તંત્ર નાકામ… રસ્તાના ખાડા ન પુરાતા ગ્રામજનોએ જાતે રોડ સમો કર્યો, નેતાઓ-અધિકારીઓ મૌન – જુઓ Video
અમરેલી જિલ્લામાં રસ્તાની ખરાબ હાલતથી કંટાળીને ગ્રામજનોએ જાતે જ સમારકામ હાથ ધર્યું છે. સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે પરના મસમોટા ખાડાઓને કારણે અકસ્માતનો ભય હોવાથી, અનેક રજૂઆતો છતાં કોઈ કાર્યવાહી ન થતાં લોકોએ પાવડા-તગારા લઈને ખાડા પૂરવાનું શરૂ કર્યું. આ ઘટનાએ સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
અમરેલી જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત અતિ કફોડી બની છે. ખાસ કરીને સાવરકુંડલા-રાજુલા સ્ટેટ હાઈવે પર મોટા આગરીયા ગામ પાસે મસમોટા ખાડાઓ પડી જતાં વાહનચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ખાડાઓને કારણે અકસ્માતનો ભય સતત સતાવી રહ્યો છે.
વારંવારની રજૂઆતો અને ફરિયાદો છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં ન આવતા, આખરે ગ્રામજનોએ “અપના હાથ જગન્નાથ” નો માર્ગ અપનાવ્યો છે. ગામલોકોએ સ્વયંભૂ રીતે પાવડા-તગારા લઈને રસ્તાના ખાડા પૂરવાનું શરૂ કર્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, રસ્તાના કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ અધિકારીઓની ઘોર નિદ્રાને કારણે લોકો પીડાઈ રહ્યા છે.
આ બધા વચ્ચે માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે, ભારે વરસાદને કારણે રસ્તાની મરામતની જરૂરિયાત ઊભી થઈ છે અને રિપેરિંગ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમ છતાંય, ગ્રામજનોના આ પ્રયાસે સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા કર્યા છે.

