3 ફેબ્રુઆરીના મહત્વના સમાચાર : અમરેલીના બોગસ લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ મેદાનમાં ઝંપલાવ્યું
આજે 03 ફેબુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 03 ફેબુઆરીને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદના વેજલપુરમાં યુવાનની છરીના ઘા મારીને કરાઈ હત્યા
અમદાવાદના વેજલપુરના ફતેવાડી વિસ્તારમાં નજીવી બાબતે હત્યાનો બનાવ બનવા પામ્યો છે. ફતેવાડીના 27 વર્ષીય શેઝાન નાશીર હુસેન કુરેશીની હત્યા કરવામાં આવી છે. શેઝાને મજાક મસ્તી કરવાની મનાઇ કરતા આરોપીએ છરી મારીને હત્યા નીપજાવી હતી. શેઝાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ. વેજલપુર પોલીસે અયાન અનીસ મિયાં પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
-
અમરેલીના બોગસ લેટરકાંડ મુદ્દે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ મેદાનમાં ઝંપલાવ્યું
અમરેલીના બોગસ લેટરકાંડ મુદ્દે દિલીપ સંઘાણી બાદ હવે પૂર્વ સાંસદ નારણ કાછડીયાએ પણ મેદાનમાં ઝંપલાવ્યું છે. નારણ કાછડીયાએ કહ્યું કે, ઘણા નેતાઓનો જન્મ પણ નહોતો થયો ત્યારે દિલીપ સંઘાણી સર્વેસર્વા હતા. દિલીપ સંઘાણીએ કરેલા સવાલો જનતાના સવાલો છે. તે સાચા છે અને હુ પણ આ સવાલનો જવાબ માંગુ છુ. મનીષ વઘાસીયાએ વટાણા વેરી નાખ્યા છે ત્યારે હવે જાહેર કરવું જોઈએ કે કોના કહેવાથી, કોને પતાવવા માટે આ આખી ગેમ રમાઈ છે. મારો પણ નાર્કોટેસ્ટ કરાવવો જોઈએ. મે જ પહેલા લેટરકાંડની જાણ ભાજપના પ્રદેશ મહામંત્રી રત્નાકર, પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ, અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને કરી હતી.
-
-
કેન્દ્રીય બજેટમાં રેલવે અંતર્ગત, ગુજરાતને રુપિયા 17155 કરોડની વિક્રમી ફાળવણી
કેન્દ્રીય બજેટમાં રેલવે વિભાગ અંતર્ગત ગુજરાતમાં રેલવેની વિવિધ કામગીરી માટે રૂપિયા 17,155 કરોડની ફાળવણી કરવામાં આવી છે. 2014 પહેલા ગુજરાતને રેલવે બજેટમાં મળતી ફાળવણી કરતાં આ વખતે 29 ગણી વધુ ફાળવણી થઈ હોવાનો દાવો રેલવે વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં સમાવેશ થતા ગુજરાતમાં 87 નવા સ્ટેશન બનાવી મુસાફરોની સુવિધા વધારાશે.
-
સોનિયા ગાંધી સામે કાર્યવાહી કરવા ભાજપ દ્વારા વિશેષાધિકાર ભંગની નોટિસ
કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની રાષ્ટ્રપતિ વિશેની ટિપ્પણીએ સંસદમાં નવો વિવાદ ઊભો કર્યો છે. ભાજપના આદિવાસી સાંસદોએ, રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને સોનિયા ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની કાર્યવાહી કરવા માટે નોટિસ આપી છે. સાંસદોએ માંગ કરી છે કે, સોનિયા ગાંધીના નિવેદન સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.
-
જાણીતા લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવી ડાયરાના કાર્યક્રમમાં નહીં લે ભાગ
ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયક, લોક સાહિત્યકાર પદ્મશ્રી ભીખુદાન ગઢવીએ ડાયરાના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવાનો નિર્ણય કર્યો છે. વધતી જતી ઉંમરને લઈને ભીખુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે, હવે બાકીની જીંદગીમાં પ્રભુ ભજન કરવા છે. તેઓએ ડાયરાના કાર્યક્રમોમાં ભાગ નહીં લેવા, ડાયરાના મંચ પર નહીં જવાનુ જણાવ્યું છે.
-
-
મોરબીમાં હડકાયા શ્વાનનો આતંક, 10 લોકોને ભર્યા બચકા
મોરબીના નવલખી રોડ પર આવેલ રામ ઓર શ્યામ પાર્ક સોસાયટી, કુબેર નગર સહિતના આસપાસના વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. જેમાં આજના દિવસ દરમિયાન બપોર સુધીમાં આ શ્વાને મહિલા પુરુષો સહિત દસ થી વધુ લોકોને નિશાન બનાવ્યા છે. સાથે જ અન્ય શ્વાન, ગૌવંશને પણ બચકા ભર્યા છે.
-
સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં નવા સિટી બસ ટર્મિનલનું ગૃહપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ
સુરતના સેન્ટ્રલ એસટી બસ સ્ટેશનની બાજુમાં 5000 ચો.મીટર જગ્યામાં મનપા સંચાલિત BRTS અને સિટી બસ સેવા માટે નવા સિટી બસ ટર્મિનલનું વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું હતું. સુરત રેલવે સ્ટેશન ખાતે SITCO દ્વારા રેલવે સ્ટેશન ડેવલપમેન્ટ કામગીરી (મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ) પ્રગતિમાં હોવાથી રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન આસપાસ ભારે ટ્રાફિકના નિવારણ માટે હયાત સિટી બસ ટર્મિનલના વિકલ્પરૂપે GSRTC સેન્ટ્રલ બસ સ્ટેશનની બાજુમાં સુરત મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને સુરત પોલીસ વિભાગની ટીમના સહિયારા પ્રયાસોથી નવું સિટી બસ ટર્મિનલ કાર્યરત કરવામાં આવ્યું છે.
-
સાઠંબા પંથકમાં ડબલ મર્ડર કેસના 2 આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
અરવલ્લીના બાયડના સાઠંબા પંથકમાં ડબલ મર્ડર કેસના 2 આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021માં બાયડના સાઠંબા પંથકમાં મહિલા અને બાળકની હત્યા કરીને મૃતદેહને અવાવરું જગ્યાએ ફેંકી દીધા હતા. હત્યા કેસમાં બે આરોપીઓને સેસન્સ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2021માં સાઠંબા પોલીસે હત્યા અને એક્ટ્રોસીટી મુજબનો ગુનો નોંધ્યો હતો. કોર્ટે બંને આરોપીઓને આજીવન કારાવાસ ઉપરાંત પચ્ચીસ-પચ્ચીસ હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
-
મતદાન પૂર્વે જ ભાજપે કચ્છની ભચાઉ નગરપાલિકા પર કર્યો કબજો
ભચાઉ નગરપાલિકાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રોની ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. ભચાઉ નગર પાલિકાની ચૂંટણી માટે કુલ 61 ફોર્મ ભરાયા હતા. ફોર્મ ચકાસણી દરમિયાન 48 ફોર્મ માન્ય રખાયા જ્યારે 15 ફોર્મ અમાન્ય રખાયા હતા. જો કે ભાજપે 21 બેઠક ઉપર બિનહરીફ વિજય થયાનો દાવો કર્યો છે. આવતી કાલે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે. આવતી કાલે ભચાઉની સમગ્ર બેઠક બિનહરીફ થઈ જવાની શક્યતા છે. ભચાઉમાં કુલ 7 વોર્ડ છે 28 બેઠક છે. ભચાઉમાં 21 બેઠક બિનહરીફ થઈ જતા ફરી એકવાર ભચાઉમાં ભાજપ શાસક નગરપાલિકા બની છે. ભાજપના રાપરના ધારાસભ્ય સહિતના આગેવાનોની હાજરીમાં ઉજવણી પણ કરવામાં આવી હતી.
-
પીએમ મોદી આવતીકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ લગભગ 5 વાગ્યે આપશે. જ્યારે, આજે સંસદમાં આ ચર્ચા દરમિયાન, શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપ સાથેની ચર્ચા જોવા મળી હતી. ત્યારે હવે સૌ કોઈ પીએમના સંબોધનની રાહ જોઈ રહ્યા છે.
-
કચ્છના ભચાઉ નજીક આવ્યો ભૂકંપનો આંચકો
કચ્છમાં ભૂકંપનો વધુ એક આંચકો આવ્યો છે. આજે સોમવારને 3 ફેબ્રુઆરીના રોજ, સાંજે 05:05 કલાકે 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 15 કિમી દૂર હોવાનું જણાવાયું છે.
-
મોરબીના ટંકારામાંથી ઝડપાયેલા હાઈપ્રોફાઈલ જુગારધામ બાદ સસ્પેન્ડ-ફરાર PI વાય કે ગોહિલની અરજીને હાઈકોર્ટે ફગાવી
મોરબીના ટંકારામાં હાઈપ્રોફાઈલ જુગાર મામલે થયેલી કાર્યવાહીનો મામલે અરજદાર પીઆઈને ફટકો પડ્યો છે. સસ્પેન્ડેડ અને ફરાર PI વાય કે ગોહિલની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે. તત્કાલીન PI યુવરાજસિંહ કિશોરસિંહ ગોહેલે ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં કરી હતી અરજી. હાઇકોર્ટે ફરિયાદ રદ કરવા કરાયેલી અરજીને ફગાવી દીધી છે. SMCના વડા DIG નિર્લિપ્ત રાય સહિતની ટીમ કાર્યવાહી દરમિયાન હાઈકોર્ટમાં હાજર રહી હતી. જુગારધામ પર દરોડા બાદ PI એ લાંચ લીધી હતી. પોલીસ કાર્યવાહી પર લાગેલા આક્ષેપો બાદ, DGP વિકાસ સહાયે સમગ્ર મામલે SMCનાં વડા નિર્લિપ્ત રાયને તપાસ સોંપી હતી.
-
વીરપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ થયું નામંજૂર, બેઠક ભાજપના ફાળે
મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થતા ભાજપના મહિલા ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 23 મુજબ તાલુકા પંચાયત મતદાન મંડળની 2021ની મતદાર યાદી હતી, જેમાં કોંગ્રેસના ઉમેદવારનું નામ ના હોવાથી ફોર્મ નામંજૂર થયું હોવાની વિગતો સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર સુમિત્રાબેન રણજીતસિંહ ઠાકોરનું ફોર્મ નામંજૂર થયું છે. ભાજપના ઉમેદવાર ભાવના પરમાર બિન હરીફ વિજયી થયા છે.
-
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોએ BJPને આપ્યો ટેકો ! મતદાન પૂર્વે જ 8 બેઠક બિનહરીફ વિજેતા જાહેર,
જૂનાગઢ મનપા ચૂંટણીમાં વોર્ડ નંબર 3 અને 14 માં કોંગ્રેસ ઉમેદવારએ ભાજપને સમર્થન આપ્યું હોવાની વિગતો સામે આવી છે. વોર્ડ 12માં કોંગ્રેસ ઉમેદવાર દિલીપ ગલે ભાજપના ઉમેદવારને સમર્થન આપ્યું છે. આજે ઉમેદવારી પત્રો ચકાસવાના આખરી દિવસે, જૂનાગઢની 60માંથી 8 બેઠક બિનહરીફ વિજેતા જાહેર થઈ છે.
-
રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું, બેરોજગારીનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી
રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંસદમાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે બેરોજગારીનો ઉકેલ હજુ સુધી મળ્યો નથી. યુપીએ સરકારમાં કે એનડીએ સરકારમાં તેનો ઉકેલ મળ્યો ન હતો. પીએમ મોદીનો ‘મેક ઇન ઇન્ડિયા’નો વિચાર સારો હતો પરંતુ તેનાથી કંઈ થયું નહીં.
-
પીએમ મોદીએ દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી
દિલ્હીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરતી વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે મેં સાંભળ્યું છે કે દિલ્હીમાં વિદ્યાર્થીઓને ધોરણ 9 પછી આગળ વધવાની મંજૂરી નથી. જે બાળકોના પાસ થવાની ખાતરી હોય છે તેમને જ આગળ વધવા દેવામાં આવે છે. કારણ કે જો તેમના પરિણામો ખરાબ આવશે તો તેમની (AAP) છબી ખરાબ થશે.
-
મહાકુંભમાં ભાગદોડ મામલે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરવાનો ઇનકાર કર્યો
સોમવારે સુપ્રીમ કોર્ટમાં મહાકુંભમાં ભાગદોડ કેસની સુનાવણી થઈ. આ દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) એ આ ઘટનાને ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવી. જોકે, સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે. કોર્ટે કહ્યું છે કે આ ઘટના અંગે હાઇકોર્ટમાં અરજી દાખલ કરવી જોઈએ. આ કેસની સુનાવણી CJI સંજીવ ખન્ના અને જસ્ટિસ પીવી સંજય કુમારની બેન્ચ દ્વારા કરવામાં આવી રહી હતી.
-
ભરૂચઃ મકાનમાં લાગી ભીષણ આગ
ભરૂચઃ મકાનમાં ભીષણ આગ લાગી છે. ધોળી કોઈ વિસ્તારમાં આવેલા મકાનના બીજા અને ત્રીજા માળે આગ લાગી છે. વિકરાળ આગની ઝપેટમાં મકાન આવ્યું હતુ. જો કે સદનસીબે આગમાં કોઈ જાનહાનિ નથી થઇ.
-
સુરત: બારડોલીના ઉતારા વધાવા ગામમાં દેખાયો દીપડો
સુરત: બારડોલીના ઉતારા વધાવા ગામમાં દીપડો દેખાયો છે. ગામની સીમમાં રસ્તા પર દીપડાના આંટાફેરા જોવા મળી રહ્યા છે. દીપડાના આંટાફેરાનો વીડિયો વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ છે. દીપડો દેખાતા કારચાલકે વીડિયો બનાવી વાયરલ કર્યો.
-
રાજ્યમાં નવી 6 બસ પ્રતિદિન ચલાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય
મહાકુંભ માટે રાજ્ય સરકારે શરૂ કરેલી બસને અદભૂત પ્રતિસાદ મળી રહ્યો છે. મહાકુંભ માટે અમદાવાદથી ઉપડતી નવી બસ માટે 75 ટકા બુકિંગ થઇ ગયુ છે. રાજ્યમાં નવી 6 બસ પ્રતિદિન ચલાવવાનો રાજ્ય સરકારનો નિર્ણય છે. અન્ય શહેરોમાંથી શરૂ કરાયેલી બસ માટે અત્યાર સુધી 37 ટકા બુકિંગ છે. હજુ પણ લોકો સતત GSRTCનો સંપર્ક કરી રહ્યા છે.
-
જામનગરઃ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય વિવાદ
જામનગરઃ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય વિવાદ જોવા મળી રહ્યો છે. ધ્રોલ નગરપાલિકા ચૂંટણીને લઈને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. કોંગ્રેસના કાર્યકરે લગાવ્યા ધમકી આપ્યાના આરોપ છે. કાર્યકરના પુત્રવધૂએ ઉમેદવારી નોંધાવી છે. તો તેને ધમકી અને પ્રલોભનો આપ્યા હોવાનો દાવો છે. માનસિક રીતે ત્રાહિત કરાયાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
-
સુરત: મિલ માલિકોને બ્લેકમેલ કરનારા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં
સુરત: મિલ માલિકોને બ્લેકમેલ કરનારા ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં આવી ગયા છે. મિલ માલિકોની ફરિયાદ બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે કાર્યવાહી કરી છે. આરોપીઓએ મિલ માલિકોને ખોટા ગુનામાં ફસાવવાની ધમકી આપી હતી. ધમકી આપીને મિલ માલિકો પાસે ₹5 કરોડની ખંડણી માંગી હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીની ધરપકડ કરી છે.
-
જામનગરઃ મંત્રી રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાનાં ગંભીર આક્ષેપ
જામનગરઃ મંત્રી રાઘવજી પટેલ સામે ભીમજી મકવાણાનાં ગંભીર આક્ષેપ. ધ્રોલ તાલુકા પંચાયતનાં પૂર્વ પ્રમુખના કૃષીમંત્રી રાઘવજી પર આરોપ છે કે તે પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ તેમજ આર્થીક વ્યવહારોને કરે છે. ભીમજી મકવાણાએ ‘એપીસોડ-1’ નામે પત્ર લખી કર્યા ગંભીર આક્ષેપ કર્યા છે. સોશિયલ મીડિયાનાં ગ્રુપમાં આ પત્ર લખી આક્ષેપ કર્યા છે.
-
વસંતપંચમીને લઈને આજે ભક્તો કરશે અમૃત સ્નાન
વસંતપંચમીને લઈને આજે ભક્તો અમૃત સ્નાન માટે મહાકુંભ પહોંચી રહ્યા છે. સવારે 8 વાગ્યા સુધીમાં, 62.25 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ અમૃત સ્નાન કર્યું છે. ઉત્તર પ્રદેશ માહિતી વિભાગના જણાવ્યા અનુસાર, આજે સવારે 8 વાગ્યા સુધીમાં 62.25 લાખથી વધુ ભક્તોએ અમૃત સ્નાન કર્યું. 2 ફેબ્રુઆરી સુધીમાં, 34.97 કરોડથી વધુ ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું છે.
-
મોરબીના વવાણીયા ગામની સીમમાં યુવકનું ગોળી વાગતા મોત
મોરબીના વવાણીયા ગામની સીમમાં યુવકનું ગોળી વાગતા મોત થયુ છે. શિકાર અર્થે ગયા તે સમયે ભૂલથી ગોળી વાગતા મોત થયાની પ્રાથમિક માહિતી છે. વસીમ પિલુંડિયા નામના યુવકનુ મોત થયુ. મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો હોસ્પિટલ પહોંચ્યા છે. પોલીસ તેમજ LCBએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
-
દેવભૂમિ દ્વારકા: ભાણવડ શહેરમાં વકીલ પર જીવલેણ હુમલો
દેવભૂમિ દ્વારકા: ભાણવડ શહેરમાં વકીલ પર જીવલેણ હુમલો થયો છે. લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા વકીલના ઘર પાસે ઘટના બની. આરોપીઓએ વકીલનાં પિતાને પણ માર માર્યો. હુમલામાં પિતા-પુત્રને ગંભીર ઇજા થઇ છે. વધુ સારવાર માટે બંને ઇજાગ્રસ્તોને જામનગર રિફર કરાયા છે. અંગત અદાવતમાં જીવલેણ હુમલા કરાયાની આશંકા છે.
-
પોરબંદર કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા
પોરબંદર કુખ્યાત મેરામણ ઉર્ફે લંગીની હત્યા થઇ છે. બખરલા ગામે મેરામની હત્યા થઈ છે. મેરામણ અને આરોપીઓ વચ્ચે થોડા દિવસોથી મગજમારી ચાલતી હતી. મેરામણ લંગી અગાઉ અર્જુન મોઢવાડીયાના ટેકેદાર મુરૂ મોઢવાડીયા હત્યા કેસમાં સંડોવાયેલ હતો. મેરામણ સામે પોરબંદર જિલ્લામાં ગંભીર પ્રકારના અનેક ગુના નોંધાયેલા છે.
Published On - Feb 03,2025 7:34 AM





