Rice Price Hike: સમગ્ર ભારતમાં લગભગ તમામ ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય લોકોને જીવન મુશ્કેલ બની રહ્યુ છે. સૌથી પહેલા ટામેટાના ભાવમાં (Tomato Price) વધારો જોવા મળ્યો હતો. દેશના જુદા-જુદા રાજ્યોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધી વધી ગયા હતા. ત્યારબાદ ડુંગળી અને લીંબુ સહિત લગભગ બધા જ લીલા શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. આ સાથે જ તમામ પ્રકારના કઠોળના ભાવ પણ ઉંચા જોવા મળ્યા હતા.
આ તમામ ખાદ્ય પદાર્થોમાં ભાવ વધારા બાદ હવે ચોખાના ભાવમાં પણ વધારો થયો છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ચોખાના ભાવ 11 વર્ષની ટોચે પહોંચ્યા છે. ચોખાના ભાવ વધારાની અસર ભારતમાં પણ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. આજે પણ દેશના અનેક રાજ્યમાં ખેડૂતોની ખેતી વરસાદ પર આધારિત છે. અલ-નીનોની અસર વરસાદને થઈ શકે અને તેનાથી ખેતીને નુકશાન થવાની સંભાવના છે.
હાલમાં ખરીફ સિઝન ચાલી રહી છે. દેશના અનેક ભાગોમાં પેડીનું વાવેતર અત્યારે કરવામાં આવે છે. આમ વરસાદ આધારિત ખેતીમાં તેની અસર ચોખાના ઉત્પાદન પર પણ પડશે. ભારત વિશ્વમાં મોટા પાયા પર ચોખાના નિકાસ કરે છે. અન્ય ખાદ્ય પદાર્થોની સાથે ચોખાના ભાવનો વધારો એશિયા અને આફ્રિકાના દેશોને અસર કરશે.
જો ચોખાની નિકાસની વાત કરવામાં આવે તો વિશ્વમાં ભારત અંદાજીત 40 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. 2022 ના વર્ષમાં ભારતે 5.6 કરોડ ટન ચોખાની નિકાસ કરી હતી. આ વર્ષની જો વાત કરવામાં આવે તો ઓછા પુરવઠાના કારણે તેના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે તેની અસર પણ વિશ્વના અનેક દેશો પર પડી છે. ખાસ કરીને એવી કોમોડિટી જેનું મોટા પાયા પર ઉત્પાદન આ બન્ને દેશમાં થાય છે.
આ પણ વાંચો : Bottle Gourd Farming: ખેડૂતો માટે દુધીની ખેતી ફાયદાકારક રહેશે, ખર્ચ કરતાં થઈ શકે છે 5 ગણો નફો
ભારતની સાથે સમગ્ર દુનિયામાં લોકો ચોખાનો ખોરાકનો વધારે ઉપયોગ કરે છે. આંક્ડા અનુસાર 3 અબજથી વધુ લોકો તેનો ઉપયોગ રોજીંદા જીવનમાં કરે છે. ચોખાનું 90 ટકાથી વધુ ઉત્પાદન એશિયન દેશોમાં થાય છે. જો ચોખાની ખેતીની વાત કરીએ તો ખરીફ સિઝન એટલે કે ચોમાસામાં તેનું વધારે પ્રમાણમાં વાવેતર થાય છે કારણ કે તેના માટે પાણીની ખૂબ જ વધારે જરૂરીયાત રહે છે.