ખંભાતની (Khambhat) ઓળખ એટલે ખંભાતનો અખાત. ખંભાતની ઓળખ એટલે અકીક ઉદ્યોગ. ખંભાતની ઓળખ એટલે હલવાસન અને સુતરફેણી, પણ લાગે છે કે ખંભાતની ઓળખમાં લોકોએ પીવું પડતું ક્ષારવાળું પાણી પણ ઉમેરવું પડશે. 1 લાખ 19 હજારની વસ્તી ધરાવતા ખંભાત શહેરમાં પેઢીઓથી ક્ષારવાળું ખારું પાણી નાગરિકો પી રહ્યા છે. જોકે રાજ્ય સરકારે લગભગ 10 વર્ષ પહેલાં નાગરિકોને મીઠુ પાણી પીવા માટે મળી રહે તે માટે કનેવાલ સરોવરથી 32 કી.મી. પાઇપલાઈન નાખીને ખંભાતના માધવલાલ સ્કૂલ પાછળ ફિલ્ટરેશન પ્લાન્ટ (Filtration plant) બનાવ્યો હતો. જેનો આશય કણેવાલ સરોવરમાં મહીં કેનાલમાંથી અપાતું પાણી મીઠું હોવાથી ખંભાતના નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી (Pure drinking water) મળી રહે, પણ પાલિકા તંત્રની ઘોર બેદરકારીને કારણે ફિલ્ટરેશન પ્લાન્ટ લાંબા સમયથી બંધ હાલતમાં પડી રહયો છે.
ખંભાતમાં રહેતા નાગરિકો માટે મીઠું પાણી સ્વપ્ન જેવું છે. પાલિકા અને શાસકોની હવાઈ વાતોને કારણે આજે કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ લોકોએ ક્ષારવાળું પાણી જ પીવું પડી રહ્યું છે. પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરી નાગરિકોને આપી શકાશે એવા હેતુ સાથે રાજ્ય સરકારે પ્લાન્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો, પણ ખંભાત પાલીકાના સત્તાધીશોની બેદરકારી અને અણઆવડતને કારણે ફિલ્ટરેશન પ્લાન્ટ પોતે જ પાણી વગર બિસ્માર હાલતમાં ફેરવાઈ રહ્યો છે, જયારે આ અંગે માહિતી માટે tv 9એ પાલિકા કચેરીમાં તપાસ કરી તો પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરની ચેમ્બરો સુમસામ જોવા મળી.
ફિલ્ટરેશન પ્લાન્ટ બંધ હોવાના કારણો જાણવા tv9ની ટીમ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટ પાસે પહોંચી હતી. તેમના જવાબો સાંભળતા તો લાગ્યું કે અહીંના અધિકારીઓને લોકોની સુવિધામાં કે પાણીની યોજના-બોજનામાં કોઈ રસ નથી. તેમને તો માત્ર હાજરી પૂરાવી પગાર લઈને ઘરે જવામાં જ રસ છે. આ તરફ રાજ્ય સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ એક વર્ષ પહેલાં જ જે પાલિકાના પ્રમુખ હતાં તે યોગેશભાઈએ નાગરિકોને R.O.નું પાણી વેચાતું આપવા ચાર પ્લાન્ટ ઉભા કરી દીધા.
આ તો થઈ ખર્ચો કરીને પાણી લેવાની વાત પણ અહીંના નાગરિકો પાલિકા પાસે મફત મીઠાં પાણીની માગ કરી રહ્યા છે અને ટેક્સ ભરતાં લોકોને મોટી સુવિધાઓ તો છોડો સાવ સામાન્ય જરૂરિયાતનું મીઠું પાણી પણ ન મળે એ જ કેવી આઘાતની વાત છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો