Ahmedabad : અમદાવાદના સિંધુ ભવન રોડ પર જોખમી સ્ટંટ કરતા નબીરાની ધરપકડ, tv9ના અહેવાલ બાદ પોલીસે કરી કાર્યવાહી
Ahmedabad: અમદાવાદનો સિંધુભવન રોડ પર મધરાત્રે સ્ટંટબાજો દ્વારા સ્ટંટ કરવાના બનાવો છાશવારે સામે આવતા રહે છે. ત્યારે વધુ એક નબીરાનો સિંધુ ભવન રોડ પર સ્ટંટ કરતો વીડિયો સામે આવતા પોલીસે તેનાી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Ahmedabad: અમદાવાદ શહેરમાં હવે સામાન્ય દિવસોમાં પણ રેસિંગ અને અન્ય સ્ટંટની ઘટનાઓમાં ઉત્તરોતર વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં વિકએન્ડ સમયે શનિવારે મોડી રાત્રે વધુ 2 યુવાનો પોતાની જોખમી સવારી દ્વારા ન માત્ર પોતાનો પરંતુ આસપાસના રાહદારીઓ અને વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકતા હોય તે પ્રકારે વાહન ચલાવી રહ્યાં હોય તેવા વીડિયો સામે આવ્યા હતા. જે બાબતે જાગૃત મીડિયા તરીકે tv9એ અહેવાલ પ્રસારીત કરતા ગણતરીના કલાકોમાં પોલીસે કાર્યવાહી કરી આરોપી યુવાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્ટંટબાજોમાં સિંધુ ભવન માર્ગ બન્યો હોટ ફેવરિટ
દર સપ્તાહના અંતમાં અમદાવાદવાસીઓ પોતાના મનોરંજન માટે શહેરના વિવિધ સ્થળોએ જતા હોય છે. ત્યારે શહેરના અત્યંત પોશ ગણાતા સિંધુ ભવન માર્ગ પર પણ અનેક લોકો લટાર મારવા આવતા હોય છે. 24.06.2023ના શનિવારે પણ આ જ પ્રકારના નિત્યક્રમ મુજબ લોકોની અવરજવર આ માર્ગ પર થઈ રહી હતી તેવામાં 2 મોપેડ ચાલક યુવાનો ન માત્ર પોતાનો પરંતુ અન્ય લોકોનો જીવ પણ જોખમમાં મુકાય તે પ્રકારે વાહન ચલાવી ચલાવી રહ્યાં હતા. અંદાજે રાત્રીના 1 વાગેના સમયે આ પ્રકારે વાહન જોતા આસપાસના લોકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ એક જાગૃત નાગરીક દ્વારા આ ઘટનાનો વીડિયો બનાવી લેવામાં આવ્યો હતો. જેના આધારે આ બંને નબિરાઓની હરકત લોકો સામે આવી હતી.
સ્ટંટબાજ સામે IPCની કલમ 279 મુજબ કાર્યવાહી
વીડિયો સામે આવતાની સાથે જ અમદાવાદ પોલીસની ટીમ કાર્યરત થઈ હતી અને વીડિયોમાં દેખાતા બંને નબિરાઓની શોધખોળ હાથ ધરી હતી. જેમા નાયબ પોલીસ કમિશ્નર સફિન હસન અને તેમની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં એક આૉરોપીને પકડી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય એક આરોપી નાસી છુટ્યો હતો. પકડાયેલ આરોપી સાહીલ દાતણીયા કે જે 18 વર્ષ અને 8 માસની ઉમરે આ પ્રકારનો સ્ટંટ કરતા પકડાયો છે. જેની સામે પોલીસે ઈન્ડીયન પીનલ કોડની કલમ 279 મુજબ ગુનો નોંધી મોપેડ પણ જપ્ત કરેલ છે.
આ પણ વાંચો : Ahmedabad: માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની યોજાઈ TATની મુખ્ય પરીક્ષા, પ્રિલીમ પાસ કરનારા 60 હજાર ઉમેદવારોની કસોટી
નાગરિકો સ્ટંટબાજો દેખાય તો પોલીસને જાણ કરે- અમદાવાદ પોલીસ
નાગરીકોની સલામતી માટે પોલીસ દ્વારા એ પણ કહેવામાં આવ્યું છે કે આવા કોઈ પણ પ્રકારના સ્ટંટ અથવા અન્ય પ્રવૃતિ કરતા લોકો દેખાય તો તાત્કાલીક પોલીસને જાણ કરે. જેથી કરી પોલીસ તેમની સામે કડક કાર્યવાહી કરી શકે. જોકે મહત્વની વાત એ છે કે આ પ્રથમ વાર નથી જ્યારે સિંધુ ભવન રોડથી આ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા હોય, અનેક વખત આ માર્ગ પર આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે, નબીરાઓ ન માત્ર મોપેડ પરંતુ કાર ચાલકો પણ અનેક વખત અહીં સ્ટંટ કરતા નજરે પડે છે. આવા સ્ટંટબાજોને પોલીસનો કે કાયદાનો ડર કેમ નથી તે પણ મોટો સવાલ છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો