05 જૂનના મહત્વના સમાચાર : રાજ્યમાં વધી રહ્યા છે કોરોનાના આંકડા, અમદાવાદમાં આજે નોંધાયા વધુ 70 કેસ, દેશમાં સૌથી વધુ કેસમાં ગુજરાત ત્રીજા નંબરે
આજે 05 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 05 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
11 જૂન સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસાએ એવી બ્રેક મારી છે કે હવે ખેડૂતો પણ ચોમાસાને લઈને ચિંતામાં છે. ત્યારે હવામાન વિભાગે ખેડૂતોનો થોડી રાહત થાય તેવી આગાહી કરી છે. જેમાં હવામાન વિભાગનું કહેવું છે કે અરબી સમુદ્રમાંથી આવતા ભેજને લીધે. હાલ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદની શક્યતા સેવાઈ રહી છે. જેમાં
- 11 જૂન સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી
- દ. ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદના એંધાણ
- સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં પણ વરસાદની શક્યતા
- ઉ. ગુજરાત, મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી
- ગાજવીજ, પવન સાથે વરસાદનું અનુમાન
એટલે સમગ્ર ગુજરાતમાં આગામી સાત દિવસ ગાજવીજ અને પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. અમદાવાદ-ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે. જો કે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 8 જૂન બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે. કારણ કે હાલ ચોમાસું મહારાષ્ટ્રમાં જ અટકેલું છે.
-
વિશ્વ પર્યાવરણ દિવસે CMએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા કરી અપીલ
વિશ્વ પર્યાવરણ દિવસને લઇ CM ભૂપેન્દ્ર પટેલે લોકોને પાઠવ્યો સંદેશ. લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા કરી અપીલ. ગાંધીનગર ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં કહ્યું કે પ્લાસ્ટિકની વસ્તુઓ આવનારી પેઢી માટે ગંભીર સમસ્યા બની શકે છે. પ્લાસ્ટિકથી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઇ રહી છે. જે લોકોએ સમજવું જોઇએ. ઉપરાંત, ખાદ્ય વસ્તુઓમાં વપરાતું મલ્ટીલેયર પ્લાસ્ટિક પણ ગંભીર બાબત છે. જેથી રાષ્ટ્ર રક્ષા સાથે પર્યાવરણનું જતન કરવું પણ જરૂરી છે. મહત્વનું છે, CMએ સચિવાલયમાં 4 હજાર રોપા સાથે માતૃવનનો પ્રારંભ કરી પ્લાસ્ટિકના દૂષણનો અંત લાવવા કહ્યું.
-
-
વિસાવદરની પેટાચૂંટણીમાં ઈમોશનલ કાર્ડની થઈ એન્ટ્રી
વિસાવદર બેઠકની પેટાચૂંટણીમાં હવે ઈમોશનલ કાર્ડની એન્ટ્રી. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ખેડૂતોને ભાવુક અપીલ. બે દિવસ પહેલા ભેંસાણમાં ચૂંટણી સંબોધન વખતે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ ખેડૂતોની વાત કરતી વખતે ભાવુક થયા હતા. કિરીટ પટેલે કહ્યું હતું કે ઝેર પીને મરીશ પણ જિંદગીમાં ક્યારેય ખેડૂતોના રૂપિયા નહીં લઉ અને આ શબ્દો કહેતી વખતે કિરીટ પટેલની આંખ ભીંજાઈ હતી.
કિરીટ પટેલના આ ભાવુક નિવેદન બાદ હવે રાજનીતિ ગરમાઈ છે. AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ કિરીટ પટેલ પર નિશાન સાધતા કહ્યું કે કિરીટ પટેલ ખોટા આંસુ સારે છે. કૌભાંડના કારણે લોકોએ જીવ ગુમાવ્યા છે. સાથે ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હારવાના ડરથી કિરીટ પટેલ મગરના આંસુ સારે છે. તેમને પહેલા કેમ ખેડૂતોની વેદના દેખાઈ નહીં.
-
બનાસકાંઠાના આ ગામમાં એકપણ વાર નથી યોજાઈ ગ્રા.પંચા.ની ચૂંટણી
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે. લોકો સરપંચ બનવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં કોઇપણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત છે. આ વાત છે પાલનપુર તાલુકાનું ગઠામણ ગામની. જે કોમી એકતાની મિસાલ છે. આ ગામમાં આઝાદીથી આજ સુધી એકપણ વાર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ નથી. ગામમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો રહે છે. ગામમાં દર પાંચ વર્ષે સરપંચની નિમણૂક સર્વસંમતિથી થાય છે.
-
જગન્નાથજીની યાત્રા પૂર્વે રથના કલર કામની કામગીરી પૂર્ણ
ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ. ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રાજીના ત્રણેય રથના કલરની કામગીરી પુરી થઈ ચૂકી છે. ત્રણેય રથને અલગ કલરથી સજાવવામાં આવ્યા છે.. દરેક રથમાં કલરનું અલગ મહત્વ રહેલું છે. ભગવાન જગન્નાથનો નંદીઘોષ તરીકે ઓળખાતો રથ જે સૂર્યનું પ્રતીક ગણાય એવા પીળા કલરનો કરવામાં આવ્યો છે. જ્યારે બહેન સુભદ્રાજીનો દેવદલન તરીકે ઓળખાતો રથ લાલ રંગથી સજાવવામાં આવ્યો છે.
-
-
દ્વારકાઃ ગોમતી ઘાટ પર નહાવા પડેલા 6 લોકો ડૂબ્યા
- દ્વારકાઃ ગોમતી ઘાટ પર નહાવા પડેલા 6 લોકો ડૂબ્યા
- ડૂબી જતા એક યુવતીનું મોત, 5નો બચાવી લેવાયા
- પાલિકાની રેસ્ક્યૂ ટીમે તમામ લોકોનું કર્યું રેસ્ક્યૂ
- રેસ્ક્યૂ કરાયેલા તમામને હોસ્પિટલ ખસેડાયા
- તમામ લોકો જામનગરના વતની હોવાની માહિતી
-
રાજકોટમાં જન્માષ્ટમીના મેળાને લઈને વિવાદ
રાજકોટમાં લોકામેળાનાં સ્થળ અંગે જિલ્લા વહીવટી તંત્રની જાહેરાત છતાં સ્થિતિ ચકડોળે ચઢી હોય તેવી છે. જિલ્લા વહિવટી તંત્રએ ગઇકાલે પ્રેસનોટ દ્વારા રેસકોર્સ ખાતે જ મેળો યોજાશે તેવી જાહેરાત કરી હતી.જો કે ધારાસભ્ય દર્શિતા શાહનો હઠાગ્રહ છે કે લોકમેળો નવા રેસકોર્સ નજીક યોજાય. હાલની સ્થિતિમાં સરકારી ગ્રાન્ટ અને સમયના અભાવે નવા રેસકોર્ષમાં મેળો યોજાવવાનાં એંધાણ નથી. સૌરાષ્ટ્રનાં સૌથી મોટા તહેવાર ગણાતા સાતમ આઠમનાં મેળામાં ધબડકો ન થાય એટલે અગમચેતી રૂપે જૂના રેસકોર્સમાં મેળાની તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે પણ સ્પષ્ટતા કરી છે કે, સ્થળને લઈને અમે હજુ કાર્યવાહી કરી રહ્યા છીએ, પરંતુ મેળાને લઈ તમામ તૈયારીઓ શરૂ થઇ ગઇ છે.
-
ભાવનગર: પતિએ જ પત્નીને ઉતારી મોતને ઘાટ
- ભાવનગર: પતિએ જ પત્નીને ઉતારી મોતને ઘાટ
- પાલીતાણાના શક્તિનગર વિસ્તારની ઘટના
- પત્ની પર શંકા હોઈ પતિએ ખેલ્યો ખૂની ખેલ
- ઘટનાની જાણ થતાં PI, PSI સહિતનો કાફલો પહોંચ્યો હતો ઘટનાસ્થળે
- પાલીતાણા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ
- પત્નીના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરાઈ
-
વિસાવદરમાંથી બે અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ
વિસાવદર બેઠક પર જામેલા પેટાચૂંટણીના જંગમાં ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો આજે અંતિમ દિવસ છે ત્યારે, મૂળ સિહોરના અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનાર પતિ-પત્નીએ અંતિમ ઘડીએ પોતાનું ફોર્મ પરત ખેંચી લીધુ છે. સિહોરના દંપતી અનિલ ચાવડા અને કલ્પના ચાવડાએ અપક્ષમાંથી ફોર્મ ભર્યું હતું. દંપતીએ સ્વેચ્છાએ ફોર્મ પરત ખેંચ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી તરફ અપક્ષ ઉમેદવાર દલસુખ હિરપરાએ પણ ફોર્મ પરત ખેચ્યું છે.
-
સુરતઃ કામરેજમાં શ્વાનના હુમલામાં ગુમ બાળકીનો હજુ પત્તો નહીં
- સુરતઃ કામરેજમાં શ્વાનના હુમલામાં ગુમ બાળકીનો હજુ પત્તો નહીં
- 36 કલાક બાદ પણ નથી મળી બાળકીની ભાળ
- ગીચ ઝાડી ઝાંખરામાં ડ્રોન ઉડાવી કરાઈ તપાસ
- અત્યાર સુધીમાં બાળકીની ફક્ત લેગિંગ્સ મળી આવી
- પોલીસે ડૉગ સ્કવૉડ, FSL અને ફાયર ટીમની પણ મદદ લીધી હતી
- વાવ ગામે એક વર્ષની બાળકીને શ્વાન ઊંચકી ગયો હતો
- પેટીયું રળવા આવેલા શ્રમજીવી પરિવારની દીકરીને શ્વાન ખેંચી ગયો હતો
-
ગાંધીનગરઃ પથિકા રોડ પર અકસ્માતમાં યુવકનું મોત
- ગાંધીનગરઃ પથિકા રોડ પર અકસ્માતમાં યુવકનું મોત
- કાર અને ટુ-વ્હીલર વચ્ચે સર્જાયો અકસ્માત
- કાર અને મોપેડ વચ્ચે ટક્કર થતા ટુ-વ્હીલર ચાલકનું મોત
- મનપાના ફાયર વિભાગમાં કામ કરતા 22 વર્ષીય યુવકનું મોત
- કાર પર RTOનું બોર્ડ લગાવેવું હોવાનો દાવો
-
બનાસકાંઠામાં જમીન વળતર મુદ્દે ખેડૂતોમાં ફેલાયો રોષ
થરાદથી અમદાવાદના એક્સપ્રેસ હાઇવેને લઈ બનાસકાંઠાના ખેડૂતોમાં રોષ ફેલાયો છે. કારણ છે, હાઈવેના કપાતમાં જતી જમીનના બદલામાં યોગ્ય વળતર ન મળવું. દિયોદર, થરાદ અને કાંકરેજના ખેડૂતોએ આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર સોંપી રજૂઆત કરી. સૂત્રોચ્ચાર સાથે પહોંચેલા ખેડૂતોની રજૂઆત છે કે, સરકારના વિકાસ સામે વાંધો નથી. પરંતુ પૂરતું વળતર મળવું જોઈએ. થરાદ-અમદાવાદ એક્સપ્રેસ હાઇવેમાં ખેડૂતોની કિંમતી જમીન કપાતી હોવા છતાં 2011 પ્રમાણે જંત્રીના ભાવ અપાય છે. તેના બદલે વર્ષ 2025ના નવા જંત્રી ભાવ પ્રમાણે ચુકવણું કરવાની ખેડૂતોએ માગ કરી. સરકાર યોગ્ય નિરાકરણ ન લાવે તો પગપાળા ગાંધીનગર કૂચ કરવાની પણ ચીમકી ઉચ્ચારી.
-
સુરત: હોળી બંગલા વિસ્તારમાં ગેલેરી તૂટી
સુરત: હોળી બંગલા વિસ્તારમાં ગેલેરી તૂટી પડી. જૂની ઈમારતની ગેલેરી અચાનક તૂટી પડી. ગેલેરી તૂટી પડતા અફરાતફરી સર્જાઈ છે. ઘટનામાં એક વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયો છે. ત્રણ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ પર પહોંચી રાહત અને બચાવ કામ કરી રહી છે.
-
અયોધ્યામાં પરિવાર સાથે વિરાજ્યા રામ
આજે, ઉત્તર પ્રદેશના અયોધ્યામાં, રામ દરબાર અને ગર્ભગૃહના ચાર ખૂણામાં બનેલા અન્ય મંદિરોમાં સાત મૂર્તિઓનો અભિષેક થવા જઈ રહ્યો છે. અયોધ્યા અને કાશીના 101 વૈદિક આચાર્યો આ અભિષેક વિધિ પૂર્ણ કરશે.
-
મોરબીઃ રફાળેશ્વર GIDCમાં પડી જતા બે યુવકોના મોત
મોરબીઃ રફાળેશ્વર GIDCમાં પડી જતા બે યુવકોના મોત થયા છે. ફેક્ટરીમાં કામ કરતી વખતે પતરાના શેડ પરથી યુવકો પડ્યા. કલર કંપનીમાં કોઈપણ સેફ્ટી વગર ઊંચાઈએ બંને કામ કરતા હતા. મોરબી તાલુકા પોલીસે બંનેના મોત અંગે તપાસ શરૂ કરી.
-
દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4,866 થયા
દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશમાં કોરોનાના એક્ટિવ કેસ 4,866 થયા. 24 કલાકમાં કોરોનાથી 7 દર્દીના મોત થયા છે. દેશમાં સૌથી વધુ કેરળમાં કોરોનાના 1,487 કેસ છે. તો દિલ્લીમાં 562 અને પશ્ચિમ બંગાળમાં 538 એક્ટિવ કેસ છે. 24 કલાકમાં મહારાષ્ટ્રમાં કોરોનાથી 3 લોકોના મોત થયા છે.
-
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો
રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા. મારૂતિનગર,અંબિકાટાઉનશીપ,રેસકોર્ષ,ગણેશ પાર્ક,સંતોષીનગર,રાજહંસ સોસાયટી સહિતના વિસ્તારોમાં કેસ સામે આવ્યા. શહેરમાં અત્યાર સુધીમાં 68 પોઝિટિવ કેસ સામે આવ્યા. હાલમાં 43 એક્ટિવ કેસ છે. 25 દર્દીઓ કોરોનામુક્ત થયાં છે.
-
અમેરિકાએ 12 દેશોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
અમેરિકાએ 12 દેશોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો. તો 7 દેશોના લોકો પર આંશિક પ્રતિબંધ લગાવ્યો. અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કાંગો, એક્વેટોરિયલના લોકો પર પ્રતિબંધ લગાવ્યા. ગિની, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સૂડાન, યમનના લોકોનો સમાવેશ પણ થાય છે. રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખીને ટ્રંપ સરકારે નિર્ણય લીધો. બુરંડી, ક્યૂબા, લાઓસ, સિએરા, લિયોન પર આંશિક પ્રતિબંધ લગાવાયો. ટોગો, તુર્કમેનિસ્તાન, વેનેઝુએલાના લોકો પર પણ આંશિક પ્રતિબંધ લગાવાયો.
-
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો
ઉત્તર ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. 8:10 કલાકે 2.9 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાધનપુરથી 37 કિમી દૂર છે.
-
રાજ્યમાં વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી 6 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્ચતા છે. હવામાન વિભાગની માનીએ તો, વલસાડ, નવસારી, સુરત અને ડાંગમાં ધોધમાર વરસાદની શક્યતા છે.. સાથે જ દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે.. તો આ તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની વકી છે. આપને જણાવી દઇએ કે, અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ યથાવત રહેશે.
Published On - Jun 05,2025 7:54 AM