GANDHINAGAR : રાજ્યમાં તાઉતે, અતિવૃષ્ટી અને ત્યારબાદ સર્જાયેલી પરિસ્થિતિના કારણે રાજ્યના ખેડૂતોને થયેલા પાક નુકસાની સામે પેકેજ જાહેર કરવાની અવારનવાર માગ કરવામાં આવી છે. આ અંગે ગઈકાલે 18 ઓક્ટોબરે જ કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખી સર્વગ્રાહી પેકેજ જાહેર કરવા માટે રજૂઆત કરી હતી. સળંગ 28 દિવસ વરસાદ ન પડ્યો હોય એવા તાલુકાને પણ આ રાહત પેકેજમાં સમાવવા માંગણી કરવામાં આવી છે.ખેડૂત આગેવાનો, ધારાસભ્યોની રજૂઆતને પગલે રાજ્ય સરકારે નુકસાનીનો સર્વે કરી કેટલી સહાય કરવી તે માટે મુખ્યમંત્રીની વિચારણા હેઠળ હોવાનું રાજ્યના કૃષિ પ્રધાને જણાવ્યું.
રાહત પેકેજની રાહ જોતા રાજ્યના ખેડૂતો માટે હવે સારા સમાચાર આવ્યાં છે. રાજ્યના કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું કે તાજેતરમાં અતિભારે વરસાદ અને પુરને કારણે રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં ખેડૂતોને ઉભા પાકનું નુકસાન થયું છે. ખેતીની જમીનોનું ધોવાણ થયું છે. આ બાબતે રાજ્ય સરકારે જ્યાં જ્યાં વધુ વરસાદ પડ્યો છે તે અંગે ખેડૂત આગેવાનો, ધારાસભ્યો અને સાંસદોની રજૂઆતો હતી એ તમામ વિસ્તારોનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું કે આ સર્વેના એહવાલ પણ સરકાર પાસે આવી ગયા છે. આ મુદ્દે કઈ રીતે અને કેટલી સહાય કરવી એ નિર્ણય મુખ્યપ્રધાનની વિચારણા હેઠળ છે.
હવે આ સમગ્ર મામલે આવતીકાલે 20 ઓક્ટોબરે યોજાનારી રાજ્યની કેબીનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે.
રાજ્યમાં ભારેથીઅતિભારેવરસાદને કારણે રાજકોટ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિતના કેટલાક જિલ્લામાં ખેતીને ભારે નુકસાન થયું હતું. રાજ્ય સરકારે આ વિસ્તારોમાં સર્વે કરાવીને ખેડૂતોને થયેલી નુક્સાનીનો તાગ મેળવીને તેમને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી.
હવે સર્વેની આ કામગીરી પૂરી થઈ છે. અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર ઉપરાંત છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, પંચમહાલ જેવા જિલ્લામાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને આ અંગેનો અહેવાલ રાજ્ય સરકાર દ્વારા નિમાયેલી 3 મંત્રીઓની કમિટીને સુપરત કરી દેવાયો છે. આ કમિટીએ આ અહેવાલ બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ
સાથે ચર્ચા-વિચારણા કરી છે . બુધવારે યોજાનારી રાજ્યના પ્રધાનમંડળની બેઠકમાં ખેતી ક્ષેત્રે થયેલી નુકસાની બદલ અંદાજે 650 થી 700 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી સંભાવના છે.