Ahmedabad : ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગના કેસ વધતા અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં દર્દીઓનો ધસારો
અમદાવાદ શહેરમાં વરસાદે તો વિરામ લીધો છે, પરંતુ રોગચાળો વિરામ નથી લઈ રહ્યો. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે કારણ કે વરસાદના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચોમાસાની સિઝન આવે અને તે સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો પણ સામે આવતા હોય છે. જોકે છેલ્લા થોડા દિવસથી શહેર અને રાજ્યમાં વરસાદે તો વિરામ લીધો. પરંતુ વરસાદના કારણે પાણીજન્ય અને મચ્છરજન્ય થતા રોગો વિરામ નથી લઈ રહ્યા. આ એટલા માટે કહેવું પડી રહ્યું છે. કારણ કે આ રોગમાં સતત વધારો થયો છે.
ચોમાસાની સીઝનમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાના કેસ વધતા અસારવા સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં વધારો નોંધાયો છે. અસારવા સિવિલમાં છેલ્લા 18 દિવસમાં ડેન્ગ્યુના 89 કેસ નોંધાયા, સાદા મલેરિયાના 19 કેસ, ઝાડા ઉલ્ટીના 100 કેસ નોંધાયા. તેમજ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 5 લાખ 24 હજાર કેસ નોંધાયા. જેમાં સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 6 મહિનામાં 57 હજાર લોકો દાખલ થયા છે.
તો સોલા સિવિલની વાત કરીએ તો. છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના 108 કેસ નોંધાયા. જે ગત સપ્તાહમાં 95 કેસ હતા. તેમ જ તાવ, શરદી સહિત વાયરલ ઇન્ફેક્શનના એક સપ્તાહમાં 1397 કેસ નોંધાયા જે ગત સપ્તાહે 1463 કેસ હતા. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં રોજના 1700 થી 1800 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.
તેમજ બાળકોની ઓપીડી માં 25 થી 28% જેટલા દર્દીને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. તો ગુજરાતમાં જુલાઈ 2023 સુધી એટલે કે સાત મહિનામાં ડેન્ગ્યુના 876 અને ચિકનગુનિયાના 136 કેસ નોંધાયા હતા. તો અસારવા સિવિલમાં દર્દીઓને તકલીફ ન પડે તે પ્રકારે સારવાર અપાઈ રહી છે.
જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આંકડા જોઈએ તો. શહેરમાં ઓગસ્ટ ના ફક્ત 12 દિવસમાં ઝાડા ઉલટીના 481, કમળાના 313 અને કોલેરાના 18 કેસ નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 243 કેસ નોંધાયા છે, અને તેમાં પણ વટવા, લાંબા, રામોલ, અસારવા, ઇસનપુર સહિત શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસ વકર્યા છે. અને ઝાડા ઉલટી અને ડેન્ગ્યુ ના રોજના 50 જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.
ગત વર્ષે ઓગસ્ટ મહિનામાં નોંધાયેલા ઝાડા ઉલટીના કેસની સરખામણી આ વર્ષે ઓગસ્ટના 12 દિવસમાં જ ઝાડા ઉલટી ના 50% થી વધુ કેસ નોંધાયા. જ્યારે ટાઈફોડ ના 389 કેસની સરખામણીએ ચાલુ વર્ષે ઓગસ્ટના 12 દિવસમાં 85 ટકા એટલે કે 313 કેસ નોંધાયા. જ્યારે ગત વર્ષે ઓગસ્ટમાં ડેન્ગ્યુના 256 કેસ નોંધાયા હતા જેની સામે ચાલુ વર્ષે ઓગસ્ટના ફક્ત 12 દિવસમાં ડેન્ગ્યુના 95 ટકા એટલે કે 243 કેસ નોંધાયા.
રોગચાળાના આંકડા સાથે કોર્પોરેશન દ્વારા કામગીરીના આંકડા પણ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં કોર્પોરેશનને મચ્છરજન્ય રોગને રોકવા સાથે ફોગીંગની પ્રક્રિયા હાથ ધરી છે. સાથે જ 49,916 જેટલા લોહીના નમૂના લીધા છે. 2312 જેટલા સિરમસેમ્પલ લેવાયા છે. 550 જેટલા પાણીના અનફીટ સેમ્પલ લેવામાં આવ્યા છે.
ખાસ કરીને ઝાડા ઉલટી અને ડેન્ગ્યુના કેસમાં પૂર્વ વિસ્તારમાં બહેરામપુરા, લાંભા, હાથીજણ, રામોલ, વટવા, ગોમતીપુરમાં જ્યારે ટાઈફોડના કેસો વટવા અને ગોમતીપુર માં નોંધાયા છે. જ્યારે સરખેજ, જોધપુર, બોપલ, સેટેલાઈટ, મેમનગર સહિતના પશ્ચિમ વિસ્તારમાં ડેન્ગ્યુના કેસો વધુ કેસો જોવા મળ્યા છે.
આ પણ વાંચો : Watch : રાજકોટની આર કે યુનિવર્સિટી કેમ્પસમાં ABVPના કાર્યકરો વિદ્યાર્થીને મારકૂટ કરતા હોવાનો આરોપ, Video
આ એ બાબત પણ સૂચવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોને અટકાવવા માટે કામ કરતી હોવા છતાં પણ શહેરમાં રોગચાળો અટકી નથી રહ્યો. જે બાબતે પણ તંત્ર એ વધુ ધ્યાન આપવાની જરૂર છે જેથી રોગચાળા પર કાબુ મેળવી શકાય.