ગુજરાતમાં ઉત્તરાયણના પર્વેને હવે ગણતરીના દિવસો બાકી છે. તેમજ હાલમાં રાજ્યના પોલીસ દ્વારા જીવલેણ અને પ્રતિબંધિત એવી ચાઇનીઝ દોરીને ઝડપવાની કાર્યવહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઉત્તરાયણ પર્વ દરમ્યાન આપણે પણ સુરક્ષિત બનીને અને અબોલ પક્ષીનો જીવ પણ બચાવીએ તે ઇચ્છનીય છે.આ તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે ઉજવાઇ તે પણ જરૂરી છે. ત્યારે અમે આપને કેટલીક એવી ટીપ્સ આપી રહ્યા છીએ જેનાથી આપનો તહેવાર હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી શકાય.
ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે, આ તહેવાર પહેલા અને તહેવાર દરમિયાન બાળકોથી માંડીને યુવાઓ અને અબાલ વૃધ્ધો સૌ અગાસી પર ચઢીને પતંગ ચગાવવાની મજા અવશ્ય લેતાં હોય છે. પરંતુ આ મજા કયાંક આપણી કે આપણા પરિવાર માટે ઉદાસીનતામાં ન ફેરવાય તે માટે આપણે જો આટલું અવશ્ય કરીશું તો, ઉત્તરાયણની મજા મોજ, આનંદ અને ઉત્સાહથી માણી શકીશું.
આ પર્વની મોજ માણતાં પૂર્વે આપણે સૌ પ્રથમ પ્રાથમિક સારવારની કીટ તૈયાર રાખીએ. આપણા ધાબાની પાળીની ઉંચાઇ પૂરતી છે કે કેમ તેની ખાતરી કરી લેવી જોઇએ. ધાબા કે અગાસી કરતાં ખૂલ્લાં મેદાનમાં પતંગ ચગાવવાનું વધુ પસંદ કરવું જોઇએ. પતંગ ચગાવતી વખતે સમજદારી, સદ્દભાવ અને સાવચેતી રાખીએ. માનવી, પશુઓ અને વાહનોથી સાવચેત રહીએ, માથા ઉપરથી પસાર થતા વીજળીના તારથી દૂર રહીએ. જયારે બાળકો પતંગ ચગાવતાં હોય ત્યારે એક વાલી તરીકે આપણે તેઓની દેખરેખ રાખીએ.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન ખાસ કરીને આપણે સવારે 6 થી 8 અને સાંજના 5 થી 7 દરમિયાનનો આ જે ગાળો છે તે ખાસ કરીને પક્ષીઓના ગગનમાં વિહરવાનો ગાળો હોઇ, આ ગાળા દરમિયાન પક્ષીઓ ગગનમાં વધુ પ્રમાણમાં વિહરતા હોવાથી આ સમય દરમિયાન પતંગ ચગાવવાનું ટાળીએ જેથી પક્ષીઓને ઇજા ન થાય અને તેઓના જીવનું રક્ષણ કરી શકીએ.
હાલ કોરોના વાયરસના સંક્રમણની સ્થિતિમાં વધારો થઇ રહ્યો છે, અને ખાસ કરીને કોરોના સંક્રમણની સાથે નવા વેરિએન્ટ એમિક્રોનના કેસો પણ જોવા મળી રહ્યા છે. કોરોના અને એમિક્રોનના આ વાયરસનો વ્યાપ ન વધે અને વધુ ન ફેલાય તેની સંપૂર્ણ કાળજી અને તકેદારી રાખવી એ આપણી નૈતિક ફરજ બની રહે છે, ત્યારે ઉત્તરાયણના તહેવાર દરમિયાન આપણા કલ્યાણ, સુખ અને સલામતી તથા સ્વાસ્થ્ય સુખાકારી માટે આપણા પોતાના પરિવાર સિવાય મિત્રો તથા અન્યોને આપણા ઘરની અગાસી પર ભેગા ન કરીએ એ આજના સમયની માંગ છે.