વધુ એક માવઠા માટે ખેડૂતો રહેજો તૈયાર, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આપી આ મોટી આગાહી- Video
રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલે ખેડૂતોને સાવચેત રહેવા જણાવ્યુ છે કારણ કે રાજ્યમાં વધુ એક માવઠુ થવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના માથે તોળાઈ રહ્યુ છે વધુ એક માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં તારીખ 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં ભારે પવન, મેઘ ગર્જના સાથે માવઠાની આગાહી કરાઈ છે. અંબાલાલના જણાવ્યા અનુસાર રાજ્યના ભિન્ન-ભિન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાશે. દરિયા કિનારના વિસ્તારોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેમા દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.
કેરી પકવતા ખેડૂતોની વધી ચિંતા
જો માવઠુ થશે તો કેરીના ખેડૂતોની ચિંતા વધશે. ભારે પવનને કારણે આંબા પરથી કેરીઓ ખરી જવાની ભીતિ છે. જેને લઈને ખેડૂતોની ચિંતા વધી છે. તો બીજી તરફ વરસાદને કારણે પણ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
અંબાલાલના જણાવ્યા અનુસાર બંગાળના ઉપસાગરમાં વર્ષની પ્રથમ સાઈક્લોનિક સિસ્ટમ તૈયાર રહી છે. જે આગળ જતા સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થતી દેખાઈ રહી છે. જેના પગલે ગુજરાતમાં 28 થી 30 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.