ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. રાજ્ય મંત્રીમંડળની આ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અને થયેલી ચર્ચા અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર અનધિકૃત વ્યાજખોરો દ્વારા સામાન્ય નાગરિકોને કરવામાં આવતી કનડગત સાંખી લેશે નહીં. તેના માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.
જેમાં અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરતા વ્યાજખોરો વિરુદ્ધ રાજ્ય સરકાર મેગા ડ્રાઈવ ચલાવી રહી છે. જેમાં 5 મી જાન્યુઆરીથી ચાલી રહેલી મેગા ડ્રાઇવના બે અઠવાડિયામાં એટલે કે 17 જાન્યુઆરી સુધીમાં 1077 વ્યાજખોરો સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 699 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 643 વ્યાજખોરો સામે FIR દાખલ કરવામાં આવી છે, તેમ પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું કે, વ્યાજખોરોનો ભોગ બનેલા નાગરિકો ફરિયાદ કરી શકે અને પોલીસનું રક્ષણ મેળવી શકે તે માટે 17મી જાન્યુઆરી સુધીમાં રાજ્યભરમાં 1369 લોકદરબાર યોજાયા છે. મજબૂર નાગરિકોને વ્યાજે રૂપિયા આપ્યા બાદ મન ફાવે તેમ વ્યાજ વસુલતા વ્યાજખોરોએ આ ધંધો છોડવો પડશે અથવા ગુજરાત છોડવું પડશે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
રાજ્યમાં ઠેર-ઠેર યોજાયેલા પોલીસના લોક દરબારમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારી વિરૂદ્ધ નનામી ફરિયાદો મળી છે. જેમાં કેટલાક પોલીસ કર્મચારીઓ વ્યાજ ખોરીનો ધંધો કરતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગે વ્યાજખોરીનો ધંધો કરતા પોલીસ અધિકારીઓ સામે પણ તપાસના આદેશ આપ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી દરમિયાન વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. અનધિકૃત રીતે વ્યાજખોરીનો વ્યવસાય કરી નિર્દોષ નાગરિકો પાસેથી વ્યાજના નામે બેફામ રૂપિયા ઉઘરાવતા તત્વો સામે નાગરિકોને પોલીસનું સુરક્ષા કવચ મળી રહ્યું છે.
ત્યારે કોઈ અનધિકૃત વ્યાજખોર કડક કાર્યવાહીથી બચે નહિ અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઇ જાય તેની ખાસ તકેદારી પોલીસ રાખી રહી છે.