Ankleshwar : સોનું ચમકાવવી આપવાના બહાને ગઠિયા 5 તોલા સોનુ સેરવી ગયા, જાણો હાથની સફાઈના ખેલ વિશે
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં સોનાના દાગીના ચમકાવી આપવાના પાવડરના સેલ્સમેન તરીકે બે ઠગ અલગ - અલગ વિસ્તારમાં ફરી રહ્યા હતા. આ ઠગ અપટુડેટ બની માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો સ્વાંગ રચી વિસ્તારમાં ડોર ટુ ડોર ફરવા લાગ્યા હતા.
અંકલેશ્વર(Ankleshwar)માં વૃદ્ધાને સોનુ ચમકાવાની લાલચ આપી બે ગઠિયાઓ બે લાખ રૂપિયા ઉપરાંતનું સોનુ સેરવી ગયા હતા. વૃદ્ધા ઘરમાં એકલી હતી ત્યારે સેલ્સમેનના સ્વાંગમાં ૨ ગઠિયાઓ મહિલાના ઘરમાં પ્રવેશ્યા હતા જેમણે મહિલાને તેણે પહેરેલ સોનાના દાગીના ઝાંખા પડી ગયા હોવાનું જણાવી સામાન્ય પ્રક્રિયામાં મફતમાં ચમકતા કરી આપવાની લાલચ આપી હતી. મહિલાની નજર ચૂકવી ગઠિયાઓ સોનાના દાગીના સેરવી રફુચક્કર થઇ ગયા હતા. બનાવ સંદર્ભે પોલીસને ઘટનાની જાણ કરવામાં આવતા વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ સહિતની દોડધામ કરી ઠગને ઝડપી પાડવા પ્રયાસ હાથ ધરવામાં આવી છે.
અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા વિસ્તારમાં સોનાના દાગીના ચમકાવી આપવાના પાવડરના સેલ્સમેન તરીકે બે ઠગ અલગ – અલગ વિસ્તારમાં ફરી રહ્યા હતા. આ ઠગ અપટુડેટ બની માર્કેટિંગ એક્ઝિક્યુટિવનો સ્વાંગ રચી વિસ્તારમાં ડોર ટુ ડોર ફરવા લાગ્યા હતા. ફરતા ફરતા બંને અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા પાસે આવેલી સહજાનંદ એપાર્ટમેન્ટમાં પૂર્ણિમાબેન દવે ના ઘરે પહોંચ્યા હતા. મહિલા ઘરે એકલી હોવાથી સોફ્ટ ટાર્ગેટ તરીકે તેને ઠગી લેવા કાવતરાની શરૂઆત કરી હતી.
આ ભેજાબાજોએ પૂર્ણિમાબેન દવેને તેમને પહેરેલા દાગીના ઝાંખા પડી ગયા હોવાનું બતાવી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે સોની ઝાંખું પડી ગયું હોવાથી તેનું મૂલ્ય સારું દેખાયું નથી તેઓ મફતમાં સોનુ ચમકાવી આપશે. પહેલા ચાંદીની એક વાટકી ચમકાવી આપતા મહિલાને વિશ્વાસ પડ્યો હતો. હવે તેણે મંગલસૂત્ર, ચેઇન અને બે પાટલા કાઢીને આપી ધોવા આપ્યા હતા. બન્નેએ સોનુ ચમકાવી આપવાના બહાને મહિલાનું 5 તોલા સોનુ કૂકરમાં મુકાવ્યું હતું. મહિલાને સોનુ ચમકાવવા ૧૦ – ૧૫ મિનિટની પ્રક્રિયા હોવાનું જણાવી કૂકરમાં કેમિકલવાળા પાણીમાં સોનુ મુકવાના બહાને તફડાવી લીધું હતું. મહિલાએ પ્રક્રિયા અનુસાર બે સીટી મારી કુકર ખોલ્યું તો સોનુ ગાયબ થઇ ગયું હતું. તાત્કાલિક આસપાસના વિસ્તરમાં શોધખોળ કરવા છતાં બંને ભેજાંબાજ ક્યાંય મળ્યા નથી
હિન્દી, તમિલ અને અંગ્રેજી ભાષા બોલતા બન્ને ભેજાબાજોએ તેમને ઠગ્યા હોવાનો એહસાસ થતા મહિલાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવી છે. અંકલેશ્વર પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહીત વર્ણનના આધારે ભેજાબાજોની શોધખોળ શરૂ કરી છે.