કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કાયદા નિષ્ણાતો વચ્ચે ફરી ઉઠ્યો ગુજરાતી ભાષાનો મુદ્દો, કોણે કહ્યું ગુજરાતી ભાષા બોલતા શરમાશો નહીં, વાંચો આ અહેવાલ…
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ ગ્રહણ સમારોહમાં, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ગુજરાતી ભાષા પ્રત્યેની શરમ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે નવા વકીલોને માતૃભાષા બોલવામાં ગૌરવ અનુભવવાનો સંદેશ આપ્યો.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાત આયોજિત ઈતિહાસમાં તેમના સૌથી મોટા શપથ ગ્રહણ સમારોહમાં હાજર દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતા કે જેઓ દેશના મહત્વના મુદ્દે વિવિધ અદાલતોમાં કેન્દ્ર સરકાર અને એજન્સીઓનો પક્ષ મુકતા હોય છે અને મૂળ ગુજરાતી છે.
તેમના દ્વારા ગુજરાતી ભાષાને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી, તુષાર મહેતાએ માતૃભાષા વિશે વાત કરતા કહ્યું કે “હું ગુજરાતમાં ગુજરાતી ભાષા બોલવા પ્રત્યેની શરમ વધુ જોવું છું, કોઈ મોટા વ્યક્તિને જુએ કે તરત લોકો અંગ્રેજી બોલવાની શરૂઆત કરી લે છે, આજે તમે બધા જ્યારે વકીલાતની શપથ લેવાના છો ત્યારે સાથે- સાથે મારી માતૃભાષા બોલવાથી શરમાઈશ નહીં તેની પણ શપથ લેજો, જે ભાષામાં શપથ લો છો, જે ભાષાને તમે પ્રેમ કરો છો અને જે ભાષામાં ગાળ બોલો છો એ ભાષા બોલવામાં શરમાવું જોઈએ નહીં.”
આપણા લોકો મારા અંગ્રેજી પણામાં ગુજરાતીની લઢણ આવી જશે તેવો ડર રાખે છે પણ અંગ્રેજી બોલતા સમયે પંજાબના કે તમિલના લોકોની પણ તેમની માતૃભાષાની લઢણ આવે છે પરંતુ છતાં પણ તેઓ આત્મવિશ્વાસ સાથે બોલે છે એમ તમારે પણ આત્મવિશ્વાસ સાથે બોલવું અંગ્રેજી જોઈએ.
તાળીઓના નાદથી સભા ગૃહ ગુંજી ઉઠ્યું
SG તુષાર મેહતાની વાત સાંભળતાની સાથે જ સભા ખંડમાં બેઠેલા અંદાજીત 17 હજાર લોકોની તાળીઓના નાદથી સભા ગૃહ ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે લોકોને ન્યાય તેમની પોતાની ભાષામાં જ મળે તેની માંગ છેલ્લા કેટલાય સમયથી ઉઠી રહ છે.
તેવામાં હજારો વકીલોની માતૃ સંસ્થા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સૌથી મોટા મંચ પરથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કરેલી વાત ઘણી સૂચક સાબિત થઈ શકે છે.
ગુજરાતી ભાષાને મળતું મહત્વ
મહત્વનું છે કે આ વિષય પર અનેક લોકો પોતાના વિચારો વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ હજુ પણ કેટલાક પદાધિકારીઓ જાહેરમાં આ વિશે ખુલીને વાત કરતા ખચકાય છે, ત્યારે આગામી ભાષામાં લોકોને મળતો ન્યાય અને ગુજરાતી ભાષાને મળતું મહત્વ વધે છે કે કેમ તે અંગે સમય જતા ખ્યાલ આવશે.