પોલીસ મહિલાઓને ‘ખાનગી’માં પૂછે છે, ‘જાહેર’માં ક્યાં નથી ગમતુ?
Ahmedabad: શહેર પોલીસ મહિલાઓને ખાનગીમાં પૂછી રહી છે અનેક સવાલ. શું કરો છો? કેવી રીતે ફરો છો? ક્યાં ફરો છો? કઇ જગ્યાએ પોલીસ, ગાર્ડ કે લાઇટનો અભાવ લાગ્યો...? આ એક ગુપ્ત સર્વે છે જે અમદાવાદ શહેર પોલીસના ઈતિહાંસમાં પહેલીવાર થઇ રહ્યો છે.
Ahmedabad: શહેર પોલીસ મહિલાઓને ખાનગીમાં પૂછી રહી છે અનેક અંગત સવાલ. શું કરો છો? કેવી રીતે ફરો છો? ક્યાં ફરો છો? જાહેર સૌચાલયનો ઉપયોગ કરો છો કે નહીં…? કઇ જગ્યાએ પોલીસ, ગાર્ડ કે લાઇટનો અભાવ લાગ્યો…? આ એક ગુપ્ત સર્વે છે (Women Safety Survey) જે અમદાવાદ શહેર પોલીસના ઈતિહાંસમાં પહેલીવાર થઇ રહ્યો છે. જેના પરીણામ બાદ શહેર પોલીસ મહિલાઓને સુરક્ષાનો અહેસાસ કરાવવા એક્શન પ્લાન ઘડશે.
અમદાવાદ શહેર પોલીસનો (Ahmedabad Police) આ ખાનગી પ્લાન અંગે સૌથી પહેલાં ટીવી 9 તમારા સુધી એવી વિગતો પહોંચાડી રહ્યું છે જે ખરેખર શહેરની દરેક સ્ત્રી માટે તો જરૂરી જ છે પરંતુ તેમના પરીવાર અને સમાજ માટે પણ જરૂર છે. અમદાવાદ શહેર પોલીસ ખાનગી રાહે એક સર્વે ચલાવી રહી છે જેમાં ગૃહિણીઓથી માંડીને વર્કિંગ વૂમન અને વિદ્યાર્થીનીઓને પણ કેટલીક અંગત બાબતો પુછવામાં આવી રહી છે. આ સર્વેની તમામ વિગતોને અત્યંત ગોપનિય રખાશે અને તેનો ઉપયોગ શહેરની બાળકીઓથી માંડીને મહિલાઓ સુધીને સુરક્ષીત રાખવા માટે કરવામાં આવશે.
“મહિલા સુરક્ષા સર્વે” (Women Safety Survey), આ સર્વે અમદાવાદ શહેર પોલીસની પહેલ હોવાનું કહેવાય છે. તેમાં એક લીંક જનરેટ કરીને મહિલાઓ પાસે તેમાં આપેલી વિગતો ભરવા જણાવવામાં આવ્યું છે. જે મહિલાઓ પાસે સ્માર્ટ ફોન નથી અથવા જેમની પાસે અક્ષરજ્ઞાન નથી તેવી મહિલાઓને અમદાવાદ શહેર પોલીસની શી ટીમ દ્વારા પૂછીપુછીને વિગતો ભરવામાં આવી રહી છે.
એક સિનિયર અધિકારીના જણાવ્યાં અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રિવાસ્તવ અને સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરીના સુપરવિઝન હેઠળ સ્પેશિયલ બ્રાન્ચના ડીવા એસ.પી રીમા મુન્શી દ્વારા આ સર્વે ચલાવવામાં આવી રહ્યો છે.
સર્વેમાં મહિલાની ઉંમર, તેમનો વ્યવસાય, કોઇ કામથી બહાર જાય છે તો કયા ટ્રાન્સ્પોર્ટેશનનો ઉપયોગ કરે છે, શહેરની એવી કઇ ત્રણ જગ્યા છે કે જ્યાં તેમની છેડતી કે દુર્વ્યવહાર થયો હોય. શહેરની એવી કઇ જગ્યા છે જ્યાં પોલીસ, ગાર્ડ કે લાઇટના અભાવે અસુરક્ષીત મહેસુસ થયું હોય. આવા અનેક પ્રશ્નો પુછવામાં આવી રહ્યાં છે.
સૂત્રોનું માનીએ તો પોલીસ એવી પણ વિગતો જાણી રહી છે કે તેમના વિસ્તાર કે કામના સ્થળ પર એવી કઇ વ્યક્તિ છે જે મહિલાઓને ખરાબ નજરે જોતી હોય અથવા તેમની છેડતી કે શોષણનો પ્રયાસ કરતી હોય. આવી જીણવટભરી વિગતો મેળવીને પોલીસ ભવિષ્યમાં મહિલાઓની સુરક્ષાનો ફૂલપ્રુફ પ્લાન બનાવવા માંગે છે.
આ અંગે જ્યારે સંયુક્ત પોલીસ કમિશનર અજય ચૌધરીને (Joint Police Commissioner Ahmedabad ) પુછવામાં આવ્યું ત્યારે તેમણે આ સર્વે ગોપનિય હોય તે અંગે હાલ કાંઇ પણ બોલવાનો ઇન્કાનર કર્યો હતો. સુત્રોનું કહેવું છે કે, આ આખો પ્રોજેક્ટ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રિવાસ્તવનો ડ્રિમ પ્રોજેક્ટ છે. આ સર્વેના પરિણામ પછી મહિલા સુરક્ષાને લઇને લાગતી વળગતી એજન્સીઓને સૂચનો પણ કરવામાં આવશે અને પોલીસ પેટ્રોલીંગથી માંડીને ઇલેક્ટ્રોનીક સર્વેલન્સ પણ વધારવામાં આવશે.
શૌચાલય બન્યાં પણ જવા જેવા નથી…
આ સર્વેમાં (Women Safety Survey) જોડાયેલા એક પોલીસકર્મીએ જણાવ્યું હતુ કે, અમારી પાસે ઘણી બધી વિગતો આવી રહી છે. જ્યારે અમે રોડ પર શાકભાજી વેચતી કોઇ મહિલાને શૌચાલય વિષે પુછીએ છે તો મોટાભાગે એક જ જવાબ આવે છે કે, શૌચાલય તો કોર્પોરેશને બનાવ્યાં છે પરંતુ તેના એન્ટ્રન્સ એવા હોય છે કે મહિલાઓને એન્ટ્રી લેતા શરમ કે સંકોચનો અનુભવ થાય. જાહેર સૌચાલયના રસ્તા જાહેરમાં ન હોય અથવા આડસ વાળા હોવા જોઇએ તેવા સૂચન આ સર્વેના પ્રાથમિક તબક્કે સામે આવ્યાં હતા.