ભરૂચ જિલ્લામાં દોઢ દાયકાથી ગેરહાજરી નોંધાવનાર નામશેષ માનવામાં આવતા ગીધરાજનું પુનઃ આગમન થયું છે. લુપ્ત થયેલા વિશાળ ગીધ ભરૂચ શહેરના લિંક રોડ ઉપર આવેલી ગંગોત્રી સોસાયટીમાં નજરે પડતા વિશાળ પક્ષીની ઝલક માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. લગભગ આ પક્ષી માત્ર ચિત્રો, ફોટા અને વીડિયોમાં પૂરતા માર્યાદિત રહ્યા છે ત્યારે ગીધ વર્ષ 2023 ના પ્રારંભે ભરૂચ શહેરની સોસાયટીમાં જોવા મળતા લોકોમાં ઉત્સુકતા જોવા મળી હતી. વાઈલ્ડ લાઈફ વોર્ડન અનુસાર આ ગીધ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું છે. સ્થાનિક રહીશ કિશોરભાઈ કવાએ ભરૂક વન વિભાગને વિશાળ પક્ષીની માહિતી આપતા તેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
લુપ્ત થઇ રહેલા પક્ષીને બચાવવા માટે વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા સાથે કામધેનુ ગૌરક્ષા સમિતિના કાર્યકરો રમેશભાઈ દવે, યોગેશ મિસ્ત્રી અને ઉમેશ પટેલ તત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. જીવદયા પ્રેમીઓની ટીમે ઇજાગ્રસ્ત ગીધને સલામત રેસ્ક્યુ કરી ભરૂચ વનવિભાગ સંચાલિત નીલકંઠ નર્સરીમાં સારવાર અર્થે મોકલી આપ્યું હતું. પક્ષીને સારવાર બાદ ઓબ્ઝર્વેશનમાં મોકલી આપવામાં આવશે. આ ગીધ અંદાજિત 12 વર્ષની વયનું અને 14 થી 15 કિલો વજનનું છે. પક્ષી લાબું અંતર ઉડ્યું હોવાનું અનુમાન નિષ્ણાંત દ્વારા લગવવામાં આવી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં છેલ્લે વર્ષ 2008 માં એક ગીધ વસ્તી ગણતરીમાં જોવા મળ્યું હતું.
ગુજરાત વન વિભાગના રીપોર્ટ મુજબ 2045 સુધીમાં ગુજરાતમાં ગીધની વસ્તી શૂન્ય થઇ જાય તેવો ભય વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ગીધની વસ્તી ગણતરીના રીપોર્ટ Vulture Census 2022 Report માં અન્ય ઘણી જાણકારી સામે આવી છે. રાજ્યના વન વિભાગ દ્વારા કુદરતના સફાઈ કામદાર એવા ગીધરાજની વસ્તી ગણતરી 2022 હાથ ધરવામાં આવી હતી. વર્ષ 2018 કરતા વર્ષ 2022 ની ગણતરીમાં 300 થી 400 ગીધની સંખ્યામાં ઘટાડો થયો છે.
રાજ્ય સરકાર દ્વારા ગીધની સંખ્યામાં વધારો થાય તેને લઈને કરોડોના ખર્ચા કરવામાં આવે છે. જૂનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં સંવર્ધન કેન્દ્ર બનાવવામાં આવ્યું છે. રાજ્ય લેવલે ગીધની સંખ્યામાં વધારો થાય તેવું સંવર્ધન કેન્દ્ર હજુ કાર્યરત નથી. વર્ષ 2018 સુધીમાં ગીધની વસ્તી ગણતરી બાદ વર્ષ 2022 માં થયેલ ગણતરીમાં 8 થી 10 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
રાજ્યમાં હાલ 500 થી 600 ગીધ જ હોવાનું માનવામાં આવે છે. કેટલાય જિલ્લામાં ગીધની વસ્તી શૂન્ય થઈ ગઈ છે. વર્ષ 2005 થી 2022 માં જ ગીધની સંખ્યામાં 70 ટકાનો ઘટાડો થયો છે. વર્ષ 2045 સુધી સફેદ પીઠ ગીધ અને ગિરનારી ગીધ વિલુપ્ત થવાની સંભાવના છે.
Published On - 7:08 am, Mon, 2 January 23