છેલ્લા થોડા દિવસથી રાજ્યમાં હોળી ધુળેટીના તહેવાર સંદર્ભે એક ચર્ચા ચાલી છે કે હોળી પ્રાગ્ટય કયારે કરવું? અને હોળીનો તહેવાર ક્યારે ઉજવવો તેને લઈને ચાલતી મુંઝવણ વચ્ચે દેશભરના પંચાંગકર્તાઓની એક મહત્વની બેઠક અમદાવાદ ખાતે મળી હતી.
દેશમાં અને વિદેશમાં પણ ગુજરાતીઓ કે હિન્દુ ધર્મના લોકો રહેતા હોય તેમના માટે પર્વ તહેવાર કે અન્ય પ્રસંગો માટે પંચાગની માહિતી ખૂબ જ મહત્વની અનિવાર્ય બની જાય છે, ત્યારે આ વર્ષે હોળીના તહેવારની ઉજવણી અંગે ઘણી ચર્ચાઓ થઈ હતી, કારણ કે હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ સુદ પૂર્ણિમાના દિવસે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. પરંતુ, આ વખતે પૂનમની બે તિથિ છે. આ તિથિ 6 માર્ચ સોમવાર અને 7 માર્ચ મંગળવારના રોજ પડી રહી છે.એટલે જ એ અસમંજસ ઊભી થઈ છે કે આ વખતે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું? ત્યારે આવો, જાણીએ કે આ અંગે પચાંગકર્તાઓ શું કહે છે.
દેશભરમાંથી આવેલા પંચાંગકર્તાઓની બેઠકનો મુખ્ય હેતુ પર્વની ઉજવણીમાં થતી અસમંજસને દૂર કરવી અને વ્રત અને તહેવારમાં થતી વિસંગતતા આગામી સમયમાં ન સર્જાય તે માટેની હતી. આ બેઠકમાં આંધ્રપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર, તમિલનાડુ, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના પંચાંગકર્તાઓ હાજર રહ્યા હતા.
આ વર્ષે હોળી પ્રાગટ્ય ક્યારે કરવું તેને લઈને ખૂબ જ મૂંઝવણ ઊભી થઈ છે. વાસ્તવમાં 6 માર્ચ, સોમવારે સાંજે 4:18 કલાકે પૂનમનો પ્રારંભ થઈ રહ્યો છે. જે 7 માર્ચ, મંગળવારે સાંજે 6:11 કલાકે સમાપ્ત થશે. એટલે કે, હોળીનો સંધ્યાકાળ 6 માર્ચે મળી રહ્યો છે. જ્યારે હોળીની સૂર્યોદય તિથિ 7 માર્ચે મળી રહી છે.
પરંતુ, સૌથી મહત્વની વાત એ છે 6 માર્ચે સાંજે 4:18 કલાકે ભદ્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે. અને કેટલાંક જ્યોતિષીઓ ભદ્રાના સમયમાં શુભ કાર્યને કરવું વર્જીત માને છે. કારણ કે શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે ભદ્રાનો વાસ સ્વર્ગમાં હોય તો તે શુભ કાર્ય કરે છે. ભદ્રાનો વાસ પાતાળમાં હોય તો તે ધનપ્રાપ્તિ કરાવે છે. પરંતુ, જો ભદ્રાનો વાસ મૃત્યુલોકમાં હોય તો તે સર્વ કાર્યનો નાશ કરે છે.
નિશાગમે પ્રપૂજ્યેત હોલિકા સર્વદા બુધૈઃ । ન દિવા પૂજ્યેત્ ઢુળ્ઢાં પૂજિચા દુઃખદા ભવેત્ ।।
હોલિકાદહન નિશાકાળમાં કરવું જોઈએ. દિવસમાં હોલિકા દહન અથવા હોલિકા પૂજન ન કરવું. આ દૃષ્ટિએ પૂર્ણિમાનો રાત્રિકાળ 6 માર્ચ, સોમવારે મળી રહ્યો છે. વળી શાસ્ત્ર અનુસાર સોમવતી ભદ્રા માન્ય ગણાય છે તો મહર્ષિ ભૃગુના મત મુજબ સોમવારની ભદ્રા કલ્યાણકારી મનાય છે. અને તે અંતર્ગત ગુજરાતના અંબાજી, સોમનાથ અને દ્વારકા જેવા મંદિરોમાં 6 માર્ચે હોળી પ્રાગટ્ય કરવામાં આવશે.
અમદાવાદમાં તમામ પંચાંગકર્તાઓની એક મહત્વની બેઠક મળી હતી. ખાસ તો હોળીના તહેવાર અને અન્ય તહેવારો અંગે જ્યારે ફરીથી આવી મૂંઝવણ ઉભી ન થાય તે માટે પંચાગ તૈયાર કરનારા અલગ અલગ રાજ્યના પંચાગ કર્તાઓ એક મંચ ઉપર એકઠા થયા હતા અને મંત્રણા કરી હતી. આ બેઠકનો હેતું પર્વ કયારે ઉજવવું તે મત મતાંતર દૂર કરવા અને આગામી સમય માં આવી સમસ્યા ના સર્જાય તે અંગેનો હતો.