ગુજરાતીઓને મહાકુંભ જવુ બન્યુ સરળ ! હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો બસ દોડશે, જાણો કેટલાનું છે પેકેજ
મહાકુંભમાં જવા માટે હજી પણ રાહ જોઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. અત્યાર સુધી તો અમદાવાદથી જ ગુજરાત સરકાર અને એસ.ટી.ની વોલ્વો બસ સેવા તમને મહાકુંભની સફર કરાવતી હતી, પરંતુ લોકોની ડિમાન્ડ જોતાં હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો દોડશે..પણ આ બસ કેવી રીતે મળશે, ક્યારે ઉપડશે, ટિકિટનો દર શું હશે, કેટલા દિવસ માટેનું પેકેજ હશે એ બધું જ અમે તમને જણાવીશું.

મહાકુંભમાં જવા માટે હજી પણ રાહ જોઈ રહ્યા હોવ તો આ સમાચાર તમારા માટે છે. અત્યાર સુધી તો અમદાવાદથી જ ગુજરાત સરકાર અને એસ.ટી.ની વોલ્વો બસ સેવા તમને મહાકુંભની સફર કરાવતી હતી, પરંતુ લોકોની ડિમાન્ડ જોતાં હવે સુરત, વડોદરા અને રાજકોટથી પણ મહાકુંભ માટે વોલ્વો દોડશે..પણ આ બસ કેવી રીતે મળશે, ક્યારે ઉપડશે, ટિકિટનો દર શું હશે, કેટલા દિવસ માટેનું પેકેજ હશે એ બધું જ અમે તમને જણાવીશું.
મેટ્રો શહેરોમાંથી મહાકુંભની બસ શરુ
પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં જવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી ભક્તો ઉત્સુક છે. ટ્રેન અને ફ્લાઈટમાં ભારે ભીડ થતી હોય એ જોતાં ગુજરાત એસટી અને ટુરિઝમ વિભાગ દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ વચ્ચે વોલ્વો બસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે ત્યારબાદ સુરત, વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માગ કરી હતી. જે એસટી વિભાગે સ્વીકારી છે અને હવે 4 ફેબ્રુઆરીથી સુરત, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજ માટે વોલ્વો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
એસટી વિભાગ દ્વારા રહેવા સહિતની વ્યવસ્થા
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકીનો અવસર મળે એ માટે હવે મુંઝાવાની જરૂર નથી કેમકે રાજ્ય સરકારે આ સેવાનો વ્યાપ વધારવા ગુજરાતના મેટ્રો શહેરોમાંથી પણ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બસમાં મુસાફરી કરનારા મુસાફરો માટે એસટી વિભાગ દ્વારા રહેવા સહિતની વ્યવસ્થા અંગે જરુરી સૂચનાઓ પણ જાહેર કરી છે. આ બસનું 2 તારીખથી બુકીંગ શરૂ થયું છે.
રાત્રી રોકાણ અલગ અલગ સ્થળે
4 ફેબ્રુઆરીથી નવી પાંચ બસ દોડાવાશે. જેમાં અમદાવાદથી વધુ એક બસ ઉપરાંત સુરતથી 2 અને વડોદરા-રાજકોટથી 1-1 બસ દોડાવાશે. સુરત તથા રાજકોટ ખાતેથી નવીન શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા MP Border મુકામે કરવામાં આવી છે. તો અમદાવાદ અને વડોદરા ખાતેથી નવીન શરુ થયેલી બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) મુકામે કરવામાં આવશે. શરુ થનારી આ તમામ નવીન 6 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે.
ક્યાંથી બસ, કેટલાની ટિકિટ ?
ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી પ્રયાગરાજ વચ્ચે જે વોલ્વો બસ ચાલશે. તેના પેકેજના દરની વાત કરીએ તો અમદાવાદથી રૂ. 7800, સુરતથી રૂ. 8300, વડોદરાથી રૂ. 8200, રાજકોટથી રૂ. 8800 છે. 2 ફેબ્રુઆરી સાંજે 5 વાગ્યાથી ઓનલાઈન બુકિંગ શરુ થઇ ગયુ છે. એસ.ટી. નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી બુકિંગ કરી શકાશે.