જળ, જંગલ અને જમીન પર આદિવાસીઓ વર્ષોથી પોતાના હકનો દાવો કરી રહ્યા છે. ત્યારે રાષ્ટ્ર્રીય જન જાતિ આયોગના અધિકારીઓ છોટાઉદેપુર જિલ્લાની મુલાકાતે આવ્યા છે. વન અધિકાર કાયદો અને પેસા કાયદાની યોગ્ય રીતે અમલવારી થાય છે કે નહીં તે અંગે આયોગના અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. આ સાથે આયોગના અધિકારીઓએ આદિવાસી સમાજના જે દાવા પેન્ડિંગ છે તેનો નિકાલ ન થાય ત્યાં સુધી કોઇને ન હટાવવાનો આદેશ પણ કર્યો છે.
છોટા ઉદેપુર જિલ્લાના આશરે 3 હજાર લોકોએ પોતાના વિવિધ પ્રશ્નો રાષ્ટ્રીય જન જાતિ આયોગના અધિકારીઓ સમક્ષ રજૂ કર્યા છે. જેમાં મુખ્યત્વે સામુહિક વન અધિકાર આપવાની રજૂઆત કરાઇ છે. તથા જેમને ઓછી જમીન અપાઇ છે. તેવા કેસોની પુન:ચકાસણી કરવી તથા પેન્ડિંગ દાવાના કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરવી અને ગીર ફાઉન્ડેશનનો રિપોર્ટ પુરાવા સાથે રજૂ કરવા સહિતના પ્રશ્નો અંગે રજૂઆત કરાઇ છે.
આ તરફ જિલ્લામા ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી અંતર્ગત આદિવાસી વિસ્તારના આદિવાસી બાળકોને શિક્ષણમાં પાછળ ન રહે માટે રહેવા, જમવા સાથે શિક્ષણની સુવિધા સાથે મોટા મોટા શિક્ષણના સંકુલ કાર્યરત કરાયા છે. રાજ્યમાં ભાજપની સરકાર આદિવાસી બાળકોના શિક્ષણની સુવિધાઓ માટે કરોડોનુ બજેટ ફાળવે છે. છતાંય સૌથી મોટો પ્રશ્ન શિક્ષણ સંકુલમા ચાલતા ભોજનની ગુણવતાનો છે.
હજુ બે દિવસ પહેલા જ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલું ગોઝારીયા શિક્ષણ સંકુલ હાલ વિવાદોમાં આવ્યું છે. આ સંકુલમાં મોડેલ સ્કૂલ નિવાસી શાળા સહિત 6 શાળાઓના 2300થી વધુ આદિવાસીઓ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિ રાઠવાએ આ શાળા સંકુલની આકસ્મિક મુલાકાત લીધી તો ચોંકાવનારી હકીકતો સામે આવી હતી.શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકાર તરફથી રહેવા અને જમવા પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે છતાં વિદ્યાર્થીઓને હલકી ગુણવત્તાનું ભોજન મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય જયંતિ રાઠવાની મુલાકાતમાં વિદ્યાર્થીઓને જાડી અને સૂકી રોટલી સાથે કાચું શાક આપવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.
આટલું જ નહીં પણ રસોડામાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. બાળકોને આપવામાં આવતા બિનઆરોગ્યપ્રદ ભોજનને કારણે તેમના આરોગ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે. રસોડાની પાછળ જ એઠવાડ નાખવામાં આવે છે, અહીં જ ખાળકુવો પણ ઉભરાઈ રહ્યો છે, જેને કારણે દુર્ગંધનું સામ્રાજ્ય ઉભું થયું છે.
Published On - 11:59 pm, Mon, 13 February 23