અમદાવાદમાં (Ahmedabad) 200 વર્ષ કરતાં પણ વઘારે સમયથી પૌરાણિક ગણાતી રથયાત્રામાં (Rathyatra) રથનું આગવું માહાત્મય છે. જ્યારે ભગવાન રથ (Chariot) માં સવાર નથી હોતા ત્યારે ભાવિકો રથને જ ભગવાનની પ્રતિકૃતિ માનીને શીશ નમાવતા હોય છે. અમદાવાદમાં જે રથમાં બેસીને ભગવાન નગરચર્યાએ નીકળે છે તે રથ વર્ષો અગાઉ ભરૂચના ખલાસીઓ દ્વારા વિશેષ સેવા રૂપે બનાવવામાં આવ્યા હતા. જોકે જગદીશ મંદિરના મહંત દીલિપદાસજીએ આ વર્ષે જણા્વ્યું હતું કે વર્ષો જૂના આ રથને બદલે ભગવાન આવતા વર્ષે નવ નિર્મિત રથમાં નગરચર્યાએ નીકળશે અને જૂના રથને વિશેષ ઐતિહાસિક સ્મૃતિ તરીકે જાળવી રાખવામાં આવશે.
તો નવા રથ વિશેષ સુવિધાસભર અને સુરક્ષાથી સજજ બનાવવામાં આવશે. વર્ષોથી આ રથ કંઈ કેટલીય ઘટનાઓના સાક્ષી બનેલા છે જેણે માનવ મહેરામણ પણ જોયો અને કોરોના કાળમાં ભક્તો વિનાનો શૂન્યવકાશ પણ જોયો છે. 1950ના દાયકામાં બનેલા રથની છે અનેક સ્મૃતિઓ
જગદીશ મંદિર ખાતેથી 144 વર્ષ પહેલા બહુ નાના પાયે શરૂ થયેલી રથયાત્રામાં ભગવાનને બળદગાડામાં લઈ જવાતા હતા. જેમાં સાધુસંતો ભાગ લેતા હતા. તે સમયે સરસપુરમાં રણછોડજીના મંદિરમાં સાધુસંતોનું રસોડું રાખવામાં આવતું હતું. જોકે અમદાવાદમાં વર્ષ 1878 માં સૌપ્રથમ તત્કાલીન મહંત નરસિંહદાસ રથયાત્રા શરૂ કરવાની ઈચ્છા વ્યકત કરી ત્યારે આ વાતની જાણ થતા ભરૂચના ખલાસી ભાઈઓ દ્વારા નાળિયેરીના લાકડામાંથી ત્રણ સુંદર રથ બનાવી મહંત નરસિંહદાસજી ભેટ ધરવામાં આવ્યા હતા. હતાં. જે રથમાં ભગવાન જગન્નાથજીને બિરાજમાન કરી સૌપ્રથમ અમદાવાદમાં રથયાત્રા નીકળી હતી. રથના જે દોરડા હોય છે તેને શંખચૂડ કહેવામાં આવે છે. અને ખલાસીઓ જ આ રથ ખેંચે છે. નાળિયેરીનું લાકડું ટકાઉં હોતું નથી આથી કાળક્રમે રથનું નિર્માણ સાગના મજબૂત લાકડાંમાંથી કરવામાં આવે છે. હાલના રથનું નિર્માણ 1950માં કરવામાં આવ્યું હતું.આથી કહી શકાય કે આ રથ રથયાત્રાના બદલાતા સ્વરૂપના મૂક સાક્ષી છે.
રથના પૈડાંને શૌર્ય તેમજ ધૈર્યના પ્રતીક તરીકે ગણવામાં આવે છે જ્યારે ધજાપતાકા એ શીલનું પ્રતીક છે. અને દોરડાં શંખચૂડનું પ્રતીક ગણવામાં આવે છે.
રથને ખેંચનારા ખલાસી ભાઈઓ અખાત્રીજે આવીને રથનું પૂજન કરે છે અને રથ યાત્રાના મહિના અગાઉ ત્રણેય રથને નવેસરથી સજાવવા માટેનું કામ શરૂ કરે છે જોકે આ વર્ષે આ સાત દાયકા જૂના રથને નિવૃત કરવામાં આવશે અને સ્મૃતિ તરીકે જાળવવામાં આવશે. વર્ષ 1993માં રથયાત્રા પર કોઈ દૂરથી ગોળીબાર ના કરે તે માટે બૂલેટપ્રૂફ કાચ લગાડવમાં આવ્યા હતા.
વર્ષ 1985માં રથયાત્રા માટે તે વખતની સરકારે મંજૂરી આપી નહોતી પણ સરજૂપ્રસાદ નામના હાથીએ આડશ માટે મૂકેલી પોલીસ વાનને સૂંઢથી ધક્કો મારીને હટાવી દીધી હતી આ બાબતને ઇશ્વરનો સંકેત માનીને રથયાત્રા કાઢવામાં આવી હતી. આથી આ રથ કોમી રમખાણો સહિતની ઘટનાઓના સાક્ષી બનેલા છે. જે આ વર્ષે નિવૃત થશે અને આવતા વર્ષે ભગવાન નવા રથમાં આરૂઢ થઇને નગરચર્યાએ નીકળશે.
Published On - 5:44 pm, Thu, 30 June 22