કેવી રીતે ભણશે ગુજરાત ! પુરતા જ્ઞાન સહાયકો મળ્યા નથી અને પ્રવાસી શિક્ષકોને છુટા કરવા છોડી દીધો આદેશ, અનેક સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ઘટ
રાજ્યમાં પ્રવાસી શિક્ષકોને અગાઉના ઠરાવ મુજબ છુટા કરવાનો રાજ્ય શિક્ષણ વિભાગે તમામ ડીઈઓ અને ડીપીઓને આદેશ તો કરી દીધો છે પરંતુ રાજ્ય શિક્ષણ વિભાગના અણઘડ વહીવટની પરાકાષ્ઠા એ છે કે હજુ પુરતા જ્ઞાન સહાયકો મળ્યા નથી અને પ્રવાસી શિક્ષકોને છુટા કરવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યની અનેક સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ગણિત વિજ્ઞાન જેવા મહત્વના સ્કોરિંગ વિષયોના શિક્ષકોની જ ઘટ છે અને બોર્ડની પરીક્ષાઓ પણ નજીક છે ત્યારે શિક્ષકો વિના વિદ્યાર્થીઓ કેવી રીતે ભણશે તે મોટો સવાલ છે.
રાજ્ય શિક્ષણ વિભાગના અણઘડ આયોજનનો ભોગ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ બનવાનો વારો આવ્યો છે. શિક્ષણ વિભાગે ઉચ્ચતર માધ્યમિક એટલે ધોરણ 11 અને 12 માં જ્ઞાન સહાયક શિક્ષકોની ભરતી કર્યા બાદ હવે પ્રવાસી શિક્ષકોને છૂટા કરવા માટે આદેશ કરી દીધો છે. જોકે જમીની હકીકત એ છે કે ધોરણ 11 અને 12 ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક શિક્ષકો પૂરતા પ્રમાણમાં મળ્યા નથી અને બીજી તરફ કામ ચલાઉ પ્રવાસી શિક્ષક તરીકે કામ કરી રહ્યા હતા, એ શિક્ષકોની 23મી જાન્યુઆરીએ મર્યાદા પૂર્ણ થતા છૂટા કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.
અનેક સરકારી- ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટ
રાજ્યની ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે સરકાર પ્રવાસી શિક્ષકોની યોજના લઈને આવી હતી. જેમાં TET-TAT પાસ ઉમેદવારોને લેવામાં આવતા હતા. જો કે ત્યારબાદ ચાલુ શૈક્ષણિક વર્ષથી જ્ઞાન સહાયક યોજના લાવવામાં આવી. જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં જ્ઞાન સહાયકો આપવામાં આવ્યા. પૂરતા પ્રમાણમાં શાળાઓને જ્ઞાન સહાયકો ન મળતા તેમને 6 મહિના માટે પ્રવાસી શિક્ષકો રાખવા છૂટ આપવામાં આવી હતી. જે 23 જાન્યુઆરીએ પૂર્ણ થતાં પ્રવાસી શિક્ષકોને તાત્કાલિક છુટ્ટા કરવા સૂચના આપવામાં આવી છે.
જ્ઞાન સહાયકો મળ્યા નથી, પ્રવાસી શિક્ષકોનો કરાર પૂર્ણ થતા છુટા કરવાનો કરી દીધો આદેશ
હાલ સ્થિતિ એવી છે કે બે રાઉન્ડ બાદ પણ શાળાઓને જ્ઞાન સહાયકો નથી મળ્યા. શૈક્ષણિક કાર્ય પ્રવાસી શિક્ષકો થકી ચાલી રહ્યું હતું એ પણ સરકારના નિર્ણયના કારણે ખોરંભાયું છે. શાળા સંચાલકો કહે છે કે કેટલાક વિષયો એવા છે કે જેના શિક્ષકો જ્ઞાન સહાયક યોજના હેઠળ મળ્યા જ નથી. ઉપરાંત અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ શિક્ષકો નથી મળ્યા. જેથી આ યોજનાનો અર્થ રહેતો નથી. સમગ્ર રાજ્યમાં હાલ 8 હજારથી વધુ શિક્ષકોની ઘટ સર્જાઈ છે.
શિક્ષક વગરની શાળા એ ભાજપનું મોડલ: મનિષ દોશી
અમદાવાદ શહેરમાં ધોરણ 11 અને 12 માટે 310 જ્ઞાન સહાયક શિક્ષકો ફાળવવામાં આવ્યા હતા. જે પૈકી 50 થી વધુ શિક્ષકો હાજર નથી થયા. અમદાવાદ શહેરમાં આ સ્થિતિ છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં તો જ્ઞાન સહાયકો મળવા જ મુશ્કેલ બન્યું છેૃ. ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી જેવા મહત્વના વિષયોમાં જ શિક્ષકોની સૌથી વધુ ઘટ છે.
સરકારના આ નિર્ણયની વિપક્ષ પણ ટીકા કરી રહ્યો છે. કોંગ્રેસે જણાવ્યું કે શિક્ષક વગરની શાળાઓ ભાજપનું મોડલ રહ્યું છે. દુઃખની બાબત છે કે ગરીબ અને મધ્યમવર્ગના બાળકોને ભણાવવા શિક્ષક જ નથી. બીજું સત્ર શરૂ થયું છે અને સામે પરીક્ષાઓ આવી રહી છે ત્યારે સરકારે તાત્કાલિક જ્ઞાન સહાયક આપવા જોઈએ. જ્યાં જ્ઞાન સહાયક ન આપી શકે ત્યાં પ્રવાસી શિક્ષકો આપવામાં આવે એવી પણ માંગ કરાઈ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો