02 ઓગસ્ટના મહત્વના સમાચાર : ઓગસ્ટમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની સંભાવના નહિવત
આજે 02 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 02 ઓગસ્ટને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે
અરબ સાગર કે બંગાળની ખાડીની સિસ્ટમ કે ઉત્તર ભારતનું વૅસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતમાં વરસાદ માટેનું કારક બનતું હોય છે પણ હાલમાં એવી કોઇ સિસ્ટમ દેખાતી નથી માટે જ રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. રાજ્યમાં એકપણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. જેના પગલે આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હાલ માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જ પડી શકે છે. તો સ્થિતિને જોતા આગામી 4 દિવસ એટલે કે, 6 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
-
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના ભોજનમાં જીવાત
વડોદરાની એમ.એસ યુનિવર્સિટીના ભોજનમાં જીવાત નીકળી છે. એક માસમાં બીજી વખત ભોજનમાંથી જીવાત નીકળી છે. થોડા સમય પહેલા MS યુનિ.ની ગર્લ્સને ફૂડ પોઈઝનિંગ થયુ હતુ. વિદ્યાર્થીઓએ હોસ્ટેલની મેસમાં ભોજનની ગુણવત્તા ન જળવાતી હોવાનો આરોપ લગાવ્યો છે. અવારનવાર આ પ્રકારની ઘટના સામે આવતા સત્તાધીશોની બેદરકારીના બનાવોમાં વધારો થઈ રહ્યો છે.
-
-
કચ્છના ગાંધીધામ તાલુકામાં મોટાપાયે ડિમોલિશન
કચ્છના ગાંધીધામ તાલુકામાં મોટાપાયે ડિમોલિશન હાથ ધરાયુ હતુ. કિડાણા ગામથી સપનાનગર ચાર રસ્તા સુધી દબાણો હટાવાયા હતા. સરકારી જમીન પરથી ગેરકાયદે 16 જેટલી દુકાનો તોડી પડાઈ હતી. ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીના દબાણો તોડી પડાયા. ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા આરોપીના દબાણ તોડી પડાયા. હિસ્ટ્રીશીટર આરોપીઓના દબાણો પર બુલડોઝર ફરી વળ્યુ છે. ગેરકાયદે દુકાનનો સર્વે કરી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે.
-
MLA હાર્દિક પટેલની CMને ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં
વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલની ફરિયાદ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. મહત્વનું છે કે ધારાસભ્ય હાર્દિક પટેલે પ્રાથમિક સુવિધાઓ મુદ્દે CMને પત્ર લખ્યો હતો અને જો પ્રાથમિક સુવિધા નહીં આપવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. જોકે હાર્દિકના અલ્ટિમેટમ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે, અને શહેરી વિકાસ વિભાગના અધિકારીએ વિરમગામમાં ધામા નાખ્યા છે. હાર્દિક પટેલે નાયબ કલેકટર કચેરીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી 1 કલાકથી વધુ સમય સુધી અધિકારી સાથે ચર્ચા કરી હતી. બેઠક બાદ ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ, “સંયુક્ત પ્રયાસ દ્વારા સમસ્યાનું સમાધાન લાવવા પ્રયત્ન કરાશે”
-
ગંભીરા બ્રીજ પર લટકેલુ ટેન્કર ઉતારવા માટે બલૂનટેકનોલોજીની મદદ લેવાશે
વડોદરામાં ગંભીરા બ્રિજ દુર્ઘટનાને 24 દિવસ વીતી ગયા છે. પરંતુ હજુ સુધી જોખમી રીતે લટકેલા ટેન્કરને નીચે ઉતારી શકાયું નથી. ત્યારે હવે ટેન્કરને ઉતારવા માટે હાઇટેક ટેકનોલોજીની લેવાશે મદદ.
પાદરા તાલુકાના ગંભીરા-મુજપુર બ્રિજ પર બનેલી દુર્ઘટના બાદ હવે બ્રિજ પર છેલ્લા 24 દિવસી લટકી રહેલા જોખમી ટેન્કરને નીચે ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. નિષ્ણાતોની ટીમ સ્થળ પર પહોંચી અને સેફ્ટી સાધનો સાથે બ્રિજ પર લટકી રહેલા ટેન્કરનું નિરીક્ષણ કર્યું. ટેન્કરને ઉતારવાના તમામ પ્રયાસો નિષ્ફળ રહ્યા બાદ હવે સરકાર લેશે બલૂન ટેકનોલોજીનો સહારો. આ કામ માટે પોરબંદરની એક ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. હેવી મશીનરીનો ઉપયોગ જોખમી હોવાથી પોરબંદરની વિશ્વકર્મા કંપની બલૂન ટેક્નોલોજીથી ઓપરેશન પૂર્ણ કરશે. આ માટે સિંગાપુરથી ત્રણ એન્જિનિયરો બોલાવવામાં આવ્યા છે અને 20 સભ્યોની ટીમે સર્વે પૂર્ણ કર્યો છે. કામગીરી પૂર્ણ થવામાં 6 થી 7 દિવસ લાગી શકે છે…
-
-
રાજ્યનું આગામી વર્ષનું જળસંકટ થયું હળવું
રાજ્યનું આગામી વર્ષનું જળસકંટ હળવુ થયુ છે. રાજ્યની જીવાદોરી નર્મદા ડેમ 83 ટકા ભરાઈ ચુક્યો છે. સરદાર સરોવર ડેમની જળસપાટી હાલ 133.48 મીટરે પહોંચી છે. ડેમમાં અત્યાર સુધી 83.37 ટકા જળસંગ્રહ થયો છે. ડેમાં 4.34 લાખ ક્યુસેક પાણીની આવક છે. ડેમમાંથી 4 લાખ ક્યુસેક પાણીની જાવક છે. છેલ્લા 24 કલાકમાં પાણીની સપાટીમાં 1.44 મીટરનો વધારો થયો છે. ડેમના 15 દરવાજા 3.8 મીટર ખોલી પાણી છોડવામા આવી રહ્યુ છે, જેના પગલે નીચાણવાળા એરિયાને એલર્ટ કરવામાં આવ્યા છે.
-
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર સામે ચઢાવી બાંયો
અમદાવાદઃ ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકાર સામે બાંયો ચઢાવી છે. CMને ધારાસભ્ય હાર્દિક પટેલે પત્ર લખ્યો છે. વિરમગામમાં ઊભરાતી ગટરની સમસ્યા અંગે રજૂઆત કરી. વિરમગામની જનતા ઊભરાતી ગટરથી હેરાન હોવાનું હાર્દિક પટેલે જણાવ્યુ. કોન્ટ્રાક્ટરે પણ યોગ્ય કામગીરી કરી ન કરી હોવાનો હાર્દિક પટેલનો આરોપ છે. સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રજૂઆત કરી. જનપ્રતિનિધિ તરીકે ખુલીને લોકો સાથે ઉભા રહેવું પડશે તેવુ જણાવ્યું.
-
અરવલ્લી: મોડાસામાં ST બસે બે રાહદારી મહિલાને લીધી અડફેટે
અરવલ્લી: મોડાસામાં ST બસે બે રાહદારી મહિલાને અડફેટે લીધી. માલપુર સ્ટેટ હાઈવે પર સ્વાગત વિલેજ સોસાયટી પાસે અકસ્માત થયો. રસ્તા પર જઈ રહેલી મહિલાને બોડેલી-ડીસા ST બસે અડફેટે લીધી. અકસ્માતમાં બે મહિલાને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાઈ છે. મોડાસામાં ST બસના ડેપો મેનેજર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. સ્થાનિક પોલીસે અકસ્માતને લઈ તપાસ શરૂ કરી છે.
-
નવસારી : વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી
નવસારીમાં પણ હવે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજને મંજૂરી અપાતા સમગ્ર જિલ્લામાં ખુશીનો માહોલ છવાયો છે. વર્ષો જૂની ટ્રેનના સ્પોટેજની માગ સંતોષાતા કેન્દ્રીય જળશક્તિ પ્રધાન સી.આર.પાટીલે પણ આનંદ વ્યક્ત કર્યો હતો. સી.આર.પાટીલે કહ્યું નવી દિલ્લીમાં રેલપ્રધાન અશ્વિની વૈષ્ણવ સાથે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજની માંગણી કરી હતી. મંત્રાલયે આ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ આપ્યો. જોકે હજુ પણ ઘણા પ્રશ્નોના ઉકેલ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ટૂંક સમયમાં નિરાકરણ આવે તેવી અપેક્ષા છે.
-
સુરત : લિંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે યુવકની હત્યા
સુરતમાં ફરી ખૂની ખેલ ખેલાયો છે. લિંબાયતના વાટિકા ટાઉનશીપ પાસે યુવકની હત્યા થઇ છે. પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી હત્યા કરાઈ. તીક્ષ્ણ હથિયારો વડે હત્યા કરી અજાણ્યા શખ્સ ફરાર થયા છે. પોલીસે હત્યારાઓની શોધખોળ હાથ ધરી.
-
મહાદેવની કૃપાથી ઓપરેશન સિંદૂર સફળ થયું: બનારસમાં PM મોદીનું નિવેદન
પીએમ મોદી આજે બનારસની મુલાકાતે છે. આ દરમિયાન, એક જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે મહાદેવની કૃપાથી ઓપરેશન સિંદૂર સફળ થયું. આ ઓપરેશન પછી હું પહેલી વાર કાશી આવ્યો છું. દીકરીઓના સિંદૂર બદલવાનું વચન પૂર્ણ થયું છે.
-
ભરૂચઃ ઝઘડિયા GIDCમાં કામદારનું મોત
ભરૂચઃ ઝઘડિયા GIDCમાં કામદારનું મોત થયુ છે. થર્મેકસ કંપનીમાં આ દુર્ઘટના ઘટી છે. 10 ફૂટની ઊંચાઈથી 2 કામદાર પટાકાયા. એક કામદારનું મોત, બીજાને ગંભીર ઈજા પહોંચી છે. હાઇડ્રોક્લોરિક એસિડની ટાંકી પર મુકેલા પિંજરા પરથી કામદાર નીચે પટકાતા દુર્ઘટના બની.
-
દાહોદઃ ભાજપના નેતાના ઘરે ચોરી
દાહોદના દેવગઢ બારિયામાં ભાજપના નેતા ઘરે ચોરી થઈ છે. ભાજપના નેતા ભુપેન્દ્રસિંહ ચૌહાણના દેવગઢ બારીયા તાલુકાના સાતકુંડા ગામના બંધ મકાનમાં ચોરી થઈ. ભુપેન્દ્રસિંહ ચૌહાણ તેમના પરિવાર સાથે વડોદરા ગયા હતા ત્યારે તસ્કરોએ ઘરનો મુખ્ય દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાંથી અંદાજે 36 તોલા સોનાના દાગીના અને બે લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ છે..ચોરી મામલે ભાજપ નેતાના પુત્રએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચોરને પકડવા માટે ડોગ સ્ક્વોડ અને FSLની મદદ લઈ તપાસ હાથ ધરી છે.
-
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે જશે દિલ્લી
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્લી જશે. PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે. ગુજરાતના વર્તમાન મુદ્દાઓ અંગે ચર્ચા થશે.
-
ગાંધીનગર: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની શહેરીજનોને અપીલ
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરીજનોને સ્વચ્છતા જાળવી રાખવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે સ્વચ્છતામાં શિર્ષ ક્રમ મેળવ્યા પછી એમાં ઢીલાશ ન આવે એ જરૂરી છે, અને હવે શહેરની સફાઈ માત્ર હક નથી પરંતુ જવાબદારી પણ છે. મુખ્યપ્રધાને શહેરીજનોને સંદેશ આપતાં કહ્યું કે, એકવાર નંબર આવી ગયો એટલે હવે પહેલાં જ છીએ એવું માનવા જેવું નથી. તેમણે કહ્યું કે શહેરની ગ્રીન અને સ્વચ્છ ઈમેજ જળવાઈ રહે તેવા પ્રયાસો સતત થવા જોઈએ અને નવા ઉમેરાયેલા વિસ્તારોમાં પણ તે જ ગુણવત્તા જળવાઈ રહે તેવા પ્રયાસો સરકાર કરશે.
-
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ ફ્રન્ટ-રનિંગ કેસમાં EDના ગુજરાતના શહેરોમાં દરોડા
એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ફ્રન્ટ-રનિંગ કેસમાં અમલદારી દિશામાં આગળ વધતી EDએ ગુજરાતના ત્રણ મોટા શહેરો – અમદાવાદ, ભાવનગર અને ભુજમાં દરોડા પાડી તપાસ હાથ ધરી છે. તપાસ દરમિયાન ગુજરાતમાંથી મહત્વની કડી મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આરોપ છે કે માર્કેટમાં રોકાણની માહિતી અગાઉથી મેળવી, તેનો દુરુપયોગ કરીને વ્યક્તિગત ફાયદો મેળવવામાં આવ્યો છે. ED દ્વારા ગુજરાતના કેટલાક મુખ્ય સ્ટોક બ્રોકરો અને તેમના ભાગીદારોની સંડોવણીની દિશામાં પણ તપાસ શરૂ કરાઈ છે. આ કેસમાં રાજ્યના કેટલાક અસરશાળી માથાઓની ભૂમિકા અંગે પણ તપાસ ચાલી રહી છે, જે સંભળાતા મોટા ખુલાસાઓ તરફ ઈશારો કરે છે.
-
રાજકોટ : રજીસ્ટ્રાર ઓફિસની તપાસ બાદ બિલ્ડરો પર આવી શકે તવાઇ
રાજકોટના સબ રજીસ્ટ્રાર ઝોન-5ની ઓફિસમાં આવકવેરા વિભાગના ઈન્ટેલિજન્સ અને ક્રિમિનલ ઈન્વેસ્ટીગેશન વિંગ દ્વારા સર્ચ ઑપરેશન હાથ ધરવામાં આવ્યું છે. પ્રાથમિક તપાસમાં પાનકાર્ડ મિસમેચ, ખોટા પાનનંબર તથા મિલ્કતના ખોટા વેલ્યુએશન સહિત અનેક આર્થિક ગેરરીતિઓની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. IT વિભાગે છેલ્લાં પાંચ વર્ષના દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે અને આગામી ૬૦ દિવસમાં મળનાર વિસ્તૃત રિપોર્ટના આધારે બિલ્ડર લોબી પર તવાઈ આવી શકે છે. તપાસનો ઘેરાવો ઝડપથી બિલ્ડરો સુધી પહોંચવાની શક્યતા છે, જેને કારણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં હલચલ મચી છે.
-
ઉત્તર ભારતના રાજ્યોમાં વરસાદી કહેર
ઉત્તર ભારતના રાજ્યોમાં મોસમે ભારે કહેર વર્તાવ્યો છે. હિમાચલ પ્રદેશમાં ફરી વાદળ ફાટતાં પરિસ્થિતિ ગંભીર બની છે, જેમાં મનાલી-લેહ રોડ નજીક જિસ્પા વિસ્તારમાં વાદળ ફાટ્યું છે. ભારે વરસાદ અને કાટમાળ ધસવાને કારણે માર્ગ બંધ થઇ જતા વાહન વ્યવહાર અવરોધિત થયો છે. યૂ.પી.ના પ્રયાગરાજમાં નીચાણવાળા અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે વારાણસીની ગલીઓમાં ગંગાના પાણી ઘૂસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. અયોધ્યામાં પણ સરયૂ નદીના પાણી ભયજનક સપાટીએ પહોંચી જતા તંત્ર એલર્ટ પર છે.
-
નર્મદા ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડાયું
નર્મદા ડેમમાંથી 3.86 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ભરૂચ નજીક નર્મદાના જળસ્તરમાં વધારો થયો છે. ભરૂચ નજીક નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. ભરૂચમાં નર્મદા નદીની જળસપાટી 17 ફૂટે પહોંચી છે. ભરૂચમાં નર્મદાની ભયજનક સપાટી 22 ફૂટ છે. નદીકિનારે અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.
-
કુલગામમાં એન્કાઉન્ટર, સેનાએ 1 આતંકવાદીને ઠાર માર્યો
શુક્રવારે કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતુ. આજે એટલે કે શનિવારે સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આ ઓપરેશનમાં 1 આતંકવાદી ઠાર મરાયો છે.
-
અમદાવાદ: એરપોર્ટ પર ફ્લાઈટમાં ડ્રગ્સ સાથે બે મુસાફરો ઝડપાયા
અમદાવાદ એરપોર્ટ પર બેંગકોકથી આવેલી ફ્લાઈટમાં ડ્રગ્સ સાથે બે મુસાફરો ઝડપાયા હતા. કસ્ટમ વિભાગે એક મુસાફર પાસેથી અંદાજે 4.5 કિલો હાઈબ્રિડ ગાંજાની સાથે ધરપકડ કરી હતી. આ ગાંજાનો જથ્થો ચાર અલગ-અલગ બેગમાં છુપાવવામાં આવ્યો હતો. બીજી તરફ, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા પણ બેંગકોકથી આવેલી ફ્લાઈટમાંથી એક મુસાફરને ઝડપવામાં આવ્યો હતો અને આશરે 10 કિલો હાઈબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો.
-
19 કરોડના ડિજિટલ એરેસ્ટ કૌભાંડ કેસમાં 8 આરોપીની ધરપકડ
ગાંધીનગર ખાતે દેશના સૌથી મોટા ડિજિટલ એરેસ્ટ કૌભાંડના કેસમાં સ્ટેટ સાયબર સેલે વધુ આઠ આરોપીઓને ઝડપી લીધા છે. આરોપીઓએ કમિશન મેળવવાના લાલચમાં પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા. રાજકોટ, જામનગર અને અમરેલી શહેરોમાંથી આ ખાતાઓમાં રૂ. 50.07 લાખની રકમ ચેક દ્વારા વીઢ્રો કરવામાં આવી હતી. જામનગરના યશપાલસિંહ ચૌહાણ, આમિર માણેક અને ઈસ્માઈલ ખુંભિયાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ રાજકોટના નાજ રાજસુમરા અને નિલેશ રાંક તથા અમરેલીના જયદેવ નિર્મલ, સાબીર સવંત અને રસીદ પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે. અગાઉ 19 કરોડના આ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, જેના કારણે કુલ મળીને ધરપકડનો આંક 9 પર પહોંચી ગયો છે.
Published On - Aug 02,2025 7:27 AM