Ahmedabad: અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એક વખત મુસાફર નકલી પાસપોર્ટના આધારે મુસાફરી કરતા ઝડપાયો છે. મુસાફર યુવાન નકલી પાસપોર્ટના આધારે લંડન પહોંચી ગયો હતો. ચાર વર્ષ બાદ અમદાવાદ પરત આવતા ઇમિગ્રેશન વિભાગને શંકા ગઈ હોવાથી તપાસ કરતા ભાંડો ફૂટ્યો અને પોરબંદરના યુવાનની નકલી પાસપોર્ટ સાથે ધરપકડ કરી.
ક્રાઇમ એસ.ઓ.જીની ગિરફતમાં રહેલ લખનસી કેશવાલા નામના યુવાનની નકલી પાસપોર્ટ પર મુસાફરી કરતા એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ધટના કઈક એવી છે કે, મંગળવારે વહેલી સવારે યુ.કેથી અમદાવાદ આવેલી ફ્લાઈટમાંથી એક મુસાફર નીકળી રહ્યો હતો ત્યારે ઈમીગ્રેશન વિભાગે તેનો પાસપોર્ટ ચકાસતા તેના પોર્ટુગીઝ પાસપોર્ટમાં જન્મ સ્થળ ભારતનો હોવાથી ઈમીગ્રેશન અધિકારીને શંકા જતા તેને પુછપરછ કરી હતી. જેમાં તેણે યોગ્ય જવાબ ન આપતા તેની ઉંડી પુછપરછ કરવામાં આવતા પોરબંદરના વતની લાખનસી કેશવાલા નકલી પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હતો જેમાં ખોટું નામ લકમાને મહેન્દ્ર કુમાર રાખ્યું હતું અને પોર્ટુગીઝ તરીકે સેનેગલ સાઉથ આફ્રિકામાંથી પાસપોર્ટ બનાવ્યો હતો.
પકડાયેલ મુસાફર લખનશી કેશવાલાની પૂછપરછ કરતા કરતા સામે આવ્યું કે, વર્ષ 2018માં ભારતથી સાઉથ આફ્રિકા ગયો હતો. જ્યાં લખનસીએ 18 લાખ રૂપિયામાં સાઉથ આફ્રિકામાં વિપુલ નામનાં ગુજરાતી એજન્ટ પાસે પોર્ટુગીઝ પાસપોર્ટ બનાવ્યો હોવાની કબૂલાત કરી હતી. જે બાદ આરોપી લખનસી નકલી પાસપોર્ટના આધારે સાઉથ આફ્રિકાથી લંડન ગયો. જ્યાં બહેન-બનેવીના ઘરે રોકાઈને ઇંગ્લેન્ડ ખાતે રહેવા ગયો અને ત્યાં ખાનગી કંપનીમાં ડ્રાઇવિંગની નોકરી કરતો હતો. જે પછી વર્ષ 2021માં લખનસીએ પત્ની મનીષા તથા બન્ને બાળકોને ઇન્ડિયન પાસપોર્ટના આધારે લંડન બોલાવ્યા હતા.
આરોપી લખનસીના ઘરમાં પ્રસંગ હોવાથી ભારત આવ્યો હતો. જે અમદાવાદ એરપોર્ટ પર આવતા જ નકલી પાસપોર્ટ સાથે પકડાયો. જેમાં એરપોર્ટ પોલીસમાં ગુનો નોંધી આરોપીને ઝડપી ક્રાઇમ SOG ને સોંપ્યો હતો. જેમાં આરોપીની ધરપકડ કરી વધુ પુછપરછની કાર્યવાહી હાથ ધરી છે.