Breaking News : 10 આરોપીઓને આજીવન કારાવાસ, અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યા કેસમાં આપ્યો ચુકાદો, જુઓ Video
અમદાવાદ સેશન્સ કોર્ટે સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ ચાલેલા કેસમાં 84 પુરાવા અને 84 સાક્ષીઓના નિવેદનોનો ઉપયોગ કરાયો હતો. ત્રિવેદી પર સ્વાધ્યાય પરિવારમાં ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવવાનો આરોપ હતો. આ ચુકાદો 15 જૂન, 2006ના રોજ બનેલી ઘટના બાદ આવ્યો છે.

આમદવાદના સ્વાધ્યાય પરિવારના પંકજ ત્રિવેદીની હત્યાના કેસમાં આમદવાદ સેશન્સ કોર્ટે ચુકાદો સંભળાવ્યો છે. 15 જૂન 2006ના રોજ થયેલી આ ઘટનામાં કોર્ટે 10 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. 16 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં આખરે 84 પુરાવા અને 84 સાહેદોના નિવેદનને આધારે આ ચુકાદો આવ્યો છે.
કેસ 2009માં દાખલ થયો હતો
મૂળ NRI અને સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા પંકજ ત્રિવેદીની હત્યા એલિસબ્રિજ જિમખાના પાસે કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે તેઓ સ્વાધ્યાય પરિવારમાં ચાલી રહેલી ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યા હતા, જેના કારણે તેમની હત્યા કરાઈ હતી. આ કેસ 2009માં દાખલ થયો હતો અને લાંબી કાનૂની લડત પછી હવે ચુકાદો આવ્યો છે.
સજા મળેલા આરોપીઓમાં ચંદ્રસિંહ જાડેજા, હિતેશસિંહ ચૂડાસમા, દક્ષેશ શાહ, ભૂપતસિંહ જાડેજા, માનસિંહ વાઢેર, ઘનશ્યામસિંહ ચૂડાસમા, ભરતભાઈ તટે, ભરતસિંહ જાડેજા, ચંદ્રકાંત ડાકી અને જશુ જાડેજાનો સમાવેશ થાય છે. આ તમામને કોર્ટએ આજીવન કેદ અને 25 હજાર રૂપિયાની દંડની સજા ફટકારી છે.
હિસાબ બાબતે તેમણે સ્વાધ્યાય પરિવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા
કેસના દસ્તાવેજો મુજબ પંકજ ત્રિવેદી NRI હતા અને ગુજરાતમાં ભૂકંપ દરમિયાન પીડિતોની મદદ માટે વિદેશથી ભંડોળ એકત્ર કર્યું હતું. આ ભંડોળના હિસાબ બાબતે તેમણે સ્વાધ્યાય પરિવાર સામે પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના કારણે કેટલાક અનુયાયીઓ તેમના વિરોધમાં આવી ગયા હતા. તેમના પર અનેક ફરિયાદો દાખલ કરાઈ હતી, પરંતુ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટે આ ફરિયાદોને રદ કરી હતી.
15 જૂન, 2006 ના રોજ આરોપીઓએ કાવતરું રચ્યું હતું
પંકજ ત્રિવેદીએ પોતાને જીવન માટે સંભવિત જોખમ હોવાના આક્ષેપ સાથે તે સમયના મુખ્યમંત્રી અને પોલીસને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે આશરે 30 લોકોના નામ આપ્યા હતા. 15 જૂન, 2006ના રોજ આરોપીઓએ કાવતરું રચીને પંકજ ત્રિવેદીની જીમખાના બહાર હત્યા કરી હતી, જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચાડવામાં આવી હતી.
બેઝબોલના દંડા અને પાઇપ જેવા હથિયારો વડે પંકજ ત્રિવેદી પર હુમલો
આ કેસમાં સરકારી સાહેદો અને જીમખાનાના વોચમેનની મહત્ત્વની ભૂમિકા રહી છે. તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ બેઝબોલના દંડા અને પાઇપ જેવા હથિયારો વડે પંકજ ત્રિવેદી પર હુમલો કર્યો હતો. આખરે 16 વર્ષ બાદ કોર્ટે તમામ પુરાવાઓ અને સાક્ષીઓના આધારે આજીવન કેદનો ન્યાય આપ્યો છે.