રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં વહેલી સવારે જ વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠાના દિયોદર, લાખણી, કાંકરેજ, થરાદ સહીતના તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જલોઢા, માનપુરા, રૈયા સહીતના ગામોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો : Banaskantha: વ્યાજખોરોના ત્રાસથી મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ, પૈસા વસૂલવા મહિલા પાસે બિભત્સ માંગણી કરી હોવાનો આક્ષેપ
તો બીજી તરફ દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કમોસમી વરસાદ વરસવાથી જીરું, રાયડો, બટાકા સહિતના પાકને નુકસાન પહોચી શકે છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ શકે છે.
તો હવામાન વિભાગની આગાહી મુજબ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે. સંતરામપુર, ખાનપુર, વિરપુર, બાલાસિનોર, લુણાવાડા અને કડાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા હતા. માવઠાના પગલે ખેડૂતોએ વાવેતર કરેલા ઉભા પાકને નુકસાન થયું હતું. ઘઉં, બાજરી, મકાઈ, ચણા, શાકભાજી સહિત ઘાસચારાને નુકસાન થવાની સંભાવના છે. આ તરફ ભરૂચના કાવી ગામે કમોસમી વરસાદ પડયો. બીજી તરફ અરવલ્લીના મોડાસામાં વરસાદી માહોલ છવાતા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે. માવઠાના પગલે તમાકુ, કપાસ, ડાંગર સહિતના ઉભા પાકને ભારે નુકસાન થયું છે.
માવઠાની આગાહી સાથે હવામાન વિભાગે માછીમારોને આગામી 24 કલાક દરમિયાન દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. દરમિયાન પવનની ગતિ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટરની રહેશે. આગામી 24 કલાકમાં વરસાદ સાથે ઠંડીનો પણ અનુભવ થશે અને ઠંડીનો ચમકારો પણ યથાવત્ રહેશે. જોકે આગાહી અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દરમિયાન કેટલાક જિલ્લામાં તાપમાન 8 ડિગ્રી જેટલું નીચું જઈ શકે છે. આગામી 24 કલાકમાં સારાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
Published On - 10:06 am, Sun, 29 January 23