Breaking News : ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, કોર્ટના દરવાજા બંધ, ડોગ સ્કવોડ અને બોમ્બ સ્કવોડનું ચેકિંગ શરૂ
ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીનો ઈ-મેલ મળતાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હાઈકોર્ટના ગેટ બંધ કરી દેવામાં આવ્યા છે અને ડોગ સ્કવોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ દ્વારા ચકાસણી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટને ઈમેઇલ મારફતે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. આ ખતરાની માહિતી મળતાની સાથે જ પોલીસ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ ચિંતામાં મૂકાઈ ગઈ છે. હાઈકોર્ટના તમામ ગેટ તરત જ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થળ પર બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડને તાત્કાલિક તપાસ માટે બોલાવાયા છે.
સંદિગ્ધ ઈમેઇલ મળ્યા બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. હાલના સમયમાં ઉચ્ચ સ્તરની ચેકિંગ ચાલુ છે અને દરેક વ્યક્તિ તથા વાહનોની કડક રીતે ચકાસણી કરવામાં આવી રહી છે.
ઝોન-1ના ઇનચાર્જ ડીસીપી સફીન હસનના જણાવ્યા મુજબ, હાઈકોર્ટના અધિકારીના ઈમેઇલ પર સંદિગ્ધ વ્યક્તિ દ્વારા ધમકી આપતો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. ઈમેઇલના સ્રોતની ઓળખ કરવા માટે સાયબર સેલની મદદ લેવામાં આવી રહી છે અને તપાસ ચાલી રહી છે.
હાલ કોઈ વિસ્ફોટક વસ્તુ મળી નથી પરંતુ હાઈકોર્ટ પરિસરમાં ઉચ્ચસ્તરની સુરક્ષા ખડકી દેવામાં આવી છે. જો કે, પોલીસ તંત્ર કઈ પણ શક્યતા નકારી શકતું નથી અને સમગ્ર ઘટના પર નજર રાખી રહી છે.