ઉપરવાસમાં ભારે વરસાદને લઈ સાબરમતી નદીમાં છેલ્લા બે દિવસથી પાણીની આવક મોટા પ્રમાણમાં થઈ રહી છે. હાલમાં સાબરમતી નદીમાં જળસ્તર વધ્યુ છે, જેને લઈ નદી કાંઠા વિસ્તારમાં અવરજવર કરવા નહીં કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલી છે અને નદી કાંઠા વિસ્તારમાં સાવચેતી રાખવા માટે પણ એલર્ટ આપવામાં આવેલુ છે. આ દરમિયાન સાબરમતી નદીમાં અમદાવાદ ખાતે રાખવામાં આવેલ ફ્લોટિંગ રેસ્ટોરાંને હાલ પુરતી બંધ કરી દેવામાં આવી છે.
સાબરમતી નદીમાં જળ સ્થિતિ સામાન્ય નહીં હોવાને લઈ હાલમાં ફ્લોટિંગ રેસ્ટોરાંને બંધ રાખવામાં આવી છે. હાલમાં સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધારે છે, તો બીજી તરફ વરસાદી માહોલ રાજ્યમાં જામેલો છે. આવી સ્થિતિમાં નદી વિસ્તારમાં બોટીંગ કરવુ કે પછી ખાણી પીણીનો આનંદ નદીમાં લેવો એ અસલામત છે. આમ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને હાલમાં તંત્ર દ્વારા ફ્લોટીંગ બોટને હાલ પૂરતી બંધ રાખવા માટેનો નિર્ણય કર્યો છે.
રિવરફ્રન્ટ વિસ્તારમાં ફ્લોટિંગ રેસ્ટોરાંમાં ડીનર અને લંચ માણવાનો આનંદ અલગ છે. આ દરમિયાન હવે ફ્લોટીંગ બોટને બંધ કરી દેવામાં આવી છે, આમ તો કુદરતી વાતાવરણની મોજ માણવાના શોખીનો માટે હાલનો સમય ખૂબ જ ઉત્તમ છ. જોકે વરસાદની સિઝનમાં અને ખાસ કરીને નદીમાં જળપ્રવાહ વધારે હોવાની સ્થિતિમાં ફ્લોટિંગ રેસ્ટોરાંની મોજ માણવી એ અસલામતભરી છે.
જોકે મંગળવારે બપોર બાદ ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો નોંધાયો હતો. જેને લઈ હવે બુધવાર સાંજ બાદ સાબરમતી નદીમાં સ્થિતિ સુધારાજનક થઈ શકે છે. જોકે હાલમાં ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. જે મંગળવારે ચાર દરવાજા પાંચ ફુટ જેટલા ખોલવામાં આવ્યા હતા. જોકે ડેમની જળસપાટી 93.69 ટકાએ પહોંચી હોવાને લઈ વધુ વરસાદ ઉપરવાસમાં થવાની સ્થિતિમાં ફરી પાણી છોડવુ પડી શકે છે. આમ વરસાદની સંભાવનાઓને લઈ હાલમાં સ્થિતિ સામાન્ય ના થાય ત્યાં સુધી ફ્લોટિંગ રેસ્ટોરાં ફરી શરુ થઈ શકશે નહીં. ધરોઈ તરફથી સલામતના સમાચાર મળ્યા બાદ ફરીથી રેસ્ટોરાં શરુ કરવામાં આવી શકે છે.
Published On - 3:44 pm, Wed, 20 September 23