નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નીટ, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) નું પરિણામ જાહેર કર્યું છે, જેમાં રાજસ્થાનની તનિષ્કા 9.93 લાખ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં ટોપ પર રહી છે. રાજધાની દિલ્હીના વત્સ આશિષ બત્રા બીજા અને કર્ણાટકના હૃષિકેશ નાગભૂષણ ત્રીજા નંબરે રહ્યા હતા. તનિષ્કાએ કોટાથી NEETની તૈયારી કરી હતી. ખાસ વાત એ છે કે આ વર્ષે તનિષ્કાએ JEE મેઈનની પરીક્ષા પણ આપી હતી અને તેમાં તેણે 99.50 ટકા માર્ક્સ મેળવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, NEET ટોપર તનિષ્કાના પિતા સરકારી સ્કૂલમાં ભણાવે છે. જ્યારે તનિષ્કાની માતા એક સરકારી શાળામાં શિક્ષીકા છે. તનિષ્કા કહે છે કે સ્કૂલ અને કોચિંગ સિવાય તે દરરોજ સાતથી આઠ કલાક ઘરે અભ્યાસ કરતી હતી. તનિષ્કાએ તેની સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપ્યો છે.
મેડિકલની પ્રવેશ પરીક્ષામાં 17.64 લાખથી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 1.17 લાખ ઉમેદવારો પાસ થયા છે, જ્યારે મહારાષ્ટ્રમાંથી 1.13 લાખ અને રાજસ્થાનમાંથી 82,548 ઉમેદવારો પાસ થયા છે. ભારતના 497 શહેરો અને દેશ બહારના 14 શહેરોના 3,570 કેન્દ્રો પર 17 જુલાઈએ યોજાયેલી પ્રવેશ પરીક્ષામાં લગભગ 95 ટકા હાજરી હતી. આ પરીક્ષા 13 ભાષાઓ આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂમાં લેવામાં આવી હતી.
NEET-UG પરીક્ષા પ્રથમ વખત અબુ ધાબી, બેંગકોક, કોલંબો, દોહા, કાઠમંડુ, કુઆલાલંપુર, લાગોસ, મનામા, મસ્કત, રિયાધ, શારજાહ, સિંગાપોર અને દુબઈ અને કુવૈત સિટીમાં લેવામાં આવી હતી.
દરમિયાન, કેન્દ્રીય શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું છે કે, JEE, એન્જિનિયરિંગ માટેની પ્રવેશ પરીક્ષા અને NEET, મેડિકલ પ્રવેશ પરીક્ષાને યુનિવર્સિટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CUET) સાથે જોડવાની કોઈ યોજના નથી. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના અધ્યક્ષ જગદીશ કુમારે ગયા મહિને કહ્યું હતું કે JEE અને NEETને ભવિષ્યમાં CUET સાથે મર્જ કરવામાં આવશે.