કોઈ પણ યુધ્ધ રણભૂમિમાં લડાય તે પહેલાં મનમાં લડાતું હોય છે” પોલીસ રોજ આવા નાનાં-મોટાં યુધ્ધ લડતી હોય છે જેને “ચેલેન્જ” જેવું રૂપકડું નામ આપી દેવાયું છે. પોલીસ માટે કોઈ પણ ચેલેન્જમાં ખરાં ઉતરવાનો એક માત્ર જ વિકલ્પ હોય છે. આને યુધ્ધ કહો કે ચેલેન્જ પણ હાલમાં જ અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આવું યુધ્ધ એટલે કે, ચેલેન્જ માત્ર 3 હજાર પોલીસકર્મીઓના દમખમ પર પાર પાડ્યું. ખરેખર એ પોલીસ કમિશનરનો પોતાની પોલીસ પરનો ભરોસો હતો અને વડાપ્રધાનની સુરક્ષા માટે આત્મવિશ્વાસનો જુગાર હતો.
વાત, 1 ડિસેમ્બરની છે. 24 કલાક પહેલાં જ ઓચિંતા એક મેસેજ અમદાવાદ શહેર પોલીસને અપાયો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50 કિ.મીથી વધુ લાંબો રોડ શો અમદાવાદમાં યોજવાનાં છે. આ દિવસે પ્રથમ ફેઝની ચૂંટણી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં યોજાવાની હતી. માટે અમદાવાદ શહેરમાંથી લગભગ 40 ટકા જેટલો પોલીસફોર્સ અલગ અલગ જિલ્લામાં સુરક્ષા બંદોબસ્ત માટે બહાર મોકલાયો હતો. જેમાં અનેક પોલીસ અધિકારીઓ પણ હતા.
અમદાવાદમાં બચેલા 60 ટકા પોલીસ સ્ટાફમાંથી તમામે તમાને રોડ શોના બંદોબસ્તમાં બોલાવવા એ પણ શક્ય નહતું. કારણ શહેરના તમામ પોલીસ સ્ટેશન અને એજન્સીઓમાં વહિવટી સ્ટાફ અને ઈમરજન્સી સમયે ક્યાંક દોડાવી શકાય તેટલો સ્ટાફ તો રાખવો ફરજીયાત જ હતો. જેથી અમદાવાદની જનતાની પણ સુરક્ષા થઈ શકે. શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે આ પૈકી 20 ટકા સ્ટાફને બાદ કરતા માત્ર 40 ટકા જ સ્ટાફ સાથે એટલે કે, 3 હજાર પોલીસકર્મીઓ સાથે જ વડાપ્રધાનનાં રોડ શોને સુરક્ષા આપવાની હતી. સૌ કોઈ જાણે છે કે, પી.એમની સુરક્ષાની વાત હોય ત્યારે માત્ર ભીડને કાબૂમાં રાખીને બંદોબસ્ત કરવા જેવી સામાન્ય બાબત નથી હોતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લા લાંબા સમયથી આતંકીઓના હિટ લિસ્ટમાં રહ્યાં છે માટે તેમની સુરક્ષાના અલગ માપદંડ છે.
કટ્ટરવાદી વિચારધારાથી માંડીને સ્થાનિક અસામાજીક તત્વો તો ખરાં જ ઉપરાંત ચૂંટણીના માહોલમાં વિરોધી પક્ષ દ્વારા ગમે તે પ્રકારે વિરોધ જેવી ઘટનાઓ પણ ન બને તેની પણ પુરતી કાળજી રાખવાની હોય છે. આમ છતાં ચેલેન્જને સ્વિકારી લેવાઈ અને પી.એમનાં રોડ શોને હેમખેમ પાર પાડવાની ગેરન્ટી અમદાવાદ શહેર પોલીસ દ્વારા આપી દેવામાં આવી.
જ્યારે રોડશો નો મેસેજ મળ્યો ત્યારે પોલીસ કમિશનરે શહેરના સિનિયર પોલીસ અધિકારીઓની તાત્કાલીક એક બેઠક બોલાવી અને રોડ શોની વિગતો આપી સુરક્ષા વ્યવસ્થાની ચર્ચા કરી. એક-બે સિનિયર અધિકારીઓએ પોલીસ કમિશનરને આટલા ઓછા સ્ટાફમાં પી.એમના રોડ શોને યોજવાનું જોખમ ગણાવતા રિઝર્વ ફોર્સ મંગાવવાની પણ સલાહ આપી. જો કે, સંજય શ્રીવાસ્તવ ત્રણ દાયકાથી અમદાવાદ શહેરથી પરિચિત છે. તેમણે હિન્દુ-મુસ્લિમ રાયોટથી માંડીને રથયાત્રાના તોફાનોને ડામનારા અધિકારીઓ સાથે કામકર્યુ છે અને મોટાભાગના રાયોટીંગમાં પોતે ફિલ્ડ પર રહીને રાયોટ કંટ્રોલ કરાવ્યા છે.
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવનું કહેવું છે કે, “પી.એમના રોડ શોને સુરક્ષા આપવી પોલીસ માટે એક અલગ ચેલેન્જ હોય છે. પી.એમની આસપાસ તેમની સુરક્ષા માટે SPG (સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ)નું એક અલાયદુ સુરક્ષાચક્ર હોય છે. અમારી પોલીસને તો 50 કિ.મીથી વધુના રોડ પર કોઈ અવ્યવસ્થા ન સર્જાય કે પછી કોઈ જાણીજોઈને શાંતિમાં પલીતો ના ચાંપે તે જ જોવાનું હતુ. માટે સ્ટાફ ઓછો છે તેવી જાણ માત્ર સિનિયર અધિકારીઓને જ હતી. ફિલ્ડ પર રહેનારા પોલીસકર્મીઓને તો પૂરતો સ્ટાફ છે તેવી માનસિકતા સાથે જ ઉતારાયો હતો. શહેરના અન્ય સિનિયર અધિકારીઓએ પણ મહત્વની ભૂમિકા ભજવી. તેમણે જરૂર પડે ત્યાં સ્થાનિક લોકોને જ પોલીસના વોલેન્ટીયર બનાવીને ભીડ કંટ્રોલ કરાવી.
પોલીસ કમિશનરે આ ચેલેન્જ અંગે વાત કરતા ઉમેર્યું કે, અમારી માટે એક ચેલેન્જ આગલી રાતે એ હતી કે, બેરીકેડ આટલી મોટી સંખ્યામાં ક્યાંથી લાવવાં? દરેક પોલીસ અધિકારીઓને સૂચના અપાઈ અને પોલીસે શહેરમાં જ્યાંથી મળ્યાં ત્યાંથી બધા રસ્સા ખરીદી લીધા. શહેરમાં પોલીસમિત્રોને શોધીને તેમને રસ્સા સાથે રોડ શોના કિનારા પર એક બોર્ડર બનાવી દેવાઈ. જેને શહેરની સમજુ પ્રજાએ આપોઆપ લક્ષ્મણ રેખા સમજીને ઓળંગી નહીં જેથી અવ્યવસ્થા પણ ન સર્જાઈ.” તેમણે ઉમેર્યું કે, વડા પ્રધાનની સુરક્ષા અલગ લેવલની હોય છે જે માટે સુરક્ષા એજન્સીઓના અધિકારીઓ સાથે પણ વાત કરી લેવાઈ હતી અને તેમને પણ તેમના લેવલનું કામ સોંપી દેવાયુ હતુ માટે અમે સુરક્ષા આપવાના 360 ડિગ્રી માપદંડોને રોડ શો શરૂ થયો તે પહેલાં જ તપાસી લીધા હતા.
અમદાવાદ શહેર પોલીસ કમિશનરે માત્ર 3 હજાર સુરક્ષાકર્મીઓ સાથે 50 કિમી કરતાં વધુ લાંબા રોડ શો પર એક અંદાજ મૂજબ એકઠી થયેલી 10 લાખની મેદનીને કંટ્રોલ કરી. તેની પાછળ શહેરના લોકોની સાયકોલોજી જાણવી પણ શહેર પોલીસ માટે એટલી જ જરૂરી હતી જેમાં તે સફળ રહ્યાં.
અમદાવાદ શહેર પોલીસની ટીમની આ કાર્યવાહી અંગે ટીવી નાઈનનાં ઈનપુટ હેડ વિકાસ ઉપાધ્યાયનું કહેવું છે કે, “શહેર પોલીસની ડિટેક્શનની વાત હોય કે સિક્યુરિટીની વાત હોય એક અલગ મોડમાં જ તેને પાર પાડવામાં આવતી હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લી જીપમાં રોડ શો કર્યો તે પણ પોલીસ માટે એક ચેલેન્જ હતી. કારણ તે સતત આતંકીઓના નિશાના પર હોય છે. ત્યારે તેમણે પોલીસ પર મુકેલો ભરોસો અને પોલીસે તેમના ભરોસાને ઉનીઆંચ ના આવે તે માટે રાખેલી જીણવટ ભરી કાળજી અદ્બભુત કહી શકાય. આ કોઈ નાની વાત નહોતી. દુનિયાના સૌથી મોટા લોકતંત્રના વડા પ્રધાન ખુલ્લી જીપમાં લાખોની મેદની વચ્ચે હતા”.
પોલીસ કમિશનરે જોખમ ઉઠાવ્યું તેમ કહેતા, નવગુજરાત સમયના તંત્રી અજયભાઈ ઉમટ કહે છે કે, “પી.એમનો રોડ શો હોય તો એક સપ્તાહ પહેલાં થી જ વિસ્તારમાં સર્વેલન્સ ગોઠવાઈ જતું હોય છે. પોલીસ નાનામાં નાની બાબતોની તપાસ કરી લેતી હોય છે. રોડ શો દરમિયાન ધાબા પર કે બાલ્કનીમાંથી પણ કાંકરીચાળો ના થાય તેનું ધ્યાન રખાતુ હોય છે. ઉપરાંત પી.એમ સતત આતંકવાદીઓના નિશાન પર હોય આટલી શોર્ટ નોટીસમાં રોડ શોનું આયોજન જોખમી જ હતુ. વડા પ્રધાને પણ જોખમ ઉઠાવ્યું અને આટલી શોર્ટ નોટીસમાં પોલીસ કમિશનરે પણ બંદોબસ્ત આપીને જોખમ જ ખેડ્યું હતુ. જો કે, આવા સમયે પ્રધાનમંત્રીનો અમદાવાદની પોલીસની ટીમ ઉપરનો ભરોસો જળવાઈ રહ્યો અને પોલીસની અણધારી તૈયારી માટેની તૈયારીઓ સરાહનીય રહી હતી.