માર્ગદર્શન આપ્યું.
રાજ્યમાં લાંચિયા સરકારી બાબુઓ પર ACBએ સકંજો કસ્યો છે. ACBએ એક જ દિવસમાં 3 અધિકારીઓને લાંચ લેતા દબોચ્યા છે. અમદાવાદમાં એક અને વાપીમાં બે અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં ESICનો આસિસ્ટન્ટ ડાયરેક્ટર લાંચ લેતા ઝડપાયો છે. આસિ. ડાયરેક્ટર કમલકાંત મીણા 3 લાખની લાંચ લેતા ઝડપાયો છે. ACBના સર્ચ ઓપરેશનમાં મીણાના વસ્ત્રાલના ઘરેથી વધુ 4.73 લાખની મત્તા મળી છે.
Published On - 7:39 am, Tue, 10 September 24