આજથી 160 ખરીદ કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ, સોયાબીનની કરાશે ખરીદી
ગુજરાત સરકારે અગાઉ કરેલ જાહેરાત અનુસાર, ખેડૂતો પાસેથી રૂપિયા 7645 કરોડની કુલ 11,27,000 મે ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. જ્યારે રૂપિયા 451 કરોડના મૂલ્યની 92,000 મે ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
ગુજરાત સરકારે, ખેડૂતોને તેમના કૃષિપાકને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આજથી વિવિધ તાલુકાઓમાં આવેલ 160 ખરીદ કેન્દ્ર દ્વારા ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરશે. ગુજરાત સરકારે મગફળી માટે પ્રતિ મણના રૂ. 1356.60 નો ભાવ નિર્ધાર કર્યો છે. જ્યારે પ્રતિ મણ મગ માટે રૂ. 1736.40, પ્રતિમણ સોયાબીન માટે રૂ. 978.40 અને પ્રતિ મણ અડદ માટે રૂ. 1480નો ભાવ નક્કી કર્યો છે.
ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે કૃષિ પાક ખરીદવા માટેનો રાજ્યસ્તરનો કાર્યક્રમ આયોજિત કર્યો છે. જે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કાંકણોલ ગામે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે. જેમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, કૃષિ પ્રધાન રાઘવજી પટેલ, રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન બચુભાઈ ખાબડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. સરકાર દ્વારા આજે 11 નવેમ્બરથી લઈને 8 ફેબ્રુઆરી 2025 સુધી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી, અડદ, મગ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
ગુજરાત સરકારે અગાઉ કરેલ જાહેરાત અનુસાર, ખેડૂતો પાસેથી રૂપિયા 7645 કરોડની કુલ 11,27,000 મે ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. જ્યારે રૂપિયા 451 કરોડના મૂલ્યની 92,000 મે ટન સોયાબીનની ખરીદી કરવામાં આવશે.
ગુજરાત સરકારે ગોઠવેલ ખરીદી માટેની વ્યવસ્થાનો લાભ લેવા માટે 3 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. જે ખેડૂત તેમનો પાક ટેકાના ભાવે વેચવા માંગે છે તેવા ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવવાની હતી. જે ગઈકાલ 10 નવેમ્બર સુધીની હતી. જે ખેડૂતે નોંધણી કરાવી હશે તેવા તમામ ખેડૂતો પાસેથી સરકારે જાહેર કરેલા ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરશે. મગફળી પકવતા ખેડૂત પાસેથી એક દિવસમાં એક ખેડૂત પાસેથી વધુમાં વધુ 200 મણ મગફળીની ખરીદી કરવામા આવશે.