GPSC ભરતીમાં ઇન્ટરવ્યૂની પારદર્શિતાને લઈ કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ, ઇન્ટરવ્યૂમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ હોવાનો મનિષ દોશીનો આરોપ
GPSCની ડ્રગ ઈન્સપેક્ટરની ભરતીમાં ઈન્ટરવ્યૂ પેનલની પારદર્શિતાને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. ઈન્ટરવ્યૂ લેનારી પેનલના તજજ્ઞોએ અન્ય સ્થળે ખાનગી સંસ્થામાં ડ્રગ ઈન્સપેક્ટરના મોક ઈન્ટરવ્યૂ પણ લીધા હોવાની જાણ થતા GPSC ચેરમેને લીધેલા 30 ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે. ત્યારે ઈન્ટરવ્યૂમાં ખેલ પાડવાનો આરોપ લગાવી કોંગ્રેસે GPSCની વિશ્વસનિયતા સામે સવાલ ઉઠાવ્યા છે.
રાજ્યમાં ફરી એકવાર GPSCની પારદર્શિતા સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. એક સમય હતો જ્યારે રાજ્યમાં ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પરીક્ષા કન્ડક્ટ કરાવવાની પદ્ધતિ, તેની પારદર્શિતાની દેશભરમાં મિસાલ આપવામાં આવતી હતી. જ્યારે અન્ય કોઈપણ પરીક્ષાના પેપરલીક કાંડ સામે આવતા ત્યારે GPSC કેવી રીતે પારદર્શિતા જાળવીને કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના પરીક્ષા આયોજિત કરે છે તેમાંથી શીખ લેવાની સલાહ આપવામાં આવતી હતી પરંતુ છેલ્લા થોડા સમયથી આ જ GPSC શંકાના ઘેરામાં આવ્યુ છે.
ખાસ કરીને GPSCની ભરતી માટે લેવાતા મૌખિક ઈન્ટરવ્યૂને લઈને GPSCની વિશ્વસનિયતા સામે હવે સવાલ ઉઠી રહ્યા છે. ઈન્ટરવ્યૂમાં ગોઠવણ થતી હોવાના, જાતિવાદના આરોપો સુદ્ધા લાગી રહ્યા છે. તાજેતરમાં જ બે દિવસ પૂર્વે GPSCએ ડ્રગ ઈન્સપેક્ટરની ભરતી માટે લીધેલા 30 ઈન્ટરવ્યૂ રદ કરવાની ફરજ પડી છે અને હવે નવેસરથી ઈન્ટરવ્યૂ લેવામાં આવનાર છે. ઈન્ટરવ્યૂ રદ કરવાની જાહેરાત ખુદ GPSCના ચેરમેન હસમુખ પટેલ દ્વારા કરવામાં આવી હતી. ડ્રગ ઈન્સપેક્ટરની ભરતી માટે ઈન્ટરવ્યૂ લેનારી તજજ્ઞોની પેનલે અન્ય ખાનગી સંસ્થામાં પણ મોક ઈન્ટરવ્યૂ લીધા હોવાની જાણ થતા GPSC દ્વારા લેવાયેલા ડ્રગ ઈન્સપેક્ટરના 30 ઈન્ટરવ્યૂ રદ કરી દેવાયા છે.
આ સમગ્ર મામલે હવે કોંગ્રેસે GPSCની પારદર્શિતા અને ઈન્ટવર્યુ કન્ડક્ટ કરવાની પદ્ધતિને લઈને સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસના પ્રવક્તા અને શિક્ષણવિદ્દ મનિષ દોશીનો આરોપ છે કે ઇન્ટરવ્યૂમાં ખેલ કરવાની ગોઠવણ શરૂ થઈ છે, GPSC પારદર્શક પરીક્ષાના ખોટા દાવા કરે છે. GPSC દ્વારા જે ઇન્ટરવ્યૂ દેનાર અને લેનારની ઓળખ ગુપ્ત રાખવાના દાવા કરાય છે તેનો આ ઘટનાથી છેદ ઉડ્યો છે.
આ સાથે શિક્ષણવિદ્દ મનિષ દોશીએ ઈન્ટરવ્યૂના ભારાંકને લઈને પણ ગુજરાતના ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. GPSC દ્વારા Written પરીક્ષા માટે 50% ભારાંક અને મોખિક માટે 50% ભારાંક રાખવામાં આવ્યો છે. આવી અગાઉની પરીક્ષાના પરિણામોના અભ્યાસ દ્વારા સ્પષ્ટ થયુ છે કે જે ઉમેદવારોને લેખિતમાં વધુ માર્ક હોય એમને ઇન્ટરવ્યૂમાં ખૂબ ઓછા માર્ક્સ મળે છે. જ્યારે જે ઉમેદવારોને લેખિતમાં ઓછા માર્ક્સ હોય તેમને ઇન્ટરવ્યૂમાં હાઈએસ્ટ માર્ક્સ આપવામાં આવે છે. જેને જોતા તાત્કાલિક ઇન્ટરવ્યૂનું ભારણ ઘટાડીને 10% કરવાની કોંગ્રેસે માગ કરી છે. કોંગ્રેસનું કહેવુ છે કે એકમાત્ર ગુજરાત રાજ્યને બાદ કરતા દેશના અન્ય રાજ્યોમાં પબ્લિક સર્વિસ કમિશનની પરીક્ષામાં ઈન્ટરવ્યૂનું ભારણ 10 થી 15 ટકા હોય છે. એકમાત્ર ગુજરાત જ એવુ રાજ્ય છે જ્યાં આ ભારણ 50% રાખવામા આવ્યુ છે. જેનાથી ગુજરાતના ઉમેદવારોને મોટાપાયે નુકસાન જઈ રહ્યુ છે. જેને તાત્કાલિક ઘટાડવાની કોંગ્રેસે માગ કરી છે.
Input Credit- Narendra Rathod- Ahmedabad