અમદાવાદમાં (Ahmedabad) પૈસાની લેતીદેતીમાં એક યુવકની હત્યાને (Murder) અંજામ આપવામાં આવ્યો છે. જેમાં આરોપીઓએ પોતાની ગાડીથી બુલેટ(Bullet)ઉપર જઈ રહેલા યુવકો પર ગાડી ચઢાવી દેતા એકનું મોત થયું છે. સમગ્ર મામલે પોલીસને અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, પરંતુ ઘટના સ્થળ ઉપરના દ્રશ્યો જોઈને પોલીસની આંખ પહોળી થઇ ગઇ હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ વસ્ત્રાલના તક્ષશિલા સ્કૂલના રોડ પર મોડી રાત્રે એક યુવકની હત્યાને અંજામ આપવામાં આવ્યો. વટવા વિસ્તારમાં રહેતો મૌલિક જોશી તેમજ તેનો મિત્ર રાજન અને શુભમ પોતાના એક મિત્રની જન્મદિવસની પાર્ટીમાં વસ્ત્રાલમાં આવેલા એક ફ્લેટ પર ગયા હતા, જ્યાં જન્મદિવસની ઉજવણી કરીને ત્રણેય મિત્રો બુલેટ લઈને પરત ફરી રહ્યા હતા તે સમયે એક ગાડીમાં સંગ્રામ તેમજ શિવમ ઉર્ફે કાકુ નામના બે લોકો અચાનક આવી પહોંચ્યા હતા અને બુલેટને ટક્કર મારી રોડ ઉપર પાડી દીધી હતી.
આ આરોપીઓએ ટક્કર માર્યા બાદ પણ ન અટકીને વારંવાર બુલેટ ઉપર અને ત્રણેય યુવકો પર ગાડી ચઢાવી હતી જેમાં મૌલિક જોશી નામના યુવકનું મોત નિપજ્યું હતું તો બુલેટનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. રોડ પર અકસ્માત થયો હોવાનો મેસેજ મળતા જ પહેલા ટ્રાફિક પોલીસ પહોંચી હતી, પણ ઘટના કઈક અલગ હોવાનું લાગતા રામોલ તેમજ ઓઢવ પોલીસની ટીમને જાણ કરાઈ. જ્યાં જઈને જોતા બુલેટ અને કાર બંનેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માતમાં બુલેટ પર સવાર મૌલિક જોશી નામના યુવકનું મોત થયું હતું તેમજ રાજન અને શુભમને ઇજાઓ થઈ હતી. ઘટના સ્થળે પોલીસ તપાસ કરી રહી હતી તે દરમિયાન ત્યાંથી એક જીવતો કારતુસ પણ મળી આવતા પોલીસ પણ ચોકી ઉંઠી હતી. તેવામાં સંગ્રામ અને શિવમ ઉર્ફે કાકો દ્વારા ફાયરિંગની કોઈ ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જોકે મૃતકના શરીરે કોઈપણ ગોળી વાગી ન હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે. તેવામાં આ ઘટના પગલે રામોલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે સંગ્રામ અને રાજન વચ્ચે પૈસાની માથાકૂટ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી અને વીસીના દસ લાખ રૂપિયા અંગે તેઓની વચ્ચે ઝઘડો થયો હતો. જોકે તે બંને વચ્ચેના ઝઘડામાં એક નિર્દોષ યુવકનો ભોગ લેવાઈ ગયો છે. આ ઘટનામાં મૃત્યુ પામેલો યુવક મૌલિક જોશી અગાઉ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો હોવાનું સામે આવ્યું છે તેમજ હત્યાને અંજામ આપનાર સંગ્રામ પણ પૂર્વ વિસ્તારમાં કોઈ ગુનામાં વોન્ટેડ હોવાનું ખુલ્યું છે.
હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી ફૂટેજ તેમજ આજુબાજુના લોકોની પૂછપરછ કરી આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો કામે લગાડી છે. તેમજ ઘટના સમયે ફાયરિંગનો કોઈ બનાવ બન્યો છે કે કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહ્યું કે કારથી કચડીને ક્રૂર હત્યા કરનાર આરોપી પોલીસની ગિરફતમાં ક્યારે આવે છે.
Published On - 6:23 pm, Fri, 7 October 22