શું તમે નકલી હળદર, મરચુ ખાઈ રહ્યા છો? અમદાવાદ માધુપુરામાં શંકાસ્પદ ગરમ મસાલાનો જથ્થો પકડાયો, રૂ. 12.50 લાખનો માલ સીલ
આરોગ્ય વિભાગે રૂ. 12.50 લાખની કિંમતના અંદાજે બે હજાર કિલો મસાલાના જથ્થાને વેચાણ માટે રોકી દીધો છે. આ મસાલાનું વેચાણ 'કેસરીનંદન સ્પાઈસીસ' નામથી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે.

અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આરોગ્ય વિભાગે ખાદ્ય સુરક્ષા અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરી છે. શંકાસ્પદ ગુણવત્તાના મસાલાના વેચાણની માહિતીના આધારે જય માતાજી ટ્રેડર્સ ખાતે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન મરચું, હળદર, ધાણાજીરું અને ગરમ મસાલા સહિત અંદાજે બે હજાર કિલો જથ્થો શંકાસ્પદ જણાતા તેને વેચાણ માટે તાત્કાલિક સ્થગિત કરી સીલ કરવામાં આવ્યો છે.
રૂ. 12.50 લાખનો જથ્થો વેચાણ માટે રોકાયો
આરોગ્ય વિભાગે રૂ. 12.50 લાખની કિંમતના અંદાજે બે હજાર કિલો મસાલાના જથ્થાને વેચાણ માટે રોકી દીધો છે. આ મસાલાનું વેચાણ ‘કેસરીનંદન સ્પાઈસીસ’ નામથી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં ગુણવત્તા અંગે શંકા ઉભી થતાં સમગ્ર જથ્થો સીલ કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
રેસ્ટોરન્ટની ગ્રેવી અનસેફ નીકળતાં ખુલ્યો મામલો
આ કાર્યવાહીનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે રખિયાલ વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાંથી લેવામાં આવેલી ગ્રેવીનો નમૂનો તપાસ દરમિયાન અનસેફ જાહેર થયો હતો. ત્યારબાદ આરોગ્ય વિભાગે સપ્લાય ચેઇનની તપાસ કરતાં મસાલાના સપ્લાયર સુધી પહોંચી જય માતાજી ટ્રેડર્સમાં દરોડા પાડ્યા હતા.
તમામ મસાલાના સેમ્પલ લેબમાં મોકલાયા
તપાસ દરમિયાન મરચું, હળદર, ધાણાજીરું, ગરમ મસાલા સહિત વિવિધ મસાલાના નમૂનાઓ એકત્રિત કરી પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. લેબનો રિપોર્ટ આવ્યા બાદ મસાલાની ગુણવત્તા અને તેમાં ભેળસેળ છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થશે. જો નિયમોનું ઉલ્લંઘન સાબિત થશે તો સંબંધિત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ભેળસેળિયા વેપારીઓમાં ફફડાટ
આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યભરમાં ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો સામે ચલાવવામાં આવી રહેલા અભિયાનના ભાગરૂપે સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. માધુપુરામાં થયેલી આ કાર્યવાહી બાદ મસાલાના વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. અધિકારીઓએ જણાવ્યું છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં અને આગામી દિવસોમાં પણ આવા ચેકિંગ અને દરોડાની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.
આ પણ વાંચો- Breaking News: ખાદ્યતેલના ભાવમાં ફરીવાર ઝીંકાયો વધારો, ઘરેલુ બજેટ પર વધશે ભાર, જાણો કેટલો વધારો થયો