AMRELI : સિંહોના સ્થળાંતર મામલે વિરોધ યથાવત, રેન્જ ફોરેસ્ટ અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

આ ઘટના રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તારની છે, જ્યાં 18 ઓગસ્ટની મધરાતે ધારી ડિવિઝન ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 3 સિંહણ સહિત 5 સિંહના ગ્રૂપને પાંજરે પૂરી લઈ જવાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 3:40 PM

AMRELI : રાજુલા પાસેના કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુ કરી 5 સિંહોને વનવિભાગે ખસેડી લેતા વિવાદ સર્જાયો છે. સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપ્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, કોવાયા વિસ્તારમાંથી રેસ્ક્યુના બહાને 5 સિંહોને જસાધાર લઈ જવામાં આવ્યા છે. વનવિભાગ દ્વારા ક્યા કારણોસર સિંહોનું સ્થળાંતર કરવામાં આવ્યું એ બાબતે વનવિભાગ કોઈ જ ખુલાસો નથી આપી રહ્યું. સિંહોને ફરીથી તેના કુદરતી વાતાવરણમાં વિહરતા છોડી દેવાની સિંહ પ્રેમીઓએ માંગ કરી છે.એશિયાટિક સિંહ અને અમરેલી જિલ્લાની શાન ગણાતા ડાલામથ્થા વનરાજ પરિવારનું રેસ્ક્યૂ કરાયું હતું. જેના 5 દિવસ બાદ પણ સિંહ પરિવારને પરત ન લવાતા સિંહપ્રેમીઓની ચિંતા વધી છે.

આ ઘટના રાજુલા પીપાવાવ કોસ્ટલ વિસ્તારની છે, જ્યાં 18 ઓગસ્ટની મધરાતે ધારી ડિવિઝન ગીર પૂર્વની ખાંભા તુલસીશ્યામ રેન્જ દ્વારા 3 સિંહણ સહિત 5 સિંહના ગ્રૂપને પાંજરે પૂરી લઈ જવાયા હતા.આ કાર્યવાહી સ્થાનિક પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના વનવિભાગને દૂર રાખીને કરાઈ હતી.વનવિભાગની આ કાર્યવાહી આસપાસના સિંહપ્રેમીઓને શંકાસ્પદ લાગતા તેમણે ચિંતા વ્યક્ત કરી છે.સ્થાનિકોનું કહેવું છે કે સિંહ સ્વસ્થ હોવા છતાં શા માટે તેમને અહીંથી લઈ જવામાં આવ્યા? શા માટે સિંહને પરત લાવવામાં નથી આવતા? સિંહ પ્રેમીઓના આ સવાલનો જવાબ વનવિભાગે આપ્યો નથી.

આ અંગે કોવાયા ગ્રામ પંચાયતના ઉપસરપંચે કહ્યું હતું કે આ તંદુરસ્ત પ્રાણીને પાછા લાવવા અમે વનમંત્રી અને જે કઈ પણ ડીવીઝન હશે તેને પત્ર લખીશું. જેના ભાગરૂપે આજે આ ગ્રામજનોએ અને સ્થાનિક સિંહ પ્રેમીઓએ પ્રાંત અધિકારી અને રેન્જ ફોરેસ્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આ પણ વાંચો : શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં ગેરહાજર રહ્યાં

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">