ગાંધીનગરમાં કાળજાળ ગરમી વચ્ચે પીટીના દાવ કરી વ્યાયામ શિક્ષકોએ દર્શાવ્યો વિરોધ, કાયમી કરવાની માગ પર અડગ ખેલ સહાયકો
ગાંધીનગરમાં છેલ્લા દસ દિવસથી વ્યાયામ શિક્ષકો પોતાને કાયમી ભરતીની માંગ સાથે ઉગ્ર આંદોલન કરી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની નિયમિત ભરતી કરવામાં આવી નથી, જેનાથી હજારો શિક્ષકો અને ખેલ સહાયકો હાલાકી ભોગવી રહ્યા છે.
ગાંધીનગરમાં 500થી વધુ વ્યાયામ શિક્ષકો અને ખેલ સહાયકો આંદોલન કરી રહ્યા છે. 11 મહિનાની કરાર આધારીત નોકરીની પ્રથાને બંધ કરી કાયમી ભરતી શરૂ કરવાની તેમની મુખ્ય માંગ છે. હાલ આ વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. આજે આ આંદોલનકારીઓએ શારીરિક કસરત અને PTના દાવ કરીને પ્રદર્શન કર્યું. આ દરમિયાન, “કરાર પ્રથા બંધ કરો,” “કાયમી વ્યાયામ શિક્ષકોની તુરંત ભરતી કરો” જેવા નારા લગાવવામાં આવ્યા.
હાલ 3100થી વધુ જગ્યાઓ ખાલી
શિક્ષણ વિભાગ દ્વારા અગાઉ લેવાયેલી સ્પોર્ટ્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ (SAT)ની પરીક્ષામાં, અંદાજે 5000થી વધુ ખાલી જગ્યાઓ સામે 1700 ઉમેદવારો પરીક્ષામાં સફળ રહ્યા હતા. તેમ છતાં, હાલ 3100થી વધુ જગ્યાઓ હજુ પણ ભરવાની બાકી છે. શાળાઓમાં શારીરિક શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે કાયમી શિક્ષકોની ભરતી જરૂરી હોવા છતાં, રાજ્ય સરકારે કરાર આધારિત પ્રથાને જ આગળ ધપાવી છે, જે આંદોલનકારીઓ માટે ગળાની ફાંસ બની ગયો છે.
પ્રાથમિક શાળાઓમાં વ્યાયામ શિક્ષકોની દયનિય સ્થિતિ
આંદોલન કરી રહેલા શિક્ષકોના મતે, રાજ્યમાં ધોરણ 1થી 8ની શાળાઓમાં વ્યાયામ શિક્ષકની નિમણૂક કરવામાં આવતી નથી. આના કારણે શાળા બાળકો માટે શારીરિક તંદુરસ્તી અને રમતગમતની પ્રવૃત્તિઓ પર અસર પડી છે. આંદોલનકારીઓનો દાવો છે કે સરકારને અનેક રજૂઆતો આપવામાં આવી છે, પરંતુ હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નિયમિત પગાર અને નોકરીની સુરક્ષાનો અભાવ
ખેલ સહાયકો માટે કરાર આધારિત નોકરીઓમાં પણ અનેક સમસ્યાઓ છે. જોબ સિક્યોરિટી નથી અને નિયમિત પગાર ન મળવાના કારણે આંદોલનકારીઓમાં ભારે રોષ છે. ખેલ સહાયકોએ જણાવ્યુ કે કરાર આધારીત નોકરીમાં શિયાળુ અને ઉનાળુ વેકેશન દરમિયાન બે મહિનાનો પગાર મળતો નથી, અને છેલ્લા ઘણા વર્ષોથી પગારમાં વિલંબ અને ગેરવહીવટ ચાલી રહ્યો છે.
આંદોલન જોતા, સરકાર આગામી સમયમાં શારીરિક શિક્ષકો માટે કોઈ નીતિ લાવે છે કે નહીં, તે જોવુ રહ્યું. જો માગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો શિક્ષકો વધુ ઉગ્ર આંદોલન કરશે. આગામી સમયમાં આ મુદ્દે સરકાર અને શિક્ષકો વચ્ચે સંવાદ થાય છે કે નહીં, તે જોવુ રહ્યુ.