ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણતરીના દિવસો બાકી છે.ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાના પેપર 14 માર્ચથી શરૂ થવાના છે. પરંતુ 11 માર્ચે તમામ ઝોન કક્ષાએ પ્રશ્ન પેપર પહોંચાડવામાં આવશે. પેપર જે રૂમમાં સાચવીને મુકવામાં આવશે તેના બારણાની સાથે સાથે બારીઓને પણ ઢાંકીને સીલ મારવામાં આવશે. જેથી રૂમની અંદર મુકેલા પેપર સુરક્ષિત રહે. આ સાથે જ સ્ટ્રોંગરૂમની બહાર 24 કલાક હથિયારધારી પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. સ્ટ્રોંગ રૂમમાં સતત સીસીટીવીની મદદથી ધ્યાન રાખવામાં આવશે.
આ પણ વાંચો : Ahmedabad: બોર્ડની પરીક્ષામાં હોલ ટિકિટ ભૂલી ગયા તો શું થશે? જાણો બોર્ડની પરીક્ષા અંગેની તમામ મહત્વની બાબતો
ગુજરાત બોર્ડેની સાથે સ્થાનિક જીલ્લા શિક્ષણતંત્ર પણ પરીક્ષામાં કોઇ કચાશ ન રહે તે માટે પુરતી તૈયારી કરી છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષાના પેપર યોગ્ય રીતે સચવાય તે માટે સ્ટ્રોંગ રુમની બહાર ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર પરીક્ષા શરૂ થયાના 3 દિવસ પહેલા તમામ વિષયોના પેપર સ્ટ્રોંગરૂમ સુધી પહોંચી જશે તમામ પેપરને સાચવવાના જવાબદારી જીલ્લા શિક્ષણાધિકારીની રહેશે.
અમદાવાદમાં કુલ 7 જગ્યાએ સ્ટ્રોંગ રુમ ઉભા કરવામાં આવશે. સ્ટ્રોંગ રુમની આસપાસ જવા માટે પ્રતિબંધ રાખવામાં આવશે. ઉપરાંત જે પણ અધિકારી રૂમમાં પ્રવેશ લેશે તેણે તેના કારણ સાથેની માહિતી રજિસ્ટરમાં નોંધવાની રહેશે. તેમજ અધિકારી કેટલા સમય માટે રૂમમાં રહ્યાં તેની પણ માહિતી આપવાની રહેશે.
ગુજરાત બોર્ડ દ્વારા પેપર બોક્સ ટ્રેકિંગ માટે મોબાઇલ એપ ડિઝાઇન કરવામાં આવી છે. દરેક ઝોન કક્ષાના અધિકારીને એક નંબર અને પાસવર્ડ આપવામાં આવશે. પરીક્ષા દરમિયાન અધિકારીઓએ આ એપ્લિકેશન ચાલુ રાખવી પડશે. પ્રશ્ન પેપરના બોક્સ મોકલતા સમયે અધિકારીએ બોક્સ સીલ બંધ છે કે નઈ તેની ખરાઇ કરીને મોકલવાના રહેશે. એપ્લિકેશન પેપર લઇ જતા અને પરત ફરતા સમયે જીપીએસથી ટ્રેક કરાવવામાં આવશે.
શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે હોલ ટિકિટ ભૂલી જવાના કિસ્સામાં વિદ્યાર્થી પરીક્ષા ના આપી શકે એવું નહીં બને. તમામ સેન્ટરોને સૂચના અપાઈ છે કે વિદ્યાર્થી હોલ ટિકિટ ભૂલી જાય તો પણ તેની સ્કૂલમાં સંપર્ક કરીને મોબાઈલમાં ટિકિટ મંગાવીને પરીક્ષા આપવા દેવાશે. આ સિવાય કોઈ કિસ્સામાં વિદ્યાર્થીએ શાળા ફી ના ભરી હોય એવા વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી શકશે.
Published On - 1:14 pm, Fri, 10 March 23