અમરેલી: દિલિપ સંઘાણીએ CMને પત્ર લખી લેટરકાંડના ફરિયાદીનો નાર્કો ટેસ્ટ કરાવવાની કરી માગ
અમરેલી લેટરકાંડના દિલિપ સંઘાણીના પત્રથી જિલ્લાના રાજકારણમાં વધુ એક રાજકીય ભૂકંપ આવી ગયો છે. દિલીપ સંઘાણીએ સીએમને પત્ર લખ્યો છે. જેમા લેટરકાંડના ફરિયાદીનો નાર્કો ટેસ્ટ કરાવવાની માગ કરી છે. આ મુદ્દે હવે વિપક્ષને પણ બોલવાનો મોકો મળી ગયો છે.
અમરેલીના ચકચારી લેટરકાંડમાં પાટીદાર યુવતીની ધરપકડ અને સરઘસ કાઢવા મુદ્દે ભાજપ સરકાર પહેલેથી ભેખડે ભરાયેલી છે. ત્યારે લેટરકાંડના આરોપી મનિષ વઘાસિયાના આક્ષેપો બાદ ફરી અમરેલી પોલીસ અને સરકારની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. મનિષ વઘાસિયાએ જેલમુક્ત થયા બાદ મીડિયા સમક્ષ આવી પોલીસ દ્વારા કેટલાક નામો લેવા માટે દબાણ કરવામાં આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. મનિષ વઘાસિયાના આ આક્ષેપો બાદ જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવી ગયો છે અને પોલીસની કામગીરી સામે ફરી સવાલો ઉઠ્યા છે. આ અંગે દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી છે. સાથોસાથ સંઘાણીઓ ખુદનો પણ નાર્કોટેસ્ટ કરવાની તૈયારી બતાવી છે. સંઘાણીએ પત્રમાં સવાલ કર્યો છે કે અમરેલી પોલી પોતાની જાતે, પોલીસના કોઈ ઉચ્ચ અધિકારી અથવા તો રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરી હોવાનુ જણાય છે. કોઈ સામાન્ય વ્યક્તિના ઈશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય ન જ કરે.
સંઘાણીએ કૌશિક વેકરિયાની છબી ખરડતા લેટરની સત્યતા અંગે જણાવ્યુ કે લેટર સાચો કે ખોટો તે સાથે મારે કંઈઆ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા હું પોતે નાર્કો ટેસ્ટ કરાવવા તૈયાર છુ. તેમજ ફરિયાદી અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઈએ જેથી વાસ્તવિક્તા બહાર લાવી શકાય. આ ઉપરાંત પાયલ ગોટીની ધરપકડ અંગે સંઘાણીએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે સરકાર મહિલાની રાત્રે થયેલી બાબતને છાવરે છે તે બાબત ખોટી છે. સરકાર સાચી હકીકત લાવવા કાનુની કાર્યવાહી કરે છે.
સંઘાણીના લેટર બાદ કોંગ્રેસ ફરી ફ્રન્ટફુટ પર આવી ગઈ છે.આ અંગે પરેશ ધાનાણીએ X પર ‘અમરેલીની આબરૂ બચાવો’ની ટેગલાઈન સાથે પોસ્ટ કરી છે. કલંકિત કરનાર ઘટના પાટીલ ગેંગનું જ ગુનાહિત ષડયંત્ર ગણાવ્યુ છે. વધુમાં ધાનાણીએ ઉમેર્યુ કે ગુજરાત ભાજપના ગુરુ અને બંને ચેલાઓના નાર્કો ટેસ્ટ કરાવો. ગુનેગારોને રાજકીય ફાંસીના માંચડે ચડાવો. ઘટનાની તપાસ સિટિંગ જજને સોંપવા ધાનાણીએ માગ કરી છે.
આ તરફ વિરજી ઠુમ્મરે પણ ભાજપના નેતાઓના નાર્કો ટેસ્ટની માગ કરી છે. ગૃહરાજ્યમંત્રી અને કૌશિક વેકરિયાનો નાર્કોટેસ્ટ કરાવવાની વિરજી ઠુમ્મરે માગ કરી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતે સંઘાણીના પત્રને યોગ્ય ગણાવ્યો છે. આ તરફ જિલ્લા ભાજપના નેતા ભરત કાનાબારે પણ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવતા તમામ આક્ષેપોની નિષ્પક્ષ અને ઉંડી તપાસ થવી જોઈએ તેમ જણાવ્યુ છે.