10 ઓગસ્ટના મહત્વના સમાચાર : જન્માષ્ટમી પર ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આગામી 24 કલાક વરસાદનું એલર્ટ, 14 ઓગસ્ટથી મેઘો બોલાવશે ધડબડાટી
Gujarat Live Updates આજ 10 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 10 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
ભરૂચઃ નર્મદા નદીમાં ભરતીના પાણીમાં ફસાયા 5 યુવકો
ભરૂચઃ નર્મદા નદીમાં ભરતીના પાણીમાં 5 યુવકો ફસાયા છે. ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના ભરતીના પાણીમાં યુવકો ફસાયા. નદી કિનારે લાંગરેલી બોટ પર સેલ્ફી ખેંચી મોજ મસ્તી કરતા હતા એ દરમિયાન અચાનક જ ભરતીના પાણી ફરી વળતા યુવાનોના જીવ પડીકે બંધાયા હતા. સ્થાનિક નાવિકોએ તમામ 5 યુવાનોનું રેસ્ક્યૂ કરી જીવ બચાવ્યો હતો.
-
રાજકોટ: જસદણના સાણથલી ગામે બબાલ
રાજકોટ: જસદણના સાણથલી ગામે બબાલ થઈ હતી. વાડીના રસ્તાના સમારકામ બાબતે બોલાચાલી થતા વાડી માલિકે હુમલો કર્યો હતો. JCBના કાચ તોડીને ચાલકને માર માર્યાનો આક્ષેપ છે. આટકોટ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ કરી છે.
-
-
દેવભૂમિ દ્વારકા: કેનાલમાં પડતા દોઢ વર્ષના બાળકનું મોત
દેવભૂમિ દ્વારકા: કેનાલમાં પડતા દોઢ વર્ષના બાળકનું મોત થયુ છે. ખંભાળિયાના સામોર ગામે બાળક કેનાલમાં પડ્યું હતુ. બાળકને સારવાર મળે તે પહેલા જ મૃત્યુ નીપજતા પરિવારમાં માતમ છવાયો છે. ઘટનાની જાણ થતા સ્થાનિકોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી પરંતુ સારવાર મળે તે પહેલા જ બાળકના શ્વાસ થંભી ગયા. મૃત બાળકને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાવામાં આવ્યુ છે.
-
પૌત્રના અંતિમ સંસ્કાર માટે આવેલા વૃદ્ધનું નદીમાં ડૂબી જવાથી મોત
છોટાઉદેપુર જિલ્લાના અત્રોલી ગામમાં એક દુઃખદ ઘટના બની છે. જ્યાં પૌત્રના અંતિમ સંસ્કાર માટે આવેલા વૃદ્ધનું નદીમાં ડૂબી જવાથી મોત થયું છે. પૌત્રની દફન વિધી કર્યા બાદ વૃદ્ધ નદી કિનારે હાથ પગ ધોવા ગયા ત્યારે અચાનક તેમનો પગ લપસ્યો અને તેઓ નદીના પ્રવાહમાં તણાઈ ગયા. 30 કલાકની શોધખોળ બાદ વૃદ્ધનો મૃતદેહ ઘટના સ્થળથી 500 મીટરના અંતરે મળી આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. પૌત્રના વિયોગમાં વિલાપ કરતા પરિવારજનો હવે વૃદ્ધના અવસાનથી તૂટી પડ્યા છે.
-
કલોલના કાંઠા ગામમાં હડકવાઈ માતાના મંદિરને લઈને વિવાદ
ગાંધીનગરઃ કલોલના કાંઠા ગામમાં હડકવાઈ માતાના મંદિરને લઈને વિવાદ થયો છે. દેવીપૂજક સમાજના બે જૂથો વચ્ચે ઘર્ષણ સર્જાયુ, મંદિર બનાવવાને લઈને બંને જૂથો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. હવે આ મામલો કલોલ પોલીસ સ્ટેશનને પહોંચ્યો છે. અગાઉ બંને જૂથો વચ્ચે મારામારી પણ થઈ હતી.
-
-
નશાની હાલતમાં કારચાલક બન્યો બેફામ, ફિલ્મી ઢબે ધરપકડ
આજકાલ અકસ્માતની ઘટનાઓમાં ડ્રાઈવિંગ દરમિયાન નશા કરવું એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આવી જ એક ઘટના બની જુનાગઢના માળીયા હાટીનામાં. બેફામ બનેલા કારચાલકને ઝડપી લેવાયો છે. નશાની હાલતમાં કાર હંકારીને કારચાલકે 4 વાહનોને ટક્કર મારી હતી. જેમાં 3 લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ અજાણ્યો કારચાલક નાસી છૂટ્યો અને પછી સર્જાયા ફિલ્મી દૃશ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ કારચાલક પાછળ પડી અને 10 કિમી સુધી ફિલ્મી ઢબે પીછો કરીને કારચાલકને ઝડપી પાડ્યો. આખરે કારચાલક સકંજામાં આવ્યો અને પોલીસે તેનું સરઘસ કાઢીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું.
-
અમદાવાદ: બદલો લેવા 4 રાઉન્ડ ફાયરિંગ થયાની ફરિયાદ
અમદાવાદમાં બદલો લેવા વટવાના શ્યામા પ્રસાદ મુખર્જી નગરમાં સરાજાહેર 4 રાઉન્ડ ફાયરિંગ થયાની ફરિયાદ નોંધાઈ છે. ઇમરાન ઉર્ફે કડિયા નામના આરોપી સામે ફાયરિંગનો આક્ષેપ કરાયો છે. ઇમરાન સહિત 3 જેટલા શખ્સોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો હતો. ખંડણીના ગુનામાં 2 વર્ષ બાદ છૂટતા બદલો લેવા ફાયરિંગ કર્યું છે. પોલીસે ઇમરાન કડિયા સામે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
આરોપી સામે આર્મ્સ એક્ટ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઇ છે. ઉલ્લેખનીય છે, સાહિસ્તા બાનુ નામની મહિલાએ આરોપી ઇમરાન કડિયા સામે અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ આરોપીને 2 વર્ષની જેલ થઇ હતી. જોકે, હવે જેલથી છૂટ્યા બાદ આરોપીએ બંદૂક અને તલવાર સાથે આવીને જીવલેણ હુમલો કર્યાનો આરોપ લગાવ્યો છે. ઇમરાન સહિત 3 શખ્સોએ 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાનો આક્ષેપ છે. હાલ, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
-
અમદાવાદ મનપા ડ્રેનેજની સમસ્યા દૂર કરવા નવા સુપર સકર મશીનની ખરીદશે
અમદાવાદ મનપા હવે ડ્રેનેજ લાઇનોને ડી ચોકિંગ અને ડ્રેનેજ ડિસિલ્ટીંગ માટે 6 નવા સુપર સકર મશીનની ખરીદી કરાશે. મહત્વનું છે કે વોટર કમિટીમાં 7 નવા સુપર સકર મશીન ખરીદી 7 વર્ષ મેન્ટેનન્સ માટે કામગીરી ખાનગી કંપનીને સોંપવાની દરખાસ્ત કરાઈ હતી. જે વોટર કમિટીએ નામંજૂર કરી હતી. 7 નવા સુપર સકર મશીન ખરીદી 7 વર્ષ માટે મેન્ટેનન્સ કરવા 50 કરોડનો ખર્ચ થવાનો હતો. જે મામલે વોટર કમિટી માં વિવાદિત કામને મંજૂરી નથી મળી. મનપા દ્વારા હવે 6 નવા સુપર સકર મશીનની ખરીદી કરાશે અને 15 વર્ષ સુધી મેન્ટેન થાય તે પ્રમાણે એજન્સીને કામ સોંપવામાં આવશે. હાલ અમદાવાદ મનપા પાસે કુલ 14 સુપર સકર મશીન છે. જેનાથી શહેરમાં ડ્રેનેજ ડિસલ્ટીંગની કામગીરી કરાઈ રહી છે..
-
પોલીસ વડાની ઉપસ્થિતિમાં પોલીસ-સરપંચ પરિસંવાદ
અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા સરપંચો સાથે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. પોલીસ વડાએ સરપંચો સાથે સંવાદ કરી ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસની કામગીરી અને સેવાઓ વિશે માહિતી આપી હતી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ અમદાવાદ ગ્રામ્ય પોલીસને વધુ અસરકારક અને મજબૂત બનાવવાનો છે. આ માટે ગ્રામજનોની મદદ ખૂબ જરૂરી છે. તો પોલીસ 24 કલાક લોકોની સેવામાં તત્પર રહે છે તેવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. રાજ્યમાં પોલીસ અને ગ્રામજનો વચ્ચે સંકલન વધારવાના પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવે છે. 650થી વધુ પોલીસ મથકોમાં ગામના આગેવાનો અને સરપંચો સાથે પોલીસે સંવાદનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
-
ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ નહીં મળે પ્રવેશ
ગુજરાત યુનિવર્સિટીમાં બે દિવસ પ્રવેશ બંધી જાહેર કરવામા આવી છે. 11 અને 12 ઓગસ્ટના રોજ યુનિવર્સિટીમાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. 11 ઓગસ્ટે યુનિવર્સિટીમાં ખાસ પદવીદાન સમારોહનું આયજન કરવામાં આવ્યુ છે. 12 ઓગસ્ટે PHD ની પ્રવેશ પરીક્ષાનું કારણ આપી રજા અને પ્રવેશબંધી જાહેર કરવામાં આવી છે. PHD પરીક્ષા અને કોન્વોકેશનના કારણે ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે. સંલગ્ન કામ સાથે ના જોડાયેલ સ્ટાફ અને વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરાઈ છે. NSUI નો દાવો કે EC મેમ્બરના ભ્રષ્ટાચાર મામલે દેખાવ ના થાય એ માટે પરિપત્ર કરાયો છે. બે EC મેમ્બર વિવાદમાં આવ્યા બાદ NSUI ના વિરોધ નો યુનિવર્સિટીના સત્તાધિશોને ડર લાગી રહ્યો છે.
-
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પૂજા અર્ચના સાથે મહાઆરતી ઉતારવામાં આવી
વિશ્વ સિંહ દિવસ નીમિતે ગુજરાત સૌરાષ્ટ્ર ભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા રેન્જમાં આવેલ ભેરાઈ ગામ નજીક રેલવે ટ્રેક પાસે આવેલ સિંહ સ્મારક મંદિર આવેલુ છે. અહીં સિંહપ્રેમીઓ અને ગ્રામજનોના સહિયારા પ્રયાસથી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અહીં સિંહના મંદિરમાં પૂજા અર્ચના, સિંહ ચાલીસા, મહા આરતી, ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું હતું અહીં રાજુલા અને જાફરાબાદ બંને રેન્જ વનવિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને અહીં સ્થાનિક લોકો માનતા પણ રાખી શ્રદ્ધા સાથે અહીં મંદિર આવતા હોય છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં ટ્રેન હડફેટે 2 સિંહણના કમકમાટી ભર્યા મોત થયા હતા. આ મોત બાદ સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સ્થાનિક ખેડૂત લોકો આગળ આવ્યા અને ખેડૂત ભેરાઈ ગામના હરસુરભાઈએ કિંમતી જમીન મંદિર માટે દાનમા આપી. જેમાં સિંહપ્રેમીઓ, પર્યાવરણ પ્રેમીઓ સ્થાનિક લોકોના પ્રયાસથી અહીં સિંહ સ્મારક મંદિર ઉભું કરવામાં આવ્યું હતું.
-
નવસારીમાં વિરામ બાદ વાતાવરણમાં પલટો
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમલસાડ અને સરીબુજરંગ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો. વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી દિવસોમાં જિલ્લામાં વધુ વરસાદ પડી શકે છે.
-
સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની કરાઈ ઉજવણી
આજે 10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. રાજ્યના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી. વાત કરીએ અમરેલીની તો.. સાવરકુંડલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. ઉજવણીના ભાગરૂપે ભવ્ય રેલી યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં બાળકો પણ જોડાયા હતા અને રેલી થકી લોકોને સિંહ બચાવો અંગે માર્ગદર્શિત કર્યા હતા. તો આ તરફ બોટાદમાં પાલિકા સંચાલિત શાળાના વિદ્યાર્થીઓએ ગઢડા રોડ પર નાગલપર દરવાજાથી ગુરૂકુળ સુધી રેલી યોજવામાં આવી હતી. રેલીમાં વન વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
-
રાજકોટમાં પેટ્રોલ પંપ ઉપર સિગારેટ પિવાની ના પડતા છરી વડે કર્યો હુમલો
રાજકોટમાં કોઠારીયા ગામ પાસે આવેલ ધનલક્ષ્મી પેટ્રોલપમ્પ ખાતે એક વ્યક્તિ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડવાનો બનાવ બન્યો છે. પેટ્રોલ પમ્પમાં સિગારેટ પીવાની ના પાડતા અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે છે. પેટ્રોલ પમ્પના સ્ટાફ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી છે. સમગ્ર મામલાને લઈને આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અમનભાઈ ફિરોજભાઈ પઢીયાર એ ફરિયાદ નોંધાવી છે.
-
હવામાન વિભાગે આગામી 24 કલાક માટે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઈને જાહેર કર્યું ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ આગામી 24 કલાકને લઈને આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કર્યું છે. ભરૂચ, સુરત, તાપી, નર્મદામા યેલો અલર્ટ સાથે હળવા વરસાદની આગાહી કરાઈ છે. નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીના ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વલસાદની આગાહી કરવામાં આવી છે. 12 -14 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ના ખેડવા સૂચના આપવામાં આવી છે. અપરએર સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરાઈ છે. 14 ઓગસ્ટથી શરુ થનારા અઠવાડિયે ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક ભાગોમા ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે.
-
ભાજપે પ્રવક્તા કૃષ્ણ કુમાર જાનુને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા
ભારતીય જનતા પાર્ટીના રાજસ્થાન એકમે, રાજ્ય પ્રવક્તા કૃષ્ણ કુમાર જાનુને છ વર્ષ માટે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. જાનુ દ્વારા કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પર પ્રશ્નો ઉઠાવવાને કારણે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જાનુએ સ્વર્ગસ્થ ભૂતપૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિક પ્રત્યેના અપમાનજનક વર્તન બદલ ભાજપ સરકારની આકરી ટીકા કરી હતી.
-
પીએમ મોદીએ બેંગલુરુથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી દર્શાવી કરાવ્યું પ્રસ્થાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગલુરુમાં ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોને લીલી ઝંડી આપી, જે પ્રાદેશિક જોડાણમાં સુધારો કરશે. તેઓ આજે બેંગલુરુ મેટ્રોની યલો લાઇનનું પણ ઉદ્ઘાટન કરશે, જે શહેરના મેટ્રો નેટવર્કને 96 કિમીથી વધુ લંબાઈ સુધી લઈ જશે. આમાં બેંગલુરુથી બેલગામ, અમૃતસરથી માતા વૈષ્ણો દેવી કટરા અને નાગપુર (અજની) થી પુણે સુધીની હાઇ-સ્પીડ ટ્રેનોનો સમાવેશ થાય છે.
-
વડોદરાના જેતલપુર વિસ્તારની ખાનગી હોટલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો
વડોદરાના જેતલપુર વિસ્તારની ખાનગી હોટલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો છે. ગત 1 તારીખથી જેતલપુર વિસ્તારમાં આવેલ નીલમ ગેસ્ટ હાઉસમાં રહેતો હતો યુવક. યુવકનું નામ આશિષ દક્ષેશભાઈ પટેલ (ઉંમર વર્ષ 31) હોવાનું સામે આવ્યું છે. યુવક સુરતના ઓલપાડનો હોવાનું પણ સામે આવ્યું છે. યુવક અમદાવાદ નોકરી માટે આવ્યો હતો ત્યાં રહેવાની વ્યવ્સ્થા ના થતા વડોદરામાં રોકાયો હતો. યુવકનું મોત કયા કારણોસર થયું તે પોસ્ટમોર્ટમ બાદ ખબર પડશે. હાલમાં ગોત્રી હોસ્પિટલમાં યુવકના મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે. યુવક રૂમમાંથી બહાર ના નીકળતા હોટલ સંચાલકે પોલીસને જાણ કરી હતી. હાલમાં યુવકનું મોત કયા કારણો સર થયું તે દિશામાં પોલીસે તપાસ કરી રહી છે.
-
પાલનપુર – આબુ હાઇવે પરના ખીમાણા ટોલ પ્લાઝાના વિરોધમાં 18મીએ રોડ પર ઉતરશે ખેડૂતો
પાલનપુર – આબુ હાઇવે પર આવેલ ખીમાણા ટોલ પ્લાઝાને લઈને ખેડૂતોએ વિરોધ કર્યો છે. ટોલ પ્લાઝાની આજુબાજુના ગામડાઓમાં રહેતા ખેડૂતો પાસેથી ટોલટેક્સ વસુલવામાં આવે છે. ભારતીય કિસાન સંઘની આગેવાનીમાં ટોલ પ્લાઝાની આજુબાજુ વસતા ખેડૂતોની બેઠક મળી હતી. ટોલપ્લાઝા પર ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ વસુલવામાં આવતા આગામી સમયમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે. ટોલ પ્લાઝાથી 20km ના વિસ્તારમાં રહેતા ખેડૂતો પાસેથી ટોલ ટેક્સ ન વસુલવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. ટોલ પ્લાઝાની આજુબાજુ વસતા ખેડૂતો માટે સર્વિસ રોડ આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે. આ તમામ માંગોને લઈને આગામી 18 તારીખે ખેડુતો રોડ પર ઉતરી કરશે વિરોધ.
-
અમદાવાદમાં મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી-તેના પિતાએ, કોંગ્રેસ વોર્ડ પ્રમુખને ફડાકા ઝીંક્યા !
અમદાવાદ કોંગ્રેસનો આંતરિક કલેશ લાફાકાંડમાં પરિણમ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસમાં સંગઠન સૃજનની સેન્સ પ્રક્રિયા દરમિયાન મહિલા કોર્પોરેટરે, તેમના પિતાની સાથે વોર્ડ પ્રમુખને લાફા માર્યા હોવાનો આક્ષેપ થતા જ હોબાળો મચી જવા પામ્યો છે. ચાંદખેડા વોર્ડની સંગઠન સર્જન અભિયાન હેઠળ ચાલતી હતી બેઠક. આ દરમિયાન ચાંદખેડાના વોર્ડ પ્રમુખ અમિત પટેલ સાથે મારપીટ થઈ હોવાનુ કહેવામાં આવી રહ્યું છે. વોર્ડના સભ્યોએ અમિત પટેલને જ પ્રમુખપદે યથાવત રાખવા અભિપ્રાય આપ્યા બાદ લાફાકાંડનો બનાવ હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ અમિત પટેલે, ચાંદખેડા કોંગ્રેસના મહિલા કાઉન્સિલર રાજશ્રી કેસરી અને તેમના પિતા પર આરોપ લગાવ્યો હતો. રાજશ્રી કેસરી અને તેમના પિતાએ માર્યો લાફો. પ્રદેશના નિરીક્ષકોની હાજરીમાં કરાઇ મારમારી. વોર્ડ પ્રમુખની નિમણૂકને લઇ ચાલી રહી છે પ્રક્રિયા. સમગ્ર મામલો પ્રદેશ નેતાઓ પાસે પહોચ્યો છે.
-
લાંબા સમયના વિરામ બાદ નવસારી જિલ્લામાં સર્જાયો વરસાદી માહોલ
હવામાન વિભાગની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના વાતાવરણમાં પલટો આવ્યો છે. લાંબા સમયના વિરામ બાદ ફરીથી જામ્યો છે વરસાદી માહોલ. ગણદેવી તાલુકામાં આવેલા અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. લાંબા સમયના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
-
સુરતમાં તબેલામાં સંતાડેલો લાખોનો વિદેશી દારુ-બિયરનો જથ્થો ઝડપાયો
સુરતમાં દૂઘાળા પશુઓના તબેલામાં સંતાડેલો લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારુ-બિયરનો જથ્થો ઝડપાયો છે. સચિન પોલીસે તબેલામાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂના જથ્થા સાથે આરોપી અક્ષય ધીરૂભાઇ પટેલને પણ ઝડપી પાડ્યો છે. જો કે, વિદેશી દારૂનો જથ્થો આપી જનાર હીતેષ પટેલને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસને આરોપી પાસેથી રૂપિયા 25 લાખથી વધુનો વિદેશી દારૂ અને બીયરનો જથ્થો મળી આવ્યો છે. આરોપીએ તબેલાના મૂકવામાં આવેલ ઘાસની આડમાં દારૂ અને બીયરનો જથ્થો સંતાડી રાખ્યો હતો.
-
વલસાડમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
વલસાડ તાલુકામાં મેઘરાજાની વહેલી સવારથી ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. વલસાડ શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેરના એમ.જી રોડ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજાર, ખત્રીવાળ તિથલ રોડમાં વરસાદી પાણી ભરાયા છે. ઘુટણ સમાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. છીપવાડ હનુમાન મંદિર પાસે પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદમાં શહેરના વિવિધ માર્ગો નદીમાં પરિવર્તન થતા જોવા મળ્યા છે.
-
દાણચોરીથી લવાયેલ રૂપિયા 78 લાખનું સોનુ અમદાવાદ એરપોર્ટથી ઝડપાયું
અમદાવાદ એરપોર્ટ પર 78 લાખનું સોનું જપ્ત કરાયું છે. દુબઇથી આવેલા મુસાફર પાસેથી 750.70 ગ્રામ સોનું પકડાતા ધરપકડ કરવામાં આવી છે. એરપોર્ટ ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) ને શંકા જતા આરોપીની તપાસ કરતા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા. મુસાફર પગના મોજાંમાં છુપાવીને સોનાના બિસ્કિટ લાવ્યો હતો.
-
વેરાવળ કોર્ટ પરિસરમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનારનું સારવાર દરમિયાન મોત
ગીર સોમનાથના વેરાવળ કોર્ટમાં આત્મ વિલોપનનો પ્રયાસ કરનાર યુવકનું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું છે. ગત 22 જુલાઈના બપોરે વેરાવળ કોર્ટ પરિસરમાં જ્વલનશીલ પ્રદાર્થ છાંટી યુવકે આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. વેરાવળના અસ્ફાક ગફાર પંજા નામના 32 વર્ષીય યુવકનું સારવાર દરમ્યાન મોત થયું છે. સ્ફાક ગફાર પંજા ઉપર Ndps કેસનો આરોપ હતો.
-
મોડાસા બાયપાસ સ્ટેટ હાઇવે પર પુલ પરથી કાર માઝૂમ નદીમાં ખાબકીના કેસમાં વધુ એકનુ મોત, મૃત્યુઆંક 4 ઉપર પહોંચ્યો
સાબરકાંઠાના મોડાસા બાયપાસ સ્ટેટ હાઇવે પરથી કાર માઝૂમ નદીમાં ખાબકી હતી. જેમાં સવાર ચાર પૈકી 3ના ઘટનાસ્થળે જ મોત થઈ ગચા હતા. આજે સારવાર દરમિયાન વધુ એકનુ મોત થયું છે. મૃતકો મોડાસાની ખાનગી સ્કૂલની સંસ્થાના ટ્યુશન શિક્ષણ માટે શિક્ષક હોવાની પ્રાથમિક વિગત સામે આવી છે. મૃતક પૈકી બે રાજસ્થાનના હોવાની વિગત સામે આવી છે.
Published On - Aug 10,2025 7:23 AM