CAનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ આનંદો ! હવે 5 વર્ષના બદલે 4 વર્ષમાં જ પુરો કરી શકાશે કોર્ષ
Education news : સીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો સૂચવતા પ્રસ્તાવને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સે સૈધ્ધાંતિક રીતે મંજૂરી પણ આપી દીધી છે. હાલમાં તેના પર સમાજના વિવિધ વર્ગોના સૂચન લેવામાં આવી રહ્યા છે.

ધોરણ 12 કોમર્સ પછી શું કરવુ એ પ્રશ્ન દરેક વિદ્યાર્થીઓને સતાવતો હોય છે. ખાસ કરીને કોમર્સ લાઈન લઈને વિદ્યાર્થીઓ ચાર્ટડ એકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા ધરાવતા હોય છે. જો કે આ કોર્ષનો સમયગાળો પાંચ વર્ષનો હોવાથી વિદ્યાર્થીઓ આટલા લાંબા ગાળા સુધી અથાગ મહેનત કરવાને લઇને મુંઝવાતા હોય છે. જો કે ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા દ્વારા સીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો સૂચવતો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જે પછી આ કોર્ષ પાંચ વર્ષની જગ્યાએ ચાર વર્ષનો થશે. વર્ષ 2023-24માં સીએ 4 વર્ષમાં પૂર્ણ થાય તેવા બદલાવની સંભાવના છે.
આ પણ વાંચો- Career News : મેડિકલના વિદ્યાર્થીઓ ભણશે આયુર્વેદ-યુનાની, UG-PGમાં કરશે રામાયણ-મહાભારતનો અભ્યાસ
આ પ્રસ્તાવને ફરી મિનિસ્ટ્રી પાસે મોકલવામાં આવશે
સીએના અભ્યાસક્રમમાં ધરખમ ફેરફારો સૂચવતા પ્રસ્તાવને ભારત સરકારની મિનિસ્ટ્રી ઓફ કોમર્સે સૈધ્ધાંતિક રીતે મંજૂરી પણ આપી દીધી છે. હાલમાં તેના પર સમાજના વિવિધ વર્ગોના સૂચન લેવામાં આવી રહ્યા છે. 1 જુલાઈ સુધી કોઈ પણ વ્યક્તિ આઈસીએઆઈની વેબસાઈટ પર જઈને સંભવિત ફેરફારો અંગે સૂચન કરી શખશે. એ પછી આ પ્રસ્તાવને ફરી મિનિસ્ટ્રી પાસે મોકલવામાં આવશે.
નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 10 વર્ષ પહેલા સમીક્ષા
મીડિયા રિપોર્ટસ અનુસાર નવી એજ્યુકેશન પોલિસીને ધ્યાનમાં રાખીને આઈસીએઆઈના બોર્ડ ઓફ સ્ટડીઝ(એકેડમિક્સ)ના વાઈસ ચેરમેન તથા વડોદરા સીએ ચેપ્ટરના સભ્ય વિશાલ દોશીએ આજે એક વાતચીતમાં કહ્યુ હતુ કે, સામાન્ય રીતે દર 10 વર્ષે સીએના કોર્સની સમીક્ષા કરવામાં આવતી હોય છે પણ નવી શિક્ષણ નીતિને ધ્યાનમાં રાખીને 10 વર્ષ કરતા પહેલા જ સમીક્ષા કરવામાં આવી છે.
આ પ્રસ્તાવ સૂચવવામાં આવ્યા
સીએના વિદ્યાર્થીની ઈન્ટર્નશિપ 3 વર્ષની જગ્યાએ બે વર્ષની કરવાનો પ્રસ્તાવ સૂચવવામાં આવ્યો છે. આ ઉપરાંત સીએના કોર્સના 20 પેપરની હાલમાં ત્રણ તબક્કામાં પરીક્ષા લેવાય છે તેની જગ્યાએ ચાર તબક્કામાં પરીક્ષા લેવાનુ નક્કી કરાયુ છે. હાલમાં વિદ્યાર્થીએ ફાઉન્ડેશનમાં 6 , ઈન્ટરમાં 8 અને ફાઈનલમાં 8 વિષયની પરીક્ષા આપવાની હોય છે. જેની જગ્યાએ વિદ્યાર્થીએ ફાઉન્ડેશન કોર્સમાં 4, ઈન્ટરમાં 6 વિષયની પરીક્ષા આપવાની રહેશે.
જ્યારે ઈન્ટર્નશિપના સમયગાળા દરમિયાન ચાર વિષયની જાતે જ તૈયારી કરીને તેની ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે.આ ચાર વિષય ક્લીયર કર્યા બાદ જ વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી શકશે. ઈન્ટર્નશિપ બાદ 6 મહિના સુધી વિદ્યાર્થી ફાઈનલની પરીક્ષા આપી નહીં શકે.આ સમય તેને ફાઈનલ પરીક્ષાની તૈયારી માટે મળશે.ફાઈનલમાં વિદ્યાર્થીએ 6 વિષયની પરીક્ષા આપવાની રહેશે.
મહત્વનું છે કે, સીએ બન્યા બાદ એકાઉન્ટ કે ઈન્કમ ટેક્સ કે ઓડિટમાં તો વિપુલ તકો રહેલી જ છે. સાથે સીએ પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થી કોઈ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાઈ શકે છે. તે ઈચ્છે તો પોતે સીએની પ્રેક્ટીસ પણ કરી શકે છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં આખા વિશ્વમાં સીએ માટે વિપુલ તકો પ્રાપ્ત થશે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…