16 જૂનના મહત્વના સમાચાર : અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણી ઝડપથી ઓસરે તે માટે, વાસણા બેરેજના 2 દરવાજા 3 ફૂટ ખોલાયા
આજે 16 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 16 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
અમદાવાદમાં ભરાયેલા વરસાદી પાણી ઝડપથી ઓસરે તે માટે, વાસણા બેરેજના 2 દરવાજા 3 ફૂટ ખોલાયા
અમદાવાદમા મોડી સાંજે તુટી પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદ રહી ગયા બાદ, વિવિધ વિસ્તારોમાં ભરાયેલા વરસાદી પાણી ઝડપથી ઓસરે તે માટે રાજ્ય સરકારના સિંચાઈ વિભાગે, વાસણા બેરેજના 2 દરવાજા ખોલ્યા હતા. આ બે દરવાજા મારફતે 3 હજાર ક્યુસેક જેટલુ પાણી સાબરમતી નદીના હેઠવાસમાં છોડવામાં આવ્યું હતું. સાબરમતી નદીમાં વરસાદી પાણીની નવી આવક પણ થવા પામી છે.
-
સોનિયા ગાંધીની તબિયત હવે કેવી છે ? સર ગંગા રામ હોસ્પિટલે જાહેર કર્યું હેલ્થ બુલેટિન
કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધીની તબિયત અંગે તેમને જ્યાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે તે સર ગંગારામ હોસ્પિટલે હેલ્થ બુલેટિન જાહેર કરીને જણાવ્યું છે. હાલમાં સોનિયા ગાંધીની તબિયત સ્થિર છે. સોનિયા ગાંધી હજુ પણ સર ગંગા રામ હોસ્પિટલમાં દાખલ છે. હોસ્પિટલના બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન ડૉ. અજય સ્વરૂપે તેમના વિશે નવીનતમ અપડેટ જાહેર કર્યું છે.
-
-
બોટાદની ઉતાવળી નદીમાં આવ્યુ પૂર, કેટલોક સમય વાહનવ્યવહાર રોકી રખાયો
બોટાદની ઉતાવળી નદી અને મધુ નદીમાં આવ્યા નવા નીર. નદી બે કાંઠે થતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ડીવાયએસપી સહિતનો કાફલો જ્યોતિગ્રામ સર્કલ એ પહોંચ્યો. કોઈપણ પ્રકારની જાનહાની ના થાય અને પાણીમાં લોકોની અવરજનર ના થાય તે માટે વાહન વ્યવહાર રોકવામાં આવ્યો છે.
-
પૂર્વ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા. કાલુપુર, દરિયાપુરની, માધુપુરા સહિતના વિસ્તારોમાં વરસાદ. પૂર્વ અમદાવાદના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે.
-
ભારે વરસાદને પગલે નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા જિલ્લા કલેકટર્સને CMની સૂચના
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદને ધ્યાને લેતા નાગરિકોના જાનમાલની રક્ષા અંગે પગલાં લેવા અંગે જરૂરી સૂચનાઓ આ વિસ્તારોના જિલ્લા કલેક્ટર્સને આપી છે.
હવામાન વિભાગની આગાહીને અનુલક્ષીને જરૂર જણાય ત્યાં તાત્કાલિક અસરથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા અને વરસાદને કારણે ભરાયેલા પાણીના ઝડપી નિકાલ તેમજ વીજ અને ખાદ્ય પુરવઠો, આરોગ્ય અને જીવનરક્ષક દવાઓ સહિતની બાબતોમાં પૂરી સતર્કતા અને અગમચેતી સાથે સજ્જ રહેવાના જરૂરી દિશાનિર્દેશ પણ આપ્યા છે.
મુખ્યમંત્રીએ નાગરિકોને ભારે વરસાદમાં રાખવાની સાવધાની, તેમજ નદી-નાળાના વહેતા અને ભયજનક પાણીમાંથી પસાર ન થવા અંગેની સૂચનાઓ પણ અવારનવાર નાગરિકોને સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા આપવામાં આવતી રહે તેવી તાકીદ પણ કલેક્ટર્સને કરી છે.
-
-
પ્રથમ વરસાદે જ ધાતરવાડી ડેમના દરવાજા ખોલાયા
અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. રાજુલા તાલુકાના ધાતરવડી ડેમ 2 માં 20,000 ક્યુસેક પાણીની આવક થવા પામી છે. એક સાથે 7 દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલાયા છે. નીચાણ વાળા ખાખબાઈ વડ ઉછેયા રામપરા હિંડોરણા સહીત નદી કાંઠાના ગામડા એલર્ટ કર્યા છે. પાણીની સતત આવક વધી રહી છે. ધાતરવડી નદીમાં ઘોડાપુર આવશે. પ્રથમ વરસાદે ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે. સમગ્ર જિલ્લામાં વરસાદ અવિરત વરસ્યો છે.
-
સિહોરથી રાજકોટ હાઇવે રોડ ભારે વરસાદના કારણે કરાયો બંધ
ભાવનગર જિલ્લાના સિહોરથી રાજકોટ હાઇવે રોડ ભારે વરસાદના કારણે બંધ કરવામાં આવ્યો છે. સિહોર નજીક આવેલ ગૌતમેશ્વર નદીનું પાણી હાઇવે રોડ ઉપર ફરી વળતા હાઈવે રોડ બંધ થયો છે. સિહોર- રાજકોટ હાઇવે રોડની બંને તરફ વાહનોની લાંબી કતાર લાગી છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે નદીમાં વરસાદના પાણી ફરી વળ્યા છે, જેના કારણે હાઇવે રોડ બંધ થયો છે.
-
તલગાજરડાની સ્કુલમાં છાતીસમાન પાણીમાં ફસાયેલા વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરાયા
તલગાજરડા સ્કૂલમાં ફસાયેલા વિધાર્થીને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડ તેમજ પોલીસ, સ્થાનિક ગામ લોકોની મદદ લેવામાં આવી હતી. તળજા ફાયર ટિમ ખાસ બોલાવમાં આવી હતી. સ્કૂલમાં ફસાયેલા વિધાર્થીને સુરક્ષિત રીતે બહાર કાઢી લાવમાં આવ્યા હતા. સ્થાનિક પોલીસ સ્ટાફ રેસ્ક્યુ મદદમા જોડાઈ હતી.
-
ગુજરાતમાં 10 કલાકમાં 124 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ભાવનગરના જેસરમાં સાડા નવ ઈંચ, પાલિતાણામાં 8 ઈંચ
ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના 10 કલાકમાં, કુલ 124 તાલુકામાં વરસાદ વરસ્યો છે. આ 10 કલાકમાં સૌથી વધુ વરસાદ ભાવનગર જિલ્લામાં પડ્યો છે. ભાવનગરના જિલ્લાના જેસરમાં સાડા નવ ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પાલિતાણા તાલુકામાં 8 ઈંચ વરસાદ નોંધાયો છે.
-
પ્લેન ક્રેશ થવાથી માર્યા ગયેલામાંથી 114ના DNA મેચ થયા
રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, 12 મી જૂનના રોજ બપોરના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર 171 ક્રેશ થવાથી માર્યા ગયેલા પ્રવાસીઓમાંથી આજે 16 જૂનના રોજ સાંજના 4 વાગ્યા સુધી 114ના DNA મેચ થઈ ગયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરો અને ક્રુ મેમ્બર સહીત કુલ 240થી વધુ લોકોના મોત થયા છે. જ્યારે વિમાન તુટી પડવાને કારણે 250થી વધુના મોત થયા છે.
Air India Crash Update: DNA reports as of 4 PM – 114 matches confirmed. Identification process ongoing.
— Harsh Sanghavi (@sanghaviharsh) June 16, 2025
-
Amreli Rain : અમરેલી જિલ્લા અવિરત વરસાદ વરસ્યો
સમગ્ર અમરેલી જિલ્લા અવિરત વરસાદ વરસ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ખાસ કરીને રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ નોંધાયો છે. રાજુલાના બર્બટાણા ગામની ઘિયાલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. નદીના ધસમસતા પૂરનો પ્રવાહ કેટલાક ઘરોમાં વહ્યો છે. રાજુલાના વિકટર ગામમાં નેશનલ હાઈવેના કારણે અનેક ઘરોમાં પાણી ભરાયા હોવાની સ્થાનિક રહીશોએ ફરિયાદ કરી છે.
-
સ્વ. વિજય રૂપાણીની અંતિમયાત્રાનો પ્રારંભ, રાજકીય મહાનુભાવ અનેક નામી-અનામી લોકો જોડાયા
અમદાવાદથી હવાઈમાર્ગે સ્વર્ગસ્થ વિજય રૂપાણીનો પાર્થિવ દેહ, રાજકોટ તેમની કર્મભૂમિ ખાતે પહોચ્યો હતો. પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, સ્વર્ગસ્થ વિજય રૂપાણીની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં ગુજરાત સરકારના પ્રધાનો, ભાજપના પદાધિકારીઓ, રાજકોટના રાજકારણીઓ સહીત નામી અનામી અનેક લોકો જોડાયા હતા.
-
દેવભૂમિ દ્વારકાના ભાણવડ, કલ્યાણપુરમાં એક ઈંચથી વધુ વરસાદ
સમગ્ર દ્વારકા જિલ્લામાં આજે વરસાદી વાતાવરણ સાથે ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં વરસાદ વરસ્યો છે. સવારથી સૂર્ય નારાયણની ગેરહાજરી સાથે ભાણવડમાં 30 એમ એમ અને કલ્યાણપુર માં 24 એમ એમ વરસાદ નોંધાયો છે. કલ્યાણપુરના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વરસાદ વરસ્યો છે.
-
તલગાજરડામાં 6 ફુટ પાણી ભરાયા, 35 વિદ્યાર્થીઓ સપડાયા, એસડીએમ- મામલતદાર દોડ્યા
મહુવાના તલગાજરડા ગામમાં ભારે વરસાદના લીધે 6 ફૂટથી વધારે પાણી ભરાયા છે. રૂપાવો નદીના પાણી, ભારે વરસાદના કારણે તલગાજરડા ગામમાં ઘુસ્યા છે. ધોરણ 9 થી 12 ના 35 થી 40 વિદ્યાર્થીઓ પાણીમાં ફસાઈ ગયા હોવાની વિગતો સામે આવી છે. રેસ્ક્યુ ઓપરેશન શરૂ, એસડીએમ, મામલતદાર સહિત અધિકારીઓ સ્થળ પર પહોચ્યાં છે.
-
અમદાવાદના શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ, રિવરફ્રન્ટ પર વરસાદ
અમદાવાદ શહેરના વાતાવરણમાં બપોરના સમયે આવ્યો પલટો. શહેરના અનેક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. શાહીબાગ, મેઘાણીનગર, એરપોર્ટ રોડ, રિવરફ્રન્ટ પર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે તુટી પડેલા વિમાનના કાટમાળને ઘટના સ્થળે સાચવવામાં મુશ્કેલી પડશે !
-
જ્યા વિમાન તુટી પડ્યું તે વિસ્તારમાં દુર્ઘટનાના ચાર દિવસ બાદ પણ ડર-ભયનો માહોલ
પ્લેન ક્રેશની ઘટનાના ચાર દિવસ બાદ પણ, અમદાવાદના મેઘાણીનગરના રહિશોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે. ઘટના બાદ વિમાનના અવાજથી જ મેઘાણીનગર બ્લોક 1 ના લોકોને હવે એક પ્રકારનો ડર-ભય સતાવી રહ્યો છે. વિમાન ક્રેશ જે જગ્યાએ થયું હતું ત્યાંથી માત્ર 100 મીટર દૂર છે બ્લોક 1 ના હાઉસિંગ મકાનો. ફ્લેટની બાજુમાં જ આવેલ વૃક્ષને અડીને વિમાન થયું હતું ક્રેશ. ઘટના પૂર્વે વિમાનની આવ-જાનો અવાજ લોકો માટે સમાન્ય બાબત હતી. ઘટના બાદ વિમાનના અવાજ માત્રથી લોકોને ડર લાગી રહ્યો છે. ઘટના બાદ વિમાન થોડા ઊંચા પસાર થઈ રહ્યા હોવાનો પણ સ્થાનિકોનો મત.
-
ઘટના સ્થળેથી અમદાવાદ મનપાની ટીમને મળ્યું FDR
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઇ તપાસ તેજ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી અમદાવાદ મનપાની ટીમને FDR મળ્યું. વિમાનની કોકપિટમાંથી FDR મળી આવ્યું છે. FDRથી અનેક નવા ખુલાસાઓ થવાની શક્યતા છે. FDRને તપાસ એજન્સીઓને સોંપવામાં આવ્યું.
-
પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો
પૂર્વ CM વિજય રૂપાણીનો પાર્થિવદેહ રાજકોટ પહોંચ્યો છે. રાજકોટ એરપોર્ટ પર વિજય રૂપાણીનો પાર્થિવદેહ પહોંચ્યો. રૂપાણીના નિવાસસ્થાને એક કલાક માટે અંતિમદર્શન માટે પાર્થિવદેહ રખાશે. સાંજે વિજય રૂપાણીની થશે અંતિમવિધિ.
-
અત્યાર સુધી 99 DNA મેચ થયા
અમદાવાદમાં પ્લેન ક્રેશ દુર્ઘટનાના મૃતકોના અત્યાર સુધી 99 DNA મેચ થયા છે. 11 મૃતદેહ ના પરિવાર જનો અન્ય મૃતકના DNA મેચ થવાની રાહ જોવે છે. 24 પરિવારને જાણ કરી છે જે તેમના સમય મુજબ પાર્થિવ દેહ લેવા આવશે. હજુ સુધીમાં 64 પાર્થિવ દેહ પરિવારને સોંપાયા છે.
-
સાયપ્રસમાં PM મોદીને અપાયું સર્વોચ્ચ નાગરિક સન્માન
સાયપ્રસમાં PM મોદીને સર્વોચ્ચ નાગરિક સન્માન અપાયું. સાયપ્રસના રાષ્ટ્રપતિએ PM મોદીને સન્માનિત કર્યા. ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઑર્ડર ઑફ મકારિયોસ-3થી સન્માનિત કરાયા. સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન મેળવનાર PM મોદી વિશ્વના 23મા નેતા. પીએમ મોદીએ આ સન્માન મળતા જણાવ્યુ કે આ માત્ર મારું નહીં, 140 કરોડ ભારતીયોનું સન્માન છે.
-
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી
આગામી ત્રણ કલાક ભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. રાજકોટ અને અમરેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયુ છે. વલસાડ, સુરત, નવસારીમાં પણ ઓરેન્જ એલર્ટ, અમદાવાદ, ગાંધીનગર ઉપરાંત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ અપાયુ.
-
હોંગકોંગથી દિલ્હી આવતી ફ્લાઇટને પરત ફરવું પડ્યું
હોંગકોંગથી દિલ્હી આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI315 માં ઉડાન દરમિયાન ટેકનિકલ સમસ્યાનો સામનો કરવો પડ્યો, જેના કારણે તેને હોંગકોંગ પરત ફરવું પડ્યું. બોઇંગ 787-8 ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત આ ફ્લાઇટ AI315 હોંગકોંગથી દિલ્હી માટે રવાના થઈ હતી.
-
ઉત્તર પ્રદેશઃ લખનઉ એરપોર્ટ પર વધુ એક દુર્ઘટના ટળી
ઉત્તર પ્રદેશઃ લખનઉ એરપોર્ટ પર વધુ એક દુર્ઘટના ટળી છે. સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઈટમાંથી ધૂમાડો નીકળ્યો. ફ્લાઈટના ટાયરમાંથી ધૂમાડો નીકળ્યો. ફાયરની ટીમે સ્થિતિ પર કાબૂ મેળવ્યો. ઘટના સમયે ફ્લાઈટમાં 250 મુસાફરો સવાર હતા.
-
અત્યાર સુધી 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા
અમદાવાદમાં એર ઈન્ડિયાની ફ્લાઈટ ક્રેશ થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 87 મૃતદેહોના DNA મેચ થયા છે. DNA કરાયેલા મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. અત્યાર સુધી 47 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે. એમ્બ્યુલન્સ સાથે પોલીસ એસ્કોર્ટ વાહન પણ મોકલાયા છે. મૃતકોના ઘર સુધી ડૉક્ટરની એક ટીમ પણ રવાના કરવામાં આવી છે. હજુ અન્યના DNA મેચ કરવા અને મૃતદેહ સોંપવાની ચાલી કામગીરી રહી છે. મૃતદેહ સોપાયા તેમને ડેથ સર્ટિફિકેટ પણ આપી દેવાયા છે.
-
લંડનઃ વધુ એક બોઈંગ 787-8 ફ્લાઈટમાં સામે આવી ખામી
લંડનઃ વધુ એક બોઈંગ 787-8 ફ્લાઈટમાં ખામી સામે આવી છે. લંડનથી ચેન્નઈ જતી ફ્લાઈટના ફ્લેપ્સમાં ખામી સામે આવી. બ્રિટિશ એરવેઝની ફ્લાઈટમાં ટેકઑફ બાદ સમસ્યા સર્જાઈ હતી. 9 હજાર ફૂટની ઉંચાઈએ સમસ્યા સર્જાઈ હતી.ફ્લાઈટે લેન્ડ થતા પહેલા એક કલાક હવામાં ચક્કર લગાવ્યા. ફ્યૂઅલ ઓછું કર્યા બાદ ફ્લાઈટે હિથ્રો એરપોર્ટ પર લેન્ડ કર્યું. તમામ પ્રવાસીઓ હેમખેમ લંડન પરત ફર્યા.
-
ભરૂચ: પ્લેનક્રેશનાં બે મૃતકની અંતિમવિધિ
ભરૂચ: પ્લેનક્રેશનાં બે મૃતકની અંતિમવિધિ થશે. બે મૃતકના DNA મેચ થતા પરિવારને મૃતદેહ સોંપાયા. બન્ને મૃતકની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. પોલીસ પેટ્રોલિંગ વચ્ચે એમ્બ્યુલન્સ મારફતે મૃતદેહ વતને પહોંચ્યા હતા. મૃતકોના પરિવારમાં ભારે શોકનો માહોલ છે.
-
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 130 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લામાં વરસાદ ખાબક્યો છે. 12 તાલુકામાં બે ઈંચથી વધુ તો 27 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વડોદરાના ડભોઈમાં આશરે 6 ઈંચ વરસાદ, છોટા ઉદેપુરના સંખેડામાં આશરે 5 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 3.4 વરસાદ, વલસાડના ઉમરગામ અને ડાંગના આહવામાં 3.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.
-
પૂર્વ CM વિજય રૂપાણીની આજે થશે અંતિમવિધિ
પૂર્વ CM વિજય રૂપાણીની આજે અંતિમવિધિ થશે. રાજકોટમાં અંતિમયાત્રા બાદ અંતિમવિધિ કરાશે. વિજય રૂપાણીના પત્ની પાર્થિવ દેહ સાથે રવાના થશે. વિશેષ પ્રોટોકોલ સાથે પાર્થિવ દેહને રાજકોટ લઈ જવાશે. પરિવારના કેટલાક સભ્યો આજે સાંજે રાજકોટ જવા રવાના થશે. દુર્ઘટનાના 70 કલાક બાદ રૂપાણીના DNA મેચ થયા.
Published On - Jun 16,2025 7:52 AM