ગુજરાતમાં નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU)નો પ્રથમ દીક્ષાંત સમારોહ 28મી ઓગસ્ટ, 2022 ના રોજ યોજાશે. આ દીક્ષાંત સમારોહના(Convocation) મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah) ઉપસ્થિત રહેશે. જ્યારે અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, રાજેન્દ્ર ત્રિવેદી, કાયદા અને ન્યાય મંત્રી જીતુભાઈ વાઘાણી, શિક્ષણ, વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અને હર્ષ સંઘવી, ગૃહ રાજ્ય મંત્રી, વિન્સેન્ટ સેમ્પિજ્જા, સંરક્ષણ મંત્રી અને વેટરન અફેર્સ, યુગાન્ડા અને અજય કુમાર ભલ્લા, કેન્દ્રીય ગૃહ સચિવ ઉપસ્થિત રહેશે.
NFSUના કુલપતિ, ડૉ. જે. એમ. વ્યાસે જણાવ્યું હતું કે 2019-21 અને 2020-2022ની બેચના કુલ 65 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે યુનિવર્સિટીના 1098 વિદ્યાર્થીઓને માસ્ટર્સ ડિગ્રી એનાયત કરવામાં આવશે અને અન્ય 10 વિદ્યાર્થીઓને પીએચ.ડી. ડિગ્રી અને એક વિદ્યાર્થીને ડી.એસસી. એનાયત કરાશે. મુખ્ય અતિથિ અમિત શાહ દ્વારા NFSUના વિવિધ વિષયોના ટોપર્સને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવશે.
ડો. વ્યાસે જણાવ્યું કે આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીને ફાળવવામાં આવેલી નૂતન જગ્યાનું ભૂમિપૂજન પણ કરશે. ગુજરાત અને NFSU કેમ્પસમાં અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સેન્ટર ફોર ટ્રેનિંગ એન્ડ સ્કીલ ડેવલપમેન્ટ, ઇન્ટરનેશનલ ગેસ્ટ હાઉસ અને ત્રણ સેન્ટર ઓફ એક્સેલન્સ ડિએનએ ફોરેન્સિક, સાયબર સિક્યોરિટી, ઇન્વેસ્ટિગેટિવ એન્ડ ફોરેન્સિક સાયકોલોજીનું પણ ઉદ્ઘાટન કરશે.
વિન્સેન્ટ સેમ્પિજ્જા, માનનીય સંરક્ષણ અને વેટરન અફેર્સ મંત્રી, યુગાન્ડા, કોન્વોકેશનમાં હાજરી આપવા માટે છ સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે આવ્યા છે. આ ઉપરાંત, ઝિમ્બાબ્વેના નવ સભ્યોનું પ્રતિનિધિમંડળ, શ્રીલંકાના ઉત્તરીય પ્રાંતના ગવર્નર, ઓમાન અને રવાન્ડા સહિતના અન્ય દેશોના પ્રતિનિધિઓ પણ હાજરી આપશે.
Published On - 9:53 pm, Sat, 27 August 22