‘રોમિયો જૂલિયટ જેવી છે આપણી પ્રેમ કહાની…’ સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝને જેલમાંથી ફરી એકવાર લખ્યો પ્રેમપત્ર
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર જેકલીન ફર્નાન્ડીઝને પ્રેમ પત્ર લખ્યો છે. આ વખતે સુકેશે જેકલીનને એક ગીત સમર્પિત કર્યું છે. અગાઉ લખેલા પત્રમાં સુકેશે જેકલીનને વચન આપ્યું હતું કે તે તેને ક્યારેય નહીં છોડે.
દિલ્હીની મંડોલી જેલમાં બંધ ઠગ સુકેશ ચંદ્રશેખરે બોલિવૂડ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિઝને લવ લેટર લખ્યો છે. સુકેશે થોડાં દિવસ પહેલા જ જેકલીનને એક પત્ર પણ મોકલ્યો હતો. જેમાં તેણે જેકલીનને બેબી ગર્લ કહી હતી. આવામાં ફરી એકવાર સુકેશે અભિનેત્રીને નવો પ્રેમ પત્ર મોકલ્યો છે. આ વખતે પોતાના નવા પત્રમાં સુકેશ ચંદ્રશેખરે જેકલીનની નવી તસવીરો જોઈને તેના વખાણ કર્યા છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે.
પ્રેમ પત્રમાં લખી આ વાત
આ વખતે સુકેશે તેના પ્રેમપત્રમાં તાજેતરમાં ઓસ્કાર વિજેતા ફિલ્મ લાપતા લેડીઝનું ગીત “સજની” જેકલીનને સમર્પિત કર્યું છે. આ સિવાય સુકેશે લખ્યું છે કે તેણે જેકલીન માટે એક આર્ટ બનાવી છે, જે તેના જન્મદિવસની ભેટ તરીકે છે. સુકેશે લખ્યું છે કે આ કળા તેના સપનાથી પ્રેરિત છે અને જેકલીન માટે ખાસ છે. સુકેશે તેના પત્રમાં જેકલીન સાથેના તેના પ્રેમની ઊંડાઈ અને મજબૂતી વિશે લખ્યું છે.
અભિનેત્રી વિના તેના દિવસ-રાત પસાર કરવા મુશ્કેલ બની ગયા
પત્રમાં સુકેશે લખ્યું છે કે તેમનો પ્રેમ દુનિયા માટે એક ઉદાહરણ છે અને તેમની લવસ્ટોરી રોમિયો-જુલિયટ જેવી છે. સુકેશ અવાર-નવાર જેકલીનને જેલમાંથી પત્ર લખે છે. સુકેશે થોડાં દિવસ પહેલા લખેલા પત્રમાં લખ્યું હતું કે તે જેકલીનને જોયા વગર રહી શકશે નહીં. તેણે લખ્યું હતું કે અભિનેત્રી વિના તેના દિવસ-રાત પસાર કરવા મુશ્કેલ બની ગયા છે. સુકેશે પત્રમાં જેકલીનને વચન આપ્યું હતું કે તે તેને ક્યારેય નહીં છોડે.
શું છે આરોપ?
જેકલીન ફર્નાન્ડીઝ અને સુકેશ ચંદ્રશેખરની સ્ટોરી ત્યારે સામે આવી જ્યારે મની લોન્ડરિંગ કેસમાં સુકેશ અને જેકલીનની ખાનગી તસવીરો સામે આવી હતી. બંનેના ફોટોની પણ ખૂબ ચર્ચા થઈ હતી. સુકેશ પર મની લોન્ડરિંગનો આરોપ છે. સુકેશ પર ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહના ખાનગી સચિવનો અવાજ બદલીને રૂપિયા 200 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે અને તે મંડોલી જેલમાં બંધ છે.